પોઇન્ટ ટેબલ પર ટોપ પર રહેવાના બુલંદ ઇરાદા સાથે રોહિત સેના મેદાનમાં ઉતરશે
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલા ટી-20 વર્લ્ડકપમાં આવતીકાલે રવિવારે ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેને હરાવીને વર્લ્ડકપના સેમિફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરવાના બુલંદ ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પોઇન્ટ ટેબલ પર રોહિત સેના ટોપ રહેવાનો ઇરાદો ધરાવે છે.
આવતીકાલે ગ્રુપ-બીમાં નેધરલેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે જ્યારે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે. જેમાં ગ્રુપમાં ટોપ પર રહેનારી બે ટીમોનો સેમિફાઇનલમાં પ્રવેશ થશે. હાલ સાઉથ આફ્રિકા અને ભારતનો પ્રવેશ નિશ્ર્ચિત મનાઇ રહ્યો છે. જો કાલની મેચમાં પાકિસ્તાન બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવે અને બીજી તરફ સાઉથ આફ્રિકાની ટીમ નેધરલેન્ડની સામે હારી જાય તો જ પાકિસ્તાનની સેમિફાઇનલમાં ટિકિટ પાકી થઇ જશે તેમ છે. ભારતનો મેચ બપોરે 1:30 કલાકથી ઝિમ્બાબ્વે સામે છે.
અંતિમ લીગ મેચ જીતીને ભારત ગ્રુપ-બીમાં ટોપ સાથે સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવા ઇચ્છી રહી છે. હાલ વિરાટ કોહલી, કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ સહિતના બેટ્સમેનો ફોર્મમાં હોવાના કારણે ભારતને આવતીકાલની મેચ માટે હોટ ફેવરીટ માનવામાં આવી રહી છે. જો કે સુકાની રોહિત શર્માનું કંગાળ ફોર્મ ભારત માટે થોડી ચિંતા વધારી રહ્યું છે. 2007ના ટી-20 વર્લ્ડ કપ બાદ હવે ચેમ્પીયન બનવાથી ભારત માત્ર 3 કદમ જ દૂર છે. લીગ રાઉન્ડમાં ચારમાંથી ત્રણ મેચમાં ભારતનો વિજય થયો છે. આવતીકાલની મેચ ભારત જીતી સેમિફાઇનલની ટિકિટ પાકી કરી લેશે. બીજી તરફ આવતીકાલની મેચ બાદ સેમિફાઇનલમાં કંઇ ટીમ કોની સામે ટકરાશે તે વાત નિશ્ર્ચિત બની જશે.