આવતીકાલનો દિવસ દેશના ભવિષ્ય માટે અતિ મહત્વનો દિવસ છે. આ દિવસે બજેટ રજૂ થવાનું છે. બજેટમાં તમામ લોકોને રાહતની આશા છે. આ આશા ફળે છે કે નહીં તે જોવાનું રહ્યું.

આવતીકાલે બજેટ છે. નાણામંત્રી સામે બે સળગતી સમસ્યા છે. એક છે 200 અબજ ડોલર અને બીજી છે 200 મિલીયન. બંનેમાં આંક 200 છે પરંતુ એક અબજ ડોલર છે તો બીજો મિલીયન છે. પ્રથમ નજરેજ બંને આંકડા ચિંતાજનક છે. અહીં 200 અબજ ડોલર એ ખાદ્ય છે. જ્યારે 200 મિલીયન એ બેરોજગારોની સંખ્યા છે. ખાધ ઘટાડવા સરકારે લીધેલા પગલાંની કોઇ અસર પડી નહોતી કેમકે કોવિડના સમયગાળામાં સરકાર સામે વધુ ખર્ચ આવી પડયો હતો . દેશ સામે સૌથી મોટી સમસ્યા બેરોજગારીની બની ગઇ છે. સરકાર આ મુદ્દે એક સાંધે તો તેર તૂટે એવી સ્થિતિ છે.

200 મિલીયન બેરોજગારો એ આંકડો સ્ફોટક બની શકે છે. બિહારમાં રોજગારી વાંચ્છુ યુવાનોએ આંદોલન શરૂ કર્યું છે. વિપક્ષોએ તેમને ટેકો આપ્યો છે. બેરોજગારીથી ઉભી થયેલી નિરાશા પાંચ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણીઓ પર સત્તા વિરોધી વાતાવરણ ઉભું કરી શકે છે.સરકારને ચિંતા બજેટ ખાધની છે. સરકારના આવક જાવકના હિસાબોની ખાઇ વધુ મોટી થઇ રહી છે.

વધી રહેલા ક્રૂડ ઓઇલના ભાવ આર્થિક તંત્રની મુશ્કેલીઓ વધારી રહ્યા છે. સરકાર વણમાંગ્યા સલાહકારોથી ત્રસ્ત છે. જેમકે રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજન છાશવારે ભારતના મંદ પડતા આર્થિક તંત્રની ટીકા કરતા હોય છે. તેમને કોઇ સાંભળતું નથી છતાં તે ભારતના અર્થ તંત્રની સ્થિતિને વિશ્વમાં વગોવી રહ્યા છે.

બજેટની સાથે બચતના મુદ્દા પણ સરકારે ચર્ચવાની જરૂર છે. બચતના પાઠનું અનુકરણ કરવાની સરકારે પોતેજ કરવાની જરુર છે. લોકોને બચતના નાણાનું બહુ સામાન્ય વ્યાજ બેંકો આપે છે . એટલે લોકો વધુ પૈસા કમાવવા બીજે વળે છે અને ફસાઇ જાય છે. લોકોને વધુ વળતર મળે અને તેમને ફસાવતા લોકો સામે કડક પગલાંની જોગવાઇ કરવી જોઇએ એમ સૌ માને છે.

કોરોનાની ત્રીજી લહેર વચ્ચે રજૂ થનાર આ બજેટ સાથે સમાજના દરેક વર્ગની આશાઓ જોડાયેલી છે. કોરોના સંક્રમણના કારણે કથળેલી આર્થિક સ્થિતી સામે લડવા માટે સરકારે ઘણાં પગલાઓ લીધા છે પણ હજુ પણ ઘણાં પડકારો છે. એવામાં આ બજેટ પર સમાજનો દરેક વર્ગ આશા રાખીને બેઠો છે. વેપારી વર્ગને રાહત અને ટેક્ષ છૂટની આશા છે તો ગૃહિણીઓને ઘરના બગડેલા બજેટની યુવાઓને રોજગારની આશા છે તો વિદ્યાર્થીઓને શિક્ષણ બજેટમાં વધારાની. આમ સામાન્ય લોકોની નજર આવતીકાલે સંસદમાં રજૂ થનાર બજેટ પર મંડાયેલી છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.