ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમે એકબીજાને ભરી પીવા નેટમાં પાડ્યો પરસેવો
કાલે બપોરે ૧ વાગ્યે ટોસ, ૧:૩૦ કલાકે પ્રમ દડો નખાશે: મેચ હાઈસ્કોરીંગ રહે તેવી સંભાવના
બેટ્સમેનો માટે સ્વર્ગ સમી ખંઢેરીની વિકેટ પર વોર્નર-ફિંચ સહિતના ઓસ્ટ્રેલીયન બેટ્સમેનોને કાબુમાં રાખવા ભારતીય બોલરો માટે મોટો પડકાર
છેલ્લા ઘણા સમયથી શાનદાર ફોર્મમાંથી પસાર થઈ રહેલી વિરાટની સેના સામે મોટો પડકાર આવ્યો છે. ટીમ ઈન્ડિયા માટે અપશુકનિયાળ મનાતા ખંઢેરી સ્ટેડિયમ ખાતે કાલે ઓસ્ટ્રેલીયા સામે રમાનારી શ્રેણીની બીજી વન-ડે મેચ ભારતે જીતવી ફરજિયાત બની જવા પામી છે.
જો કાલની મેચમાં ટીમનો પરાજય થશે તો ઘર આંગણે ભારતીય ટીમે વન-ડે શ્રેણીથી હાથ ધોઈ નાખવા પડશે. કાલે બપોરે ૧ વાગ્યે ટોસ ઉછળશે અને ૧:૩૦ કલાકે પ્રથમ દડો નખાશે. ખંઢેરી વિકેટની તાસીર હંમેશા બેટ્સમેનોને યારી આપતી રહે છે.
કાલે ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચે રમાનારી મેચ હાઈસ્કોરીંગ રહે તેવી પ્રબળ સંભાવના દેખાઈ રહી છે. અગાઉ ખંઢેરી ખાતે બે વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમાયા છે. જેમાં બન્નેમાં ભારતનો પરાજય થયો છે. પ્રથમ વન-ડેમાં કમિન્સની બોલીંગમાં ઘાયલ થયેલા ભારતીય ટીમના વિકેટ કિપર બેટ્સમેન રિષભ પંતનું રાજકોટમાં રમવું શંકાસ્પદ છે. બેટ્સમેનો માટે સ્વર્ગ સમી વિકેટ પર વોર્નર અને ફિંચ સહિતના ઓસ્ટ્રેલીયાની બેટ્સમેનોને કાબુમાં રાખવા ભારતીય બોલરો માટે મોટો પડકાર રહેશે.
ગઈકાલે બપોરે ભારત અને ઓસ્ટ્રેલીયાની ટીમનું ચાર્ટડ ફલાઈટમાં આગમન થયું હતું. ટીમ સાથે ન આવેલા ઓપનર બેટ્સમેન રોહિત શર્મા સાંજની ફલાઈટમાં રાજકોટ આવી પહોંચ્યો હતો. જ્યારે કોચ રવિ શાસ્ત્રી અને સુકાની વિરાટ કોહલી આજે બપોરે ટીમ સાથે જોડાઈ ગયા હતા. ઓસ્ટ્રેલીયાએ ભારતને ઘર આંગણે વન-ડે શ્રેણીમાં પરાજય આપવાના બુલંદ ઈરાદા સાથે સવારે આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી. તો ટીમ ઈન્ડિયાએ બીજી વન-ડે જીતી શ્રેણી સરભર કરવાના ઈરાદા સાથે કલાકો સુધી નેટમાં પરસેવો પાડ્યો હતો. મુંબઈ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં કાંગારૂએ તમામ ક્ષેત્રે ભારતને મહાત આપી હતી અને ૧૦ વિકેટે પ્રથમ વન-ડે જીતી લીધો હતો. ઓપનર ડેવીડ વોર્નર અને સુકાની એરોન ફિંચે આક્રમક સદી ફટકારી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના ખંઢેરી સ્થિત સ્ટેડિયમ ખાતે અત્યાર સુધીમાં ૨ વનડે મેચ રમાઈ છે. વર્ષ ૨૦૧૩માં રમાયેલી ઈંગ્લેન્ડ સામેની વન-ડે અને ૨૦૧૭માં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની વન-ડેમાં ભારતીય ટીમનો પરાજય થયો હતો. જ્યારે ૨૦-૨૦ની તમામ મેચો અહીં જીતવામાં ટીમ ઈન્ડિયા સફળ રહ્યું છે. રાજકોટમાં વન-ડે નહીં જીતવાનું મેણુ ભાંગવાના ઈરાદા સાથે કાલે વિરાટ સેના મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલીયાના મોટાભાગના બેટ્સમેનો અને બોલરો હાલ સર્વોતમ ફોર્મમાંથી પસાર થઈ રહ્યાં છે. આવામાં ભારતીય બોલરો સામે ઓસ્ટ્રેલીયન બેટ્સમેનોને કાબુમાં રાખવા મોટો પડકાર રહેશે તો બીજી તરફ બેટ્સમેનોએ પણ જંગી ઝુમલો ખડકવો પડશે.
સામાન્ય રીતે ખંઢેરીમાં ટોસ જીતનારી ટીમ પ્રથમ બેટીંગ પસંદ કરતી હોય છે. સામાન્ય રીતે અહીં વન-ડેમાં ૩૦૦થી વધુ રન બનતા હોય છે અને હરિફ ટીમે આ તોતીંગ ઝુમલો ચેસ કરવામાં પણ કોઈ ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. બેટ્સમેનો માટે ખંઢેરીની વિકેટ પેરેડાઈઝ માનવામાં આવે છે અને અહીં બોલરોનું કચ્ચરઘાણ નિકળી જાય છે. આજે સવારના સેશનમાં ઓસ્ટ્રેલીયાની ટીમે આકરી નેટ પ્રેક્ટિસ કરી હતી. જ્યારે બપોરના સેશનમાં ભારતીય ટીમે કોચ રવિ શાસ્ત્રીના માર્ગદર્શનમાં કલાકો સુધી નેટમાં પરસેવો પાડ્યો હતો. દિવસો અગાઉ જ મેચની ટિકિટનું વેંચાણ થઈ ગયું છે. બન્ને ટીમો એકીબીજાને ભરી પીવા સજ્જ હોય ક્રિકેટપ્રેમીઓને એક રોમાંચક મેચ માણવા મળે તેવી સંભાવના હાલ જણાય રહી છે.