- રામદુત અતુલિત બલધામા અંજનીપુત્ર પવનસુત નામા
- ચિત્રાનક્ષત્ર હોવાથી કાલે હનુમાનજી ઉપાસના કરવાથી શનિ-રાહુ ગ્રહ પનોતીની પીડા થાય છે દૂર
કાલે ચૈત્ર સુદ પુનમ સાથે હનુમાનજી મહારાજ નો જન્મોત્સવ છે. આ દિવસે રાત્રી ના 22.39 ચિત્રા નક્ષત્ર છે. તથા આખો દિવસ રાત્રી અમૃતસિદ્ધિ યોગ છે. મંગળવાર હનુમાનજી નો વાર છે આથી મંગળવારે હનુમાનજી જન્મોત્સવ ગણવામાં આવે છે ચિત્રા નક્ષત્ર માં હનુમાન જયંતિ ઉત્તમ ગણવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે હનુમાનજીનો જન્મ પણ ચિત્રા નક્ષત્ર મા થયેલ આથી આ વર્ષે ચિત્રા નક્ષત્ર છે. આથી હનુમાન જયંતિ વધારે ઉત્તમ ગણાશે. હનુમાનજી દાદા સપ્તચિરંજીવી મા એક છે આથી પૃથ્વી ઉપર હંમેશા હાજર હોય છે. ખાસ કરીને જ્યાં રામકથા ચાલતી હોય ત્યાં હનુમાનજી હાજરી આપે છે. કળિયુગમાં હનુમાનજી તેના ભક્તોની પીડા તુરંત દૂર કરે છે. હનુમાનજીની ઉપાસનાથી જીવનની બધીજ બીમારી દુર થાય છે તથા ખાસ કરીને આ ઘોર કળિયુગમાં હનુમાનજીની પુજા ઉપાસનાથી જીવનની બધીજ પીડાઓ દુર થાય છે. શનિ ગ્રહ ની નાની- મોટી પનોતી ની પીડા પણ દુર થાય છે. રાહુ પીડા પણ દુર થાય છે.
હનુમાનજીની પૂજા:
હનુમાન જયંતિ ના દિવસે ભાઈઓ એ બાજોઠ ઉપર લાલ વસ્ત્ર પાથરી ઘઉંની ઢગલી કરી તેના ઉપર હનુમાનજીની છબી રાખવી. બાજુમા સરસવના તેલનો ફૂલ વાટનો દિવો કરવો, ગણપતિ દાદા, શ્રીરામચંદ્ર ભગવાનનું નામ લઈ અને હનુમાનજીને ચંદનનો ચાંદલો કરવો. પોતે પણ ચાંદલો ચોખા કરવા. ત્યારબાદ 7. 11,21 કે 108 હનુમાન ચાલીસાના પાઠ અથવા સુંદરકાંડનો પાઠ કરવો. ઉપરાંત ૐ નમો હનુમંતે ભયભંજનનાય સુખ કુરૂ ફટ સ્વાહ મંત્ર નો જાપ પણ કરી શકાય. હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ બહેનો પણ કરી શકે છે. હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સુખડી નૈવેદ્ય ઘરવુ ઉત્તમ છે. હનુમાનજીને અડદના 21 દાણા ચડાવા, સરસવનું તેલ ચડાવવું પણ ઉત્તમ અને પીડાનાશક છે. હનુમાનજીને નિવેદ્ય મા સુખડી, લાડવા ઉપરાંત ફળ ફળાદી ઘરવા પણ ઉત્તમ છે. આંકડાની માળા, લવિંગ, તુલસીની માળા આ બધુ હનુમાનજીને પ્રિય છે હનુમાનજીની પૂજા કરવા બેસો ત્યારે ખાસ કરીને લાલ અથવા કેસરી વસ્ત્રો પહેરવા પણ ઉત્તમ ગણાય છે.
બટુક ભોજન નુ મહત્વ :
આ દિવસે બટુક ભોજન કરાવવાનુ પણ ખાસ મહત્વ છે. નાના બાળકોનુ મન એકદમ ભોળું હોય છે અને ભોળા લોકોને ભગવાન તુરંત પ્રસન્ન થાય છે આથી જ બાળકોને ભગવાનનું સ્વરૂપ ગણવામાં આવે છે આથી આ દિવસે બટુક ભોજન કરાવવાથી હનુમાનજી તુરંત પ્રસન્ન થાય છે.
જાણો હનુમાનજીને શા માટે સિંદૂર ચડાવામાં આવે છે
ભગવાન રામ અને માતા સીતા લંકા પર તેમની જીત પછી તેમના સૌથી પ્રિય ભક્ત હનુમાન સાથે અયોધ્યા પાછા ફર્યા. ત્યારબાદ હનુમાનજી પણ અયોધ્યામાં ભગવાન સાથે હતા, હનુમાનજી જનક નંદિનીના મહેલમાં પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે માતા સીતા પોતાના સેંથામાં સિંદૂર લગાવી રહ્યા છે. આ પછી હનુમાનજીએ સીતા મા ને પૂછ્યું કે હે માતા તમે તમારા સેંથામાં આ કેસરી રંગ કેમ ભરી રહ્યા છો?
ત્યારે માતા સીતાએ કહ્યું કે આ કેસરી રંગને સિંદૂર કહેવાય છે. તેને સેંથામાં ભરવાથી મારા ભગવાન દશરથ નંદન રામનું આયુષ્ય વધે છે, તેથી હું દરરોજ સિંદૂરથી મારો સેંથો ભરું છું. આ પછી અંજની સૂતે વિચાર્યું કે એક ચપટી સિંદૂર મારા ભગવાન રામનું આયુષ્ય વધારે છે, તો હું મારા આખા શરીર પર સિંદૂર કેમ ન લગાવું. ત્યારબાદ હનુમાનજી પણ પોતાના આખા શરીરે સિંદૂર લગાડે છે અને રામ ભગવાનની સભામાં પહોંચે છે આવી રીતના રામ ભગવાન હનુમાનજીની ભક્તિ જોઈ અને ખુશ થાય છે અને ત્યારથી જ હનુમાનજીને સિંદૂર ચઢાવવાની પરંપરા ચાલે છે અને હનુમાનજીને સિંદૂર ચઢાવવાથી હનુમાનજીના તો આશીર્વાદ મળે છે સાથે રામચંદ્ર ભગવાન ના પણ આશીર્વાદ મળે છે.