સાંકેેતિક  ભાષાઓ બોલાતી ભાષાઓ જેટલી  જ મહત્વની છે અને રાજયની  પાર્ટીને સાંકેતિક ભાષા શીખવાની સુવિધા આપવા અને બહેરા  લોકોના સમુદાયની ભાષાકીય ઓળખને અપાય છે પ્રોત્સાહન

કુદરતે રચેલી આ દુનિયા જો શાંત હોત તો શું સુંદર લાગત? ના! કિલકિલાટ, કલબલાટ કે કોઈપણ જાતનો અવાજ ના હોય તો આ જ સુંદર દુનિયા સુમસામ અને વેરાન લાગત. અવાજ થી જ આ દુનિયા સુંદર છે, એમ કહીએ તો કોઈ અતિશયોક્તિ નથી. પરંતુ આપણી આ જ દુનિયામાં ઘણા લોકો એવા પણ છે કે જેના માટે આ અવાજ એક મૌન છે!

પ્યારની ભાષા ગમે તેવા મૌન ને સમજી શકે છે. આવી સાંકેતિક ભાષા દ્વારા દરેક બહેરા લોકોને જોડવા અને સમાજમાં તેમની હાજરીને સહજ બનાવવા માટે “વિશ્વ બહેરા દિવસ” ઉજવાય છે.

સૌપ્રથમ વખત 23 સપ્ટેમ્બર 1951માં ઈટલીના રોમ શહેરમાં બહેરાઓના સંઘ ની સ્થાપના થઈ હતી. આ વર્લ્ડ ફેડરેશન ઓફ ધ ડેફ  ની એક પહેલ હતી. 19 ડિસેમ્બર 2017 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 23 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ તરીકે જાહેર કર્યો હતો. ત્યાર પછી સપ્ટેમ્બર મહિનાના છેલ્લા રવિવારે પૂરું થતું અઠવાડિયું બહેરાઓના અઠવાડિયા તરીકે ઉજવાય છે.

આ વર્ષે 19 સપ્ટેમ્બર થી 25 સપ્ટેમ્બર 2022 ઇન્ટરનેશનલ વીક ઓફ ડેફ  તરીકે મનાવાઇ રહ્યું છે.વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ નાં આંકડા પ્રમાણે વિશ્વમાં આશરે 75 મીલિયન લોકો બહેરા છે. તેમાંયે 80% થી વધારે બહેરા લોકો વિકાસશીલ દેશોમાં વસે છે.છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકોની સંખ્યા 63 લાખ છે.

આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ ઉજવવાનો હેતુ તમામ સાંભળવા માટે અશક્ત તેમજ સાંકેતિક ભાષાના અન્ય ઉપયોગકર્તાઓની સાંસ્કૃતિક ઓળખને જીવંત રાખવાનો છે. તેનો હેતુ સાંભળવાની ક્ષતિ ધરાવતા લોકોના માનવાધિકારો જાળવવાનો અને સાંકેતિક ભાષાના ઉપયોગ વિશે તેમને જાગૃત કરવાનો છે.સાંકેતિક ભાષાઓ સંપૂર્ણ રીતે વિકસીત અને કુદરતી ભાષાઓ છે જે બોલાતી ભાષાઓથી માળખાકીય રીતે અલગ છે. સાંકેતિક ભાષાઓમાં પણ એક આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા અસ્તિત્વ ધરાવે છે જે ઔપચારીક રીતે આંતરરાષ્ટ્રીય બેઠકોમાં અને અનૌપચારીક રીતે પ્રવાસ અને સામાજીક મેળાવડાઓ દરમીયાન વાપરવામાં આવે છે. જે કુદરતી સાંકેતિક ભાષા જેટલું જટીલ નથી અને તેમાં મર્યાદિત શબ્દકોષ છે.

દિવ્યાંગ વ્યક્તિઓનું સંમેલન સાંકેતિક ભાષાઓના ઉપયોગને જાણીને તેને પ્રોત્સાહન આપે છે. તે સ્પષ્ટ કરે છે કે, સાંકેતિક ભાષાઓ બોલાતી ભાષાઓ જેટલી જ મહત્વની છે અને રાજ્યની પાર્ટીને સાંકેતિક ભાષા શીખવાની સુવિધા આપવા અને બહેરા લોકોના સમુદાયની ભાષાકીય ઓળખને પ્રોત્સાહન આપવાની ફરજ પાડે છે.

આપણા દેશમાં ઘણા લોકો સાંભળવા માટે ઝઝૂમી રહ્યા છે અને આ સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. સાંભળવામાં તકલીફ પડવી અને બહેરા હોવું એ બંનેમાં અંતર છે, બહેરા લોકોને શિક્ષણ મળી રહે અને તેને ભવિષ્યમાં પણ શિક્ષણ મેળવવા તકલીફ ન પડે તે માટે ઘણી સંસ્થાઓ આગળ આવી છે. બહેરા લોકોને પણ તેના માનવ અધિકાર મળી રહે તે માટે વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ કામ કરી રહ્યું છે.

બહેરાશના પ્રકારો અને કારણો વિશે જાગૃતતા ફેલાવવા તેમજ આ દિવસો દરમિયાન બહેરા લોકોએ મેળવેલ ઉપલબ્ધિઓને ઉજવવા આ આખું અઠવાડિયું મનાવાઇ રહ્યું છે.

બહેરાશ એ કોઈ વિકલાંગતા નથી, એ સમાજને જણાવવા અને બહેરા લોકો પણ સામાન્ય લોકો જેવી જિંદગી જીવી શકે છે તે બતાવવા તેમજ આ અઠવાડિયું ઉત્સવ મનાવવા માટે છે, પરંતુ છૂટી મનાવવા માટે નથી તેથી લોકોનાં કાન સંબંધી તકલીફ રોકવા અને લોકોને જાગૃત કરવા સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું ઉજવવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.