રાજ્ય સરકાર સરકારી જગ્યાને ખુલ્લી કરાવવા એક્શન મોડમાં
દરેક જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સને કામે લગાડવાની સૂચના: સરકારી જમીન પચાવી પાડનાર ગમે તે હોય કડક કાર્યવાહી કરવાનો આદેશ
રાજ્યમાં સરકારી જમીનો ઉપર દબાણનો પ્રશ્ન વિકટ બની રહ્યો છે.ત્યારે હવે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. મહેસુલ વિભાગે તમામ જિલ્લા કલેક્ટરોને દબાણો ઉપર તૂટી પડવાનો આદેશ આપ્યો છે. સાથે દરેક જિલ્લામાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સને કામે લગાડવાની તેમજ સરકારી જમીન પચાવી પાડનાર ગમે તે હોય કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આપી છે. મહેસુલ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લા કલેક્ટરોને સરકારી જમીનો ઉપર ખડકાયેલ દબાણો દૂર કરવાના આદેશ આપવામાં આવ્યા છે આ પરિપત્રમાં જણાવાયું છે કે સરકારી જમીનની જાળવણી કરવી તેમજ તેના પર થતું દબાણ અટકાવવામાં કે તોડી પાડવામાં આવે. અનઅધિકૃત દબાણ અને બાંધકામની પ્રવૃત્તિ રોકવા તથા તેના નિયમન માટે મ્યુનિસિપલ કમિશનર તથા કલેક્ટરોના અધ્યક્ષ સ્થાને જે ટાસ્ક ફોર્સ રચવામાં આવી છે. તેને કામે લગાડીને સરકારી જમીનને સુરક્ષિત કરવામાં આવે.
સરકારના ધ્યાને આવેલ છે કે સરકારી કિંમતી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણોનું પ્રમાણ વધી રહેલ છે. સરકારી જમીનનું જતન કરવાનું અને તેના ઉપર દબાણ ન થાય તે જોવાની રાજ્ય સરકાર અને મહેસુલ અધિકારીઓની ફરજ છે. માટે આ કાર્યવાહી ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રીય કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સરકારી જમીનો ઉપર દબાણોનું પ્રમાણ વધી રહ્યું છે સ્થાનિક તંત્રની ઢીલી નીતીના કારણે દબાણકારો બેફામ બન્યા છે વધુમાં જો તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે માત્ર દબાણ તોડી પાડવા પુરતી જ સિમિત રહેતી હોય તંત્રની કાર્યવાહીનો દબાણકારોને જરા પણ ભય ન હોય આવી સ્થિતી સર્જાતા હવે મહેસૂલ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે.
દર મહિને જમીન દબાણ સામે કાર્યવાહીની સમીક્ષા કરવા કલેક્ટરોને આદેશ
મહેસૂલ વિભાગે જિલ્લા કલેક્ટરોને આદેશ આપ્યો છે કે જિલ્લામાં તંત્ર દ્વારા દબાણ સામે જે કાર્યવાહી થઈ રહી છે. દર મહિને તેની સમીક્ષા તથા કરવામાં આવે. અને નીચેના અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવે.
જે તે વિસ્તારમાં વિડીયોગ્રાફી અને જમીનને ફેનસિંગ કરો
મહેસુલ વિભાગે અધિકારીઓને આદેશ આપ્યો છે કે જે તે વિસ્તારના અધિકારીઓ પોતાના વિસ્તારમાં ખુલ્લી સરકારી જમીનની વિડીયોગ્રાફી કરે. આ ઉપરાંત ખુલ્લી સરકારી જમીનોને ફેન્સિંગ થી સુરક્ષિત કરે. જેથી આ સરકારી જમીનમાં દબાણ ન થાય.
સરકારી જમીન ઉપર દબાણ કરનારા વિરુદ્ધ લેન્ડગ્રેબિંગનો ધોકો પછાડો
મહેસુલ વિભાગે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જિલ્લામાં સરકારી જમીન ઉપર દબાણ થયેલ હોય તેવા કેસો આઇડેન્ટિફાય કરીને લેન્ડ ગ્રેબિંગ હેઠળ તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે.
બેદરકારી દાખવનાર મામલતદાર અને સર્કલ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરો
મહેસુલ વિભાગે જિલ્લા કલેક્ટરોને સૂચના આપી છે કે ખુલ્લી સરકારી જમીનો અંગે થયેલ વિડીયોગ્રાફીની વિગતો ધ્યાને લઈને સમયાંતરે ઇન્સ્પેકશન કરવામાં આવે. જો આ દરમિયાન કોઈ નવું દબાણ સામે આવે તો સર્કલ ઇન્સ્પેક્ટર તથા મામલતદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.
કોમર્શિયલ દબાણોને કોઈ પણ પ્રકારની સુવિધા ન મળે તેવી વ્યવસ્થા ગોઠવો
મહેસુલ વિભાગે આદેશમાં જણાવ્યું છે કે સરકારી જમીન ઉપર ઔદ્યોગિક કે ધંધાકીય દબાણ કર્યું હોય તો તેને લાઈટ, પીવાના પાણી, ગટરના જોડાણ ન મળે તેવી વ્યવસ્થા ગોઠવવા કલેક્ટરે લગત અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ જાહેર કરવી