સમૂહ પૂજા-પાઠ, ભજનો ગુરૂવાણી, મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો મોકૂફ: ભાવિકોને આશ્રમમાં પ્રવેશ નિષેધ: માત્ર સંતો-મહંતો કરશે પૂજા-આરતી : લોકો ઘેરબેઠા આશ્રમનાં કાર્યક્રમો ઓનલાઈન નિહાળી શકશે
‘ગુરૂ ગોવિંદ દોનો ખડે કાં કે લાગુ પાય, બલિહારી ગુરૂદેવ કી ગોવિંદ દિયો બતાય’ આવતીકાલે તા.૫ને રવિવારના રોજ ગુરૂપૂર્ણિમા. શિષ્યો માટે ગુરૂ પૂજનનો વિશેષ દિન, અષાઢ સુદ પૂનમના દિવસે વર્ષોથી પરંપરા મુજબ વ્યાસપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે ભાવિકો દ્વારા ગુરૂપૂર્ણિમા મહોત્સવની ભક્તિભાવપૂર્વક ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે સરકારના દિશાનિર્દેશ અનુસાર તમામ મંદિરો, આશ્રમ અને ગુરૂધામો ખાતે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી મોકુફ રખાય છે.
જનહિતાર્થે સંતો-મહંતો દ્વારા આ વર્ષે ગુરૂપૂર્ણિમા મહોત્સવ નહીં ઉજવવામાં પ્રસંશનીય નિર્ણય લેવાયો છે. માત્ર જે તે મંદિરના સંતો-મહંતો દ્વારા જ ગુરૂપૂજન, આરતીનો લાભ મળશે. કેટલાક સ્થાનોએ આવતીકાલે દર્શન માટે ભાવિકોને પ્રતિબંધ છે.સંક્રમણનો ફેલાવો વધુ ન થાય તે અર્થે મંદિરના ધર્મગુરૂઓ દ્વારા આ પ્રકારનો નિર્ણય લેવાયો છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ મંદિરો, આશ્રમમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે ધાર્મિક કાર્યક્રમો નહીં યોજાય. સમૂહ પૂજાપાઠ, ગુરૂપૂજન, સંતવાણી, ભજનો તેમજ મહાપ્રસાદ સહિતના તમામ ધાર્મિક ઉત્સવો મોકુફ રખાયા છે. કોરોના મહામારીને પગલે ભક્તો-શિષ્યો ઘેરબેઠા ગુરૂપૂજન-ગુરૂ ગુણગાન કરશે. ઉપરાંત આશ્રમ સ્થિત રૂમોમાં રહેવાની કે ભોજન પ્રસાદની વ્યવસ્થા થશે નહીં. રાજકોટમાં રામકૃષ્ણ આશ્રમ, રણછોડદાસ આશ્રમ સહિતના મંદિરોએ માત્ર મહંતો દ્વારા જ ગુરૂપૂજનનું આયોજન થશે.
ભક્તો માટે પ્રવેશ નિષેધ છે. ભાવિકોની આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે તમામ આશ્રમ ધામોથી આખા દિવસના ગુરૂપૂર્ણિમા મહોત્સવના આરતી, પૂજન, ભજન, ભોગ સહિતના ધાર્મિક ઉત્સવો ભક્તો ઘરબેઠા નિહાળી શકશે.
થાનગઢ-જોગધ્યાનપુરા, જામનગર, દાણીધારધામ, સાંદિપની વિદ્યાનિકેતન, વાવણીયાના રામબાઈ મંદિર, સિધ્ય ગણેશ આશ્રમ, મોટા ખૂટવડા, માનવ મંદિર આશ્રમ-સાવરકુંડલા સહિત સૌરાષ્ટ્રના તમામ મંદિરો, આશ્રમ-પરિસરોમાં આ વર્ષે વ્યાસપૂર્ણિમાની ઉજવણી મોકુફ રાખવામાં આવી છે. ભક્તોને પણ એક દિવસ આશ્રમમાં નિષેધ રહેશે. તમામ કાર્યક્રમો ઘેરબેઠા ઓનલાઈન નિહાળી શકવાનું આશ્રમ તરફથી આયોજન કરાયું છે.