નરેદ્રભાઈ મોદીને વધાવવા લોકો આતુર અને ઉત્સાહિત : શુભ પ્રસંગની વિશિષ્ટ વેળાએ મોંઘેરું મહેમાન ઘરે આવી રહ્યું હોય એવો રાજકોટની પ્રજામાં આનંદ અને ઉલ્લાસ: રાજુભાઈ ધ્રુવ
વિજયભાઈ રુપાણીની રાજકોટ પ્રત્યેની પ્રચંડ લાગણી અને રાજકીય ઈચ્છાશક્તિને કારણે આજીમાં નર્મદાની પધરામણી, વડાપ્રધાન નરેદ્રભાઈ મોદીનું રાજકોટ-સૌરાષ્ટ્રવાસીઓ માટેનું શુકનવંતુ આગમન અને તેમને વધાવતા અભૂતપૂર્વ કાર્યક્રમોનાં શુભપ્રસંગે ઐતિહાસિક ક્ષણોનાં સાક્ષી બનવા પ્રજાજનોને રાજુભાઈ ધ્રુવનો અનુરોધ
મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીનાં સંકલ્પ અને અથાગ પ્રયત્નોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ આવી રહ્યા છે. આવતીકાલે લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેદ્રભાઈ મોદી રાજકોટમાં ત્રણ ભવ્ય કાર્યક્રમો ઉપસ્થિત રહેવાના છે, ત્યારે પ્રધાનમંત્રીશ્રીનાં રાજકોટ મુલાકાત અંગેનાં કાર્યક્રમ વિશે રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ મોદીનાં આવતીકાલે રાજકોટ ખાતે જે ત્રણ કાર્યક્રમો યોજવાના છે તેમાં સૌ પ્રથમ રેસકોર્સ ખાતે ૧૮ હજાર દિવ્યાંગોને સાધન સહાયતાનો કાર્યક્રમ છે. ત્યારબાદ આજી ડેમ ખાતે સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદા નીર અવતરણ કરવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેદ્રભાઈ આજી ડેમથી આશરે ૯ કિ.મી.નો ભવ્ય રોડ-શો કરશે. આ ભવ્યાતિભવ્ય કાર્યક્રમો સંદર્ભે ફક્ત રાજકોટ જ નહીં પરંતુ પૂરા સૌરાષ્ટ્ર-ગુજરાતની પ્રજામાં પ્રધાનમંત્રી નરેદ્રભાઈનાં રાજકોટ પ્રવાસને કારણે હર્ષોઉલ્લાસનું વાતાવરણ છવાયેલું છે. આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે લોકો થનગની રહ્યા છે. ઉપરાંત સમગ્ર રાજકોટમાં જન્માષ્ટમી, નવરાત્રી અને દિવાળીનો તહેવાર એકસાથે ઉજવાય રહ્યો હોયતેવો માહોલ છવાઈ ગયો છે.
વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણીએ રાજકોટ પર સવિશેષ સ્નેહ અને વહાલ દાખવ્યા છે ત્યારે આ રંગીલા રાજકોટ શહેરની પ્રજા પણ પ્રજાવાત્સલ્ય નરેદ્રભાઈ મોદી અને વિજયભાઈ રુપાણી જેવા લોકસેવકોનું દિલથી સ્વાગત કરવા માટે આતુર અને ઉત્સાહિત છે. નરેદ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાતને લઈને રાજકોટની પ્રજામાં એટલો આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે જાણે શુભ પ્રસંગે કોઈ મોંઘેરું મહેમાન રાજકોટની પ્રજાનાં આંગણે આવી રહ્યું હોય અને દરેક શહેરવાસી મનગમતા માનીતા મહેમાનનાં વધામણા કરવા માટે આતુર અને આનંદમય છે. શ્રી નરેદ્રભાઈ મોદી નર્મદા ડેમ ખાતે મૈયા નર્મદાને વધાવશે ત્યારે રાજકોટવાસીઓ નરેદ્રભાઈનાં આગમનને વધાવશે.
રાજકોટ-સૌરાષ્ટ્રમાં પીવાનાં પાણીની સમસ્યાને નાબૂદ કરવામાં, મલ્ટીસ્પેશ્યાલીસ્ટ હોસ્પિટલનાં નિર્માણમાં, આધુનિક બસસ્ટેન્ડ અને ન્યુ-રેસકોર્ષ બનાવવામાં તથા રાજકોટને સ્માર્ટ અને મેગા સીટીની ભેટ ધરવામાં શ્રી વિજયભાઈ રુપાણીનો સંકલ્પ રહેલો છે ત્યારે રાજકોટ ઉત્તરોત્તર પ્રગતિના પંથે અગ્રેસર છે. છેલ્લાં એક-દોઢ દસકમાં રાજકોટની કાયાપલટ કરવામાં તત્કાલિક મુખ્યમંત્રી નરેદ્રભાઈ મોદી સાથે વિજયભાઈ રુપાણીનો સવિશેષ ફાળો રહ્યો છે. જેમણે રાજકોટનાં ઉપલાકાંઠાનાં વિસ્તારનાં વિકાસથી લઈ આજીડેમ કે શહેર-હાઈવેના રોડરસ્તાને પાકાં બનાવી રાજકોટને એક અલગ ઓળખ આપી છે ત્યારે આજે આપણું રાજકોટ સ્વચ્છ, શાંતિપ્રિય અને સ્માર્ટ સિટીમાં દેશમાં ત્રીજા ક્રમે આવ્યું છે. આટલું જ નહીં પરંતુ શ્રી નરેદ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને વિજયભાઈ રુપાણીની નિર્ણાયક સરકાર ૫૦૦-૫૦૦ કરોડ રૂ.ની ગ્રાન્ટ રાજકોટને સ્માર્ટ સિટી અંતર્ગત આપશે. જેથી રાજકોટને વધુને વધુ અદ્યતન બનાવી શકાશે.
ભારતીય જનતા પાર્ટીનાં નાનામાં નાના કાર્યકરથી લઈ આગેવાનો અને પ્રત્યેક સમાજનાં લોકો શ્રી નરેદ્રભાઈ મોદીની રાજકોટ મુલાકાતનાં કાર્યક્રમ અંગે આતુર છે ત્યારે આવતીકાલનો દિવસ રાજકોટ અને આજીડેમનાં ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે કોતરાશે. જે સુવર્ણ અવિસ્મરણીય ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવા રાજુભાઈ ધ્રુવ તરફથી પ્રત્યેક ગુજરાતવાસીઓને વિશાળ સંખ્યામાં ઉમટી પડવા અનુરોધ કરવામાં આવ્યો છે.