આઠમા નોરતે માતાજીના મઢ-સ્થાનકોમાં હવનોત્સવ; ભગવાન શ્રી રામ સાથે જોડાયેલું છે દુર્ગાષ્ટમીનું મહત્વ
આસો સુદ આઠમ સાથે આવતીકાલે આઠમું નોરતું છે જે હવનાષ્ટમી તરીકે ઓળખાય છે. આ દિવસ મહાષ્ટમી, દુર્ગાષ્ટમી તથા સરસ્વતી બલિદાનનો દિવસ પણ છે. હવનાષ્ટમી નીમીતે કાલે ઘેર-ઘેર માતાજીને નૈવેદ્ય ધરાવવામાં આવશે. આ ઉપરાંત માતાજીના મઢ-સ્થાનકોમાં હવનના ભવ્ય આયોજનો થયા છે. દરેક પરિવારજનો પોતાના કુળદેવીના સ્થાનકે જઈ માતાજીને શીશ ઝુકાવી ઉપાસના કરશે.
દુર્ગાષ્ટમીનું મહત્વ ભગવાન શ્રી રામ સાથે પણ જોડાયેલું છે. ભગવાન શ્રી રામ રાવણને જીતવા આસો મહિનાની નવરાત્રીનું વ્રત અને અનુષ્ઠાન કરે છે. ભગવાન રામ જયારે રાવણ સામે યુધ્ધમાં થાકી જાય છે. ત્યારે નારદ મૂનિ ભગવાન રામને નવરાત્રીનું અનુષ્ઠાન આવે છે. અને શ્રીરામ નવરાત્રીમા માતાજીની આરાધના કરે છે. માતાજી આઠમા નોરતે હવન બાદ ભગવાન રામને વરદાન આપે છે. તે દિવસ હતો આસો સુદ આઠમનો. આથી આઠમા નોરતે હવનનું વધારે મહત્વ છે.
આ દિવસે સરસ્વતી પુજાનું પણ વિશેષ મહત્વ છે. વિદ્યા અને ભાગ્ય મેળવવા ર્માં સરસ્વતીની પૂજન-ઉપાસના કરવાથી વિદ્યાબળ અને સમજશકિતમાં વધારો થાય છે. તથા જીવનની બાધાઓદૂર થાય છે. નવરાત્રી એટલે શકિત અને ભકિતનું અદભૂત મીલન ગણાય છે. આ દિવસો આસુરી વૃત્તી દૂર કરવા માટે માતાજીની આરાધના કરવાના દિવસો છે.
માતાજી નવદુર્ગાની સાતમી શકિત એટલે કાલરાત્રી
નવલા નોરતાના સાતમા નોરતે કાલરાત્રી માતાજીનું પૂજન કરવામાં આવે છે. માતાજીનું સ્વરૂપ જોઈએ તો તેમનો રંગ કાળો, અંધકારમય છે. માથાના વાળ વિખરાયેલા છે ગળામાં વીજળીની માળા પહેરેલી છે જે એકદમ ચમકે છે. માતાજીના શ્ર્વાસથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ભયંકર જવાળાઓ નીકળી રહી છે. વાહન ગઘેડી છે. માતાજીના ચાર હાથમાં જમણા હાથ વરદાનની મુદ્રામા છે. ડાબા હાથમાં લોઢાના કાટાળુ તથા ઉપલા હાથમાં ખડગ એટલે કે કટાર છે.
– શાસ્ત્રી રાજદિપ જોષી