- સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 એકસ્ટ્રા ટ્રીપનું આયોજન: કુલ 8340 એકસ્ટ્રા ટ્રીપો દોડાવાશે
ગુજરાત સરકાર દ્વારા દિવાળીના તહેવારોમાં 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનો રાજ્યના અંદાજે 3.75 લાખ જેટલા મુસાફરોને એસ.ટીની સલામત અને સમયબદ્ધ સવારીનો લાભ મળશ.યાદીમાં વધુમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દૈનિક 8,000થી વધુ બસો, 33 લાખ કિલોમીટરનું સંચાલન કરી 25 લાખથી વધુ મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થળ સુધી સલામત અને સમયબદ્ધ રીતે પહોચાડવાની બસ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત દિવાળીના પર્વને ધ્યાનમાં રાખીને નોકરી વ્યવસાય કરનારા નાગરીકો પોતાના પરિવાર સાથે તહેવારની ઉજવણી માદરે વતનમાં કરી શકે તે માટે ખાસ 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાલુ વર્ષના આયોજનમાં માત્ર સુરત ખાતેથી 2200 બસો, દક્ષિણ- મધ્ય ગુજરાત માંથી 2900, સૌરાષ્ટ્ર-કચ્છમાંથી 2150 તેમજ ઉત્તર ગુજરાતમાંથી 1090 મળીને કુલ 8,340 બસોની એક્સ્ટ્રા ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેના થકી રાજ્યના 3.75 લાખ જેટલા મુસાફરોને સ્વચ્છ, સલામત અને સમયબદ્ધ બસોની સેવાઓનો લાભ મળશે. દિવાળીના એક્સ્ટ્રા સંચાલનના આયોજનને ખુબ જ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગત માસ કરતા હાલમાં તહેવારોના પરિણામે થઇ રહેલ દૈનિક એડવાન્સ બુકિંગમાં 18%નો વધારો જોવા મળી રહ્યો છે.
આ સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સેવાઓનું નિગમની વિભાગીય કચેરીના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ ૂૂૂ.લતિભિં.શક્ષ ઉપરથી તમામ મુસાફરો એડવાન્સ અને કરંટ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. એસ.ટીમાં મુસાફરી કરતા મુસાફરોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. 1800-233-666666 ઉપર 24 કલાક જાણકારી મેળવી શકશે.
અત્રે ઉલેખ્ખનીય છે કે, રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશ અને તેમાં પણ ખાસ કરીને ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાઓના રત્નકલાકારો સુરતમાં નોકરી/વ્યવસાય અર્થે સ્થાયી થયેલ છે, કે જેઓ દિવાળીના તહેવારમાં માદરે વતન તરફ પ્રવાસ કરે છે. મોટી સંખ્યામાં પ્રવાસ કરતા સૌરાષ્ટ્રવાસીઓ તથા રાજ્યની અન્ય જનતા માટે સુરતથી ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નિગમના સુરત વિભાગ દ્વારા તા.26 થી તા.30 ઓક્ટોબર 2024 દરમ્યાન સૌરાષ્ટ્ર તરફના રત્નકલાકારો, પંચમહાલ, ઉત્તર ગુજરાત તથા મહારાષ્ટ્ર તરફના મુસાફરો માટે સુરત ખાતેથી વધારાની 2200 બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. નિગમના અન્ય વિભાગો દ્વારા પણ દિવાળીના સમયગાળા દરમ્યાન એકસ્ટ્રા સેવાઓનું રાજ્યના વિવિધ રૂટ ઉપર સંચાલન હાથ ધરવામાં આવશે .
એકસ્ટ્રા બસોમાં નિયમિત કરતા 1.25 ગણુ ભાડુ વસુલાશે
દિવાળીના તહેવારોમાં એસ.ટી. દ્વારા એકસ્ટ્રા બસોમાં નિયમિત ભાડા કરતા 1.25 ગણુ ભાડું વસૂલાતની ભાજપા સરકારની લૂંટ નિતિ પર આકરા પ્રહાર કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મીડીયા ક્ધવીનર અને પ્રવક્તા ડો. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ દ્વારા નિગમ દ્વારા આગામી તહેવારોને ધ્યાનમાં લઈને 8340 વધારાની બસો દોડાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. તેને આવકારીએ છીએ પરંતુ આ એકસ્ટ્રા બસોમાં ખાનગી બસોની જેમ એસ.ટી તંત્ર દ્વારા પણ મુસાફરો પાસેથી ગરજનો ભાવ હોય એ પ્રકારે ઉઘાડી લુંટ ચલાવવામાં આવશે તે કેટલે અંશે વ્યાજબી? દરેક શહેરોમાં એકસ્ટ્રા બસોમાં અવર-જવર કરનારા મુસાફરો પાસેથી 25 થી 45 રૂપિયા જેવો ભાડા વધારો ઠોકી બેસાડવામાં આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી અને વાહન વ્યવહાર મંત્રીએ એસ.ટીમાં જ્યારે ભાડા વધારો કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે મુસાફરોને ઓછા મુસાફરી ભાડામાં આધુનિક ઇન્સ્ફાસ્ટ્રક્ચર સાથે સારી સવલતો આપવા રાજ્ય સરકાર એસ.ટી કટિબધ્ધ છે ત્યારે ઓછા ખર્ચે સારી સુવિધા આપવી ઘટે આ પ્રકારે તોતિંગ ભાડા વધારો કરી ત્યારબાદ એકસ્ટ્રા બસોમાં ઉઘાડી લુંટ કરી મુસાફરોના ખિસ્સા ખંખેરવાની નીતિ થી મોંઘવારીમાં પરેશાની ભોગવતી જનતા માટે કેટલા અંશે વ્યાજબી ? રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યના વાહન વ્યવહાર મંત્રીશ્રી એકસ્ટ્રા બસોના ભાડા વધારા નું નિર્ણય રદ કરી ભાડા વધારાનાં બોજમાંથી રાજ્યના 25 લાખ મુસાફરોને મોંઘવારીના કપરા સમયમાં રાહત આપે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એ મુસાફરોના હિતને ધ્યાનમાં લઇ અને કામ કરતી નિગમની સેવા સંસ્થા છે આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ મુસાફરોને નહીં નફો નહીં નુકસાનના ધોરણે કામ કરવાનો ઉદ્દેશ્ય છે. રાજ્યમાં એસટીમાં રોજ 25 લાખ મુસાફરો અવરજવર કરી રહ્યા છે. ત્યારે થોડા સમય પહેલા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી) દ્વારા ડીઝલના ભાવો વધવાને પગલે એસ.ટીમાં 25% જેવો તોતિંગ ભાડા વધારો કરવામાં આવ્યો હતો. જે પગલે એસ.ટી નિગમને 687.42 કરોડ વાર્ષિક માતબર રકમ મળવાપાત્ર થઈ હતી ડીઝલના ભાવમાં ઘટાડો છતાં એસ.ટી નિગમ દ્વારા કોઈ જાતનો ભાડા ઘટાડો કરવામાં આવ્યો નથી જે પગલે એસ.ટી ને અંદાજે વાર્ષિક 1200 કરોડ રૂપિયા જેવી માતબર રકમ મુસાફરોના ખિસ્સામાંથી વસૂલે છે.