એકાદ મહિના પૂર્વે ટામેટાએ રૂ. 200ના ભાવ વટાવ્યા હતા. ત્યારે તેને ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું હતું. જો કે એક જ મહિનામાં ચિત્ર બદલાઈ ગયું છે. આ જ ટામેટાના ભાવ હાલ કિલોના રૂ. 20 થઈ ગયા છે. એટલે હવે ટામેટાનું ઉત્પાદન કરનાર ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે.

ટામેટાએ સૌથી વધુ મહારાષ્ટ્રના ખેડૂતોને પરેશાન કર્યા છે.મહારાષ્ટ્રમાં ટામેટાના ભાવ રૂ. 200 પ્રતિ કિલોથી ઘટીને રૂ. 3-5 જેટલા નીચામાં આવી ગયા છે, જેના કારણે ઉત્પાદકોએ તેમનો પાક છોડી દીધો છે અથવા તેમની પેદાશનો નાશ કર્યો છે.  ભાવમાં આ તીવ્ર ઘટાડો બમ્પર ઉપજને કારણે થયો છે, જેણે ઉદ્યોગને આડે હાથ લીધો હતો.  બજારની વધઘટને રોકવા માટે ખેડૂતો ટામેટાં માટે લઘુત્તમ ટેકાના ભાવની માંગ કરી રહ્યા છે.મહારાષ્ટ્રમાં ઉત્પાદકોને તેમના પાકને છોડી દેવા અથવા તેમના ઉત્પાદનનો નાશ કરવાની ફરજ પડી છે.

ગૃહિણીઓને પજવનાર ટમેટા હવે ખેડૂતોને રડાવે છે

રૂ.200થી વધુની કિંમતે પહોંચ્યા બાદ એક જ મહિનામાં ટમેટાના ભાવ રૂ. 20એ આવી ગયા  મહારાષ્ટ્રમાં તો ટમેટાના ભાવ કરતા પરિવહન ખર્ચ વધી જતાં ખેડૂતો ટમેટાનો નાશ કરવા લાગ્યા

નાસિકના કૃષિ કાર્યકર્તા સચિન હોલકરે જણાવ્યું હતું કે, “ટામેટા અને ડુંગળી માટે લઘુત્તમ ટેકાના ભાવએ બજારની આ પ્રકારની વધઘટને રોકવાનો એકમાત્ર રસ્તો છે. થોડા ખેડૂતો કે જેઓ તેમની ઉપજ વેચવામાં સફળ રહ્યા હતા, તેમ છતાં ફેંકી દેવાના ભાવે તેઓને વેચવા પડ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે તેઓ તેમના રોકાણનો અડધો ભાગ પણ પાછો મેળવી શક્યા નથી.  એક એકર જમીન પર ટામેટા ઉગાડવા માટે ખેડૂતને 2 લાખ રૂપિયાની મૂડીની જરૂર હોય છે.

પુણેમાં બજારમાં ભાવ ઘટીને રૂ.5 પ્રતિ કિલો થઈ ગયા છે.  નાશિકમાં, પિંપલગાંવ, નાસિક અને લાસલગાંવની ત્રણ જથ્થાબંધ મંડીઓમાં છેલ્લા છ સપ્તાહમાં સરેરાશ જથ્થાબંધ ટામેટાના ભાવ રૂ. 3 પ્રતિ કિલો થઈ ગયા છે.  કોલ્હાપુરમાં, ટામેટાં છૂટક બજારોમાં 2-3 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે જે એક મહિના પહેલા લગભગ 220 રૂપિયા હતા.પુણે જિલ્લાના જુન્નર અને અંબેગાંવ તાલુકાઓમાં છેલ્લા કેટલાક અઠવાડિયામાં જથ્થાબંધ બજારોમાં ભાવમાં ઘટાડો થતાં ખેડૂતોએ ટામેટાંના વાવેતરને છોડી દેવાનું શરૂ કર્યું. મહારાષ્ટ્રમાં ટમેટાના સૌથી મોટા જથ્થાબંધ બજાર પિંપલગાંવ એપીએમસી ખાતે દરરોજ લગભગ 2 લાખ ક્રેટ ટામેટાંની હરાજી કરવામાં આવે છે.

રાજ્યના કૃષિ વિભાગ દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા અનુસાર, નાસિક જિલ્લામાં ટામેટાંનો સરેરાશ વાવેતર વિસ્તાર આશરે 17,000 હેક્ટર છે, જેનું ઉત્પાદન 6 લાખ મેટ્રિક ટન છે.  પરંતુ આ વર્ષે ટામેટાંનું વાવેતર બમણું થઈને 35,000 હેક્ટર થયું છે, જેમાં અંદાજિત ઉત્પાદન 12.17 લાખ મેટ્રિક ટન છે.જુલાઈમાં, જ્યારે પુણે જિલ્લાના નારાયણગાંવ માર્કેટમાં જથ્થાબંધ ભાવ રૂ. 3,200 પ્રતિ ક્રેટ સુધી પહોંચી ગયા હતા, ત્યારે ઘણા ખેડૂતોએ પવનની અપેક્ષાએ ટમેટાની ખેતી શરૂ કરી હતી. બમ્પર ઉપજ પછી તેમની ગણતરી ખોરવાઈ ગઈ છે.

મહામહેનતે પકવેલા ટમેટાના ભાવમાં ખર્ચ પણ ઉપજતો નથી : ખેડૂત

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ટમેટાનો મોલ લઈને વેચવા આવેલા ખેડૂતોએ જણાવ્યું હતું કે, હાલ લોકલ ગુણવતાયુક્ત ટમેટાનો ભાવ રૂ. 10 પ્રતિકીલો મળી રહ્યા છે. પાક પકવવામાં ઉઠાવેલી જહેમત – ખર્ચ પણ ઉપજી રહ્યા નથી. ત્યારે ખેડૂતોને ભાવ નહીં ઉપજતા જગતનો તાત મૂંઝવણમાં મુકાયો છે. એકતરફ ટમેટાનું આયુષ્ય 4 દિવસનું જ હોય છે એટકે કે ચાર દિવસમાં ટમેટાનો ઉપયોગ ન થાય તો બગડવાની શરૂઆત થઇ જાય છે જેના લીધે ખેડૂતો તેનો નિકાલ નિયત સમય મર્યાદામાં જ કરવો પડે છે. હાલ આવક વધી જતાં ભાવ તળિયે પહોંચ્યા છે.

અન્ય લીલા શાકભાજીની શું છે પરિસ્થિતિ?

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં ઘીસોડા, દૂધી, કારેલા, ગલકા, ભીંડો, ગુવાર, કાકડી, કોબીજ, ફ્લાવર, મરચા જેવા લીલા શાકભાજીની પુષ્કળ આવક થઇ રહી છે. લીલા શાકભાજીની પુષ્કળ આવકને પગલે શાકભાજીના ભાવ રૂ. 2 થી 10 પ્રતિકિલો સુધીના બોલાઈ રહ્યા છે. શાકભાજીના તળિયે ગયેલા ભાવ ગૃહિણીઓ માટે સારા સમાચાર છે પરંતુ તળિયાઝાટક ભાવ હવે ખેડૂતોને પજવી રહ્યા છે.

ટમેટાના ભાવ રૂ. 2 પ્રતિકીલો સુધી પહોંચે તો પણ નવાઈ નહીં : આર એચ ગજેરા (ઇન્સ્પેક્ટર – શાકભાજી વિભાગ)

રાજકોટ માર્કેટીંગ યાર્ડના શાકભાજી વિભાગના ઇન્સ્પેક્ટર આર એચ ગજેરાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ ટમેટાની બેંગ્લોર અને મહારાષ્ટ્ર્રથી પુષ્કળ આવક ચાલુ છે અને આપણા લોકલ ટમેટાની પણ દરરોજ 500 ઝબલાની આવક ચાલુ છે. તેમણે કહ્યું હતું કે, લોકલ અને રાજ્ય બહારની ટમેટાની મબલખ આવકને લીધે ભાવ રૂ. 4 થી 12 સુધીના નોંધાઈ રહ્યા છે. એકાદ માસ પૂર્વે ટમેટાના ભાવ રૂ. 200ને આંબ્યા બાદ ભાવ તળિયે જવા પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર – ગુજરાતના લોકલ ટમેટાની આવક શિયાળા દરમિયાન થતી હોય છે અને મહારાષ્ટ્ર – બેંગ્લોરમાં ભારે વરસાદના લીધે પાકને નુકસાની સર્જાતા આવક તળિયે ગઈ હતી જેના લીધે ભાગ ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી દિવસમાં રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકલ ટમેટાની આવક વધતા ભાવ રૂ. 2 થી 5 પ્રતિકીલો સુધી પહોંચી જાય તેવી શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.