ભવનાથ સ્થિત મંગલનાથ આશ્રમ પાસેથી વ્હેલી સવારે 6:45 વાગ્યે મંત્રી દેવાભાઇ માલમ ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો પ્રારંભ કરાવશે: બપોરના 12 વાગ્યે ઇનામ વિતરણ સમારોહ યોજાશે
2 જાન્યુઆરી 20222ના પ્રથમ રવિવારની વ્હેલી સવારે ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. આ અંગે મળતી વિગત મુજબ 36 મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા 2 જાન્યુઆરી 2022ના યોજાશે. ભવનાથ સ્થિત મંગલનાથ આશ્રમ પાસેથી વ્હેલી સવારે 6:45 વાગ્યે મંત્રી દેવાભાઇ માલમ ફ્લેગ ઓફ આપી સ્પર્ધાનો પ્રારંભ કરાવશે. દરમીયાન બપોરના 12 વાગ્યે ઇનામ વિતરણ સમારોહ યોજાશે.
આ તકે જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઇ જોષી, માણાવદરના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા, મેયર ધીરૂભાઇ ગોહેલ, સાંસદ રાજેશભાઇ ચુડાસમા, કલેકટર રચિત રાજ, કમિશ્નર રાજેશ તન્ના, ડીડીઓ મિરાંત પરીખ વગેરેની ઉપસ્થિતી રહેશે. દરમિયાન અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાઇઓમાં કાનજી ભાલીયાનો 2002નો 55.33 મિનીટનો રેકોર્ડ છે. જ્યારે બહેનોમાં ગાયત્રી ભેંસાણીયાનો 2008 નો 34.14 મિનીટનો રેકોર્ડ છે. ત્યારે હવે આ રેકોર્ડ તૂટે છે કે નહિ તે જોવું રહ્યું.
આ સ્પર્ધામાં કુલ 1058 સ્પર્ધકો ભાગ લેશે. આમાં સિનીયર ભાઇઓ 400, જૂનિયર ભાઇઓ 330 છે. જ્યારે બહેનોમાં સિનીયર બહેનો 148 છે અને જૂનિયર બહેનો 180 છે. ભાઇઓમાં સિનીયરની સ્પર્ધા સવારે 7 વાગ્યે શરૂ થશે જ્યારે જૂનીયરની સ્પર્ધા 7:20 વાગ્યે શરૂ થશે. બહેનોમાં સિનીયરની સ્પર્ધા સવારે 9 વાગ્યે અને જૂનીયરની 9:05 વાગ્યે યોજાશે. ભાઇઓ માટે અંબાજી સુધીના 5,500 પગથિયા છે અને બહેનો માટે માળી પરબ સુધીના 2,200 પગથિયાની સ્પર્ધા છે.