આજે દેશ અને દુનિયામાં સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટનો સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે ડંકો વાગે છે તે ગુરુકુલના પાયાના પથ્થરસમા, ગુરુકુલ ગંગોત્રીને પુન:જીવીત કરનાર, સ્પષ્ટવક્તા, પરોપકારી સંત, જીવનથી જીવન ઘડનાર સદ્વિદ્યા સદ્ધર્મરક્ષક સદ્ગુરુ શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજીની મહા વદ-2ના રોજ 35મી પુણ્યતિથિ છે.
ભારતીય સંસ્કૃતિમાં સાધુ-સંતોનો અપાર મહિમા ગવાયો છે. આપણા સમાજમાં સાચા સંત-મહાત્મા પ્રત્યે લોકોને ગૌરવ અને આસ્થા છે. સાચા ભેખધારી સંતનું સ્થાન સમાજમાં સન્માનીય અને ગૌરવવંતુ છે. આવા સંત સમાજ માટે, લોકો માટે ધૂપસળી તથા ચંદનની જેમ અન્યને માટે પોતાની જાતને ઘસીને અન્યને સુખ આપે છે અને એટલે જ કહેવાયું છે ને ગંગા પાપને, ચંદ્ર તાપને, કલ્પતરુ કંગાલિયતને દૂર કરે છે પણ સાધુજનની કૃપા થાય તો પાપ, તાપ અને સંતાપ ત્રણેયને દૂર કરે છે અને આવા સંત હતા શાસ્ત્રી ધર્મજીવનદાસજી સ્વામી.
અમરેલી જિલ્લાના નાના એવા તરવડા ગામે લાખાણી પરિવારમાં જન્મ પૂર્વાશ્રમનું નામ અરજણ. પૂ. બાલમુકુંદસ્વામીના યોગમાં આવ્યા અને વૈરાગ્યને વેગ મળ્યો. અને સં. 1973ના ભાદરવા વદી-5ના રોજ વડતાલવાસી આચાર્ય મહારાજ પ્રતિપ્રસાદજીએ સારંગપુરમાં દીક્ષા આપી અને નામ આપ્યું ધર્મજીવનદાસ. સ્વામીના ગુરુ પુરાણી ગોપીનાથજી સ્વામી સંસ્કૃતના પ્રખર પંડિત અને ઉત્તમ વક્તા હતા તેમના ગુણ તેમનામાં ઉતર્યા.શાસ્ત્રીજી મહારાજ ખૂબ જ વ્યવહારકુશળ અને સેવાભાવી હતા. તેમની કાર્યશૈલી જોઈ સં. 2000માં જૂનાગઢ મંદિરના મુખ્ય કોઠારી તરીકે નિમણૂક થઈ અને 2001માં અભૂતપૂર્વ 21 દિવસનો જૂનાગઢમાં મહોત્સવ કર્યો. આ મહોત્સવમાં સાધુ-સંતો, મહાનુભાવો, મુમુક્ષુ હરિભક્તો વિશાળ સંખ્યામાં પધાર્યા હતા. જૂનાગઢના નવાબે પણ પોતાનો રાજીપો વ્યકત કરેલ. જેને કારણે ચાર ચાંદ લાગી ગયા.
સ્વામીજીએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનેક અવનવા આયોજનો આપી અમર બની ગયા. જપયજ્ઞો, બ્રહ્મસત્રો, જ્ઞાનસત્રો, સત્સંગ સાધના શિબિરો, કિશાન સ્પેશ્યલ ચારધામ યાત્રા ટ્રેઈનો, વેદપારાયણો, મંદિરોના નિર્માણો, જીર્ણોદ્ધાર, નેત્રયજ્ઞો, દંતયજ્ઞો, સર્વરોગ નિદાન કેમ્પો, વ્યસન મુક્તિ ઝુંબેશ વગેરે ગોઠવી સેવાકીય પ્રવૃત્તિ કરી. તો વાવાઝોડા, અતિવૃષ્ટિ, દુકાળ સમયે તાત્કાલિક રાહત પહોંચાડી સમાજને ઉપયોગી બન્યા.
સ્વામીજીની 35મી પુણ્યતિથિ મહા વદી-2 તા. 7 ના રોજ ગુરૂર્ય પૂ. દેવકૃષ્ણદાસજી સ્વામીના સાંનિધ્યમાં વિવિધ કાર્યક્રમમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. સવારે 7:30 થી 8:15 શ્રદ્ધાંજલિ સભા, ત્યારબાદ શાસ્ત્રીજી મહારાજના પાર્થિવ દેહને જ્યાં અગ્નિ સંસ્કાર કરવામાં આવેલ તે સ્થળે ભજન- કીર્તન કરતાં જઈ સંતો-હરિભક્તો પુષ્પાંજલિ અપાઇ. આ દિવસે ચોવીસ કલાકની ધૂન, યજ્ઞ વગેરે કરવામાં આવેલે. શાસ્ત્રીજી મહારાજના અનુયાયી શિષ્યો દ્વારા ચલાવતા લગભગ અન્ય 51 જેટલા ગુરુકુલમાં પણ વિશેષ ભજન-ભક્તિનું આયોજન કરવામાં આવેલ છે.