સાંજે નવા વર્ષની મુબારક બાદ વ્હોરા પરિવારો નમાઝ અદા કરશે: નવા વર્ષની ઉજવણી બાદ મહોર્રમનો પ્રારંભ: વ્હોરા સમાજ નવદિવસ ધંધા રોજગાર બંધ રાખશે
આવતીકાલે દાઉદી વ્હોરા સમાજ દ્વારા સૌરાષ્ટ્રભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. આ અંતર્ગત વ્હોરા પરિવારો સાંજે નમાઝ અદા કરશે. નવા વર્ષની ઉજવણી બાદ ગૂરૂવારથી મંહોર્રમનો પ્રારંભ થતો હોય સમાજ નવ દિવસ ધંધા રોજગાર બંધ પાળશે. દાઉદી વ્હોરા સમાજ દ્વારા કાલે સૌરાષ્ટ્રભરમાં નમાઝ અદા કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે.
આ અંગે રાજકોટ, ભાવનગર, જામનગર, બોટાદ,મોરબી, અમરેલી, જૂનાગઢ,પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ગિરસોમનાથ, જસદણ સહિતના જિલ્લા તાલુકા મથકોનાં સૌરાષ્ટ્રભરનાં વ્હોરા બિરાદરોમાં રૂહાની થનગનાટ પ્રવર્તી રહ્યો છે. ઈસ્લામી મીસરી કેલેન્ડર મુજબ તા.૧૭ ઓગષ્ટના રોજ હિજરી સન ૧૪૪૨ની શરૂઆત થતી હોય આ દિવસો દરમિયાન શોકનો માસ મોર્હરમ શરૂ થતો હોવાથી કાલે સાંજે દેશ અને દુનિયાભરનાં વ્હોરા બિરાદરો સાથે સૌરાષ્ટ્રભરનાં બિરાદરો સાંજે પોત પોતાના ઘરોમાં મગરીબ, ઈશાની નમાઝ અદા કરશે.
ધર્મગૂરૂ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.)ના સ્વાસ્થ્ય અને દીધાર્યું અંગે દુઆ કરશે. અને નવા વર્ષની ખાસ મુબારક બાદી પાઠવશે. રાત્રે પરિવાર સાથે ભોજન કરશે. કાલે સાંજે નવા વર્ષની ઉજવણી બાદ ગૂરૂવારથી વ્હોરા સમાજના ઘેર ઘેર કરબલાની ગાથાનું જીવંત પ્રસારણ માણશે અને જેમાં નવ દિવસ સુધી વ્હોરા બિરાદરો પોતાના ધંધા રોજગાર બંધ પાળી પોતાના ઘેર જ શોક મનાવશે.