ગણપતિનું પુજન, અર્ચન, નૈવૈદ્ય અને આરતી બાદ આવતા વર્ષે જલ્દી આવવાની વિનંતી સાથે બાપાને અપાશે વિદાય
સમગ્ર ભારત દેશમાં ઉજવવામાં આવતા ધાર્મિક તહેવારો તે દરેક રાજયની પોતાની આગવી ઓળખ અને પરંપરા છે જેમ કે મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ, પશ્ર્ચિમ બંગાળમાં દુર્ગાપૂજા, ગુજરાતમાં ગરબા વગેરે… વગેરે….
ભાદરવા સુદ-4 ગણેશ ચોથથી શરુ થતો અગિયાર દિવસનો મહોત્સવ એટલે ગણેશોત્સવ આમ અગિયાર દિવસની ઉજવણીના આ મહોત્સવની શરુઆત મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવ્યું સમયાંતરે આ ધાર્મિકોત્સવની ઉજવણીનો વ્યાપ વધતો ગયો અને મહારાષ્ટ્રના શેરી ગલીઓમાં ગણપતિ ઉત્સવની ઉજવણી દરમ્યાન વિવિધ કાર્યક્રમો સાથેની ઉજવણી થવા લાગી જો કે દેવાધીદેવ મહાદેવ ભગવાન શિવજીના પુત્ર ગણેશજીને તો હિન્દુ ધર્મમાં પ્રથમ સ્થાન અપાયું છે. જેથી મહારાષ્ટ્ર બાદ ધીરે ધીરે દેશના અન્યો રાજયોમાં પણ ગણેશોત્સવની ઉજવણી થવા લાગી અને ગુજરાતની ઉત્સવપ્રિય જનતાએ પણ ગણપતિ ઉત્સવની ઉજવણીને વધાવી લઇ ગુજરાતના શહેરો-તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ ઉત્સવ ખુબ જ શ્રઘ્ઘ ભકિતથી ઉજવવામાં આવી રહ્યો છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા 10 દિવસથી ગણપતિ બાપાનું પુજન અર્ચન કર્યા બાદ આવતીકાલે નદી, તળાવ, શેરી મહોલ્લા કે કોઇ ધાર્મિક સ્થાનો પર વિસર્જન કરવામાં આવશે.
ગણપતિ વિસર્જન અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોશીએ જણાવ્યું હતું કે ભારદવા સુદ 14 ને રવિવાર તા. 19-9-21 ના રોજ ગણપતિ વિસર્જન છે. પંચાગ પ્રમાણે અને શાસ્ત્રોના નિયમ મુજબ રવિવારે જ ગણપતિ વિસર્જન કરવાનું રહેશે. ભલે દસ દિવસ થતા હોય, પરંતુ શાસ્ત્રના નિયમ પ્રમાણે રવિવારે જ ગણપતિ વિસર્જન કરવાનું રહેશે.
વિસર્જન અંગે વધુ પ્રકાશ પાડતા શાસ્ત્રી રાજદીપભાઇ એ કહ્યું કે ગણપતિ વિસર્જનમાં ગણપતિ દાદાનું પુજન કરવું, નૈવેદ્ય ધરાવી આરતી ઉતારવી તથા જે જગ્યાએ ગણપતિ વિસર્જન કરો ત્યાં પણ આરતી ઉતારવી જોઇએ.
જો કે ગણપતિ વિસર્જન માટે કોઇ શુભ સમય જોવાની જરુર રહેતી નથી છતાં પણ ચોઘડીયા પ્રમાણે શુભ સમય રવિવારે સવારે શુભ ચોઘડીયા જોઇએ તો સવારે 8.07 થી 9.38 ચલ, 9.38 થી 11.09, 11.9 થી 12.40 અમૃત જયારે બપોરે અભિજિત મુર્હુત 12.16 થી 1.05, સાયંકાલ 4.21 થી 6.48 તથા પ્રદોશકાલ 6.48 થી 9.09 નો સમાવેશ થાય છે.
ગણપતિ વિસર્જનના શુભ ચોઘડીયા
ગણપતિ વિસર્જન માટે કોઇ શુભ સમય જોવાની જરુર રહેતી નથી. છતાં પણ ચોઘડિયા પ્રમાણે શુભ સમય આપેલ છે.
- ચલ 8.07 થી 9.38
- લાભ 9.38 થી 11.09
- અમૃત 11.09 થી 12.40
- બપોરે શુભ 2.12 થી 3.43
- અભિજિત મુહુર્ત બપોરે 12.16 થી 1.05
- સાયંકાળ 4.21 થી 6.48
- પ્રદોશ કાળ 6.48 થી 9.09