ટોક્યો ઓલમ્પિક 2021ના પ્રથમ દિવસે જ વેઇટલીફટિંગમાં મીરાંબાઈ ચાંનુએ સિલ્વર મેડલ જીતી ભારતનું ખાતું ખોલાવ્યું છે. ભારતના ઇતિહાસમાં વેઇટલીફટિંગમાં મીરા ચાનુએ 87 કિલો વેઇટલીફટિંગ કરી સિલ્વર મેડલ જીત્યો છે. ટોક્યો ઓલિમ્પિક્સનો આજે બીજો દિવસ છે. પહેલા દિવસે આર્ચરીમાં દેશને ખાસ સફળતા મળી નહી. આજે 24 જુલાઇએ ટોક્યો ઓલિમ્પિક્સમાં અલગ અલગ રમતોનુ આયોજન થશે. આ રમતોમાં ભારતીય ખેલાડીઓ પણ ભાગ લેશે.
બીજા દિવસની શરુઆત 10 મીટર એર રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે થઇ હતી. જેમાં અપૂર્વી ચંદેલા અને ઇલાવેનિલ ફાઇનલમાં જગ્યા મેળવી શક્યા ન હતા. જ્યારે દીપિકા અને જાધવની મિક્સ્ડ ટીમે આર્ચરીના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા મેળવી લીધી છે. 10 મીટર એર રાઇફલ પિસ્ટલ (પુરુષ) પણ આજે યોજાશે. આ સિવાય આર્ચરી, હોકી,જુડો જેવી રમતોનુ પણ આયોજન થશે. ઓલમ્પિકમાં ભારતે ન્યુઝીલેન્ડને 3-2 થી હોકીમાં હરાવી જીતની સાથે આગાઝ કર્યો છે.
ટેબલ ટેનિસની મહિલાઓની સિંગલ સ્પર્ધામાં મનિકા બત્રાએ જીતની સાથે શરુઆત કરી: બેડમિન્ટન પુરુષ ડબલ્સ વર્ગમાં ભારતના સાત્વિક સાઇરાજ અને ચિરાગ શેટ્ટીની જીત
ટોક્યો ઓલમ્પિક 2021માં અન્ય રમત જેમ કે ટેબલ ટેનિસ મિક્સ ડબલ્સમાં સ્પર્ધામાં હાર બાદ મનિકા બત્રાએ મહિલાઓની સિંગલ સ્પર્ધામાં જીતની સાથે શરુઆત કરી છે. તેમણે પ્રથમ મેચમાં ગ્રેટ બ્રિટેનના હો ટિ ટિન ને મ્હાત આપી છે. મનિકા શાનદાર ફોર્મમાં જોવા મળી હતી અને મેચ ને 11-7,11-6,12-10,11-9થી મેચ જીતી પોતાને નામ કર્યો છે.
આર્ચરી મિક્સ્ડ ટીમનો મુકાબલો દીપિકા કુમારી અને પ્રવીણ જાધવની જોડી ઉતરી છે. આ મુકાબલાનો પહેલો સેટ ચીની તાઇપેની જોડીના નામે રહ્યો. તેમણે એ રાઉન્ડ જીત્યો.જ્યારે બીજો રાઉન્ડ બંને ટીમ વચ્ચે ટાઇ રહ્યો. આપને જણાવી દઇએ કે રાઉન્ડ ઑફ 16માં પ્રવીણ જાધવ અને દીપિકા કુમારીની જોડી ચીની તાઇપે સામે ઉતરી હતી. હોકીમાં આજે ભારતનો પ્રથમ મુકાબલો કિવી સામે રમાયો હતો. જેમાં પ્રથમ ક્વાર્ટર બાદ બંને ટીમનો સ્કોર 1-1 પર રહ્યો હતો.
ભારતીય હોકી ટીમે ટોક્યો ઓલિમ્પિકના પહેલા મુકાબલામાં ન્યુઝીલેન્ડને 3-2થી મ્હાત આપી જીતથી અભિયાનની શરુઆત કરી છે.ભારતની જીતમાં ટીમના ગોલકીપર પીઆર શ્રીજેશનો મહ્તવપૂર્ણ રોલ રહ્યો હતો. તો બીજી તરફ ભારતીય યુવા નિશાનેબાજ સૌરભ ચૌધરીએ ફાઇનલ માટે ક્વોલિફાય કરી લીધુ છે. છેલ્લી સીરીઝ પહેલા અભિષેક રેસમાં સામેલ હતા પરંતુ બે 9 અને બે 8 સ્કોર બાદ માત્ર 92 અંક મેળવી શક્યા અને ફાઇનલમાં જગ્યા ન બનાવી શક્યા.
પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ મીરાંબાઈ ચાનુને શુભેચ્છા પાઠવી
ટોક્યો ઓલમ્પિક 2021માં ભારતે વેઇટલીફટિંગમાં સિલ્વર મેડલ મેળવી ઇતિહાસ રચ્યો છે. મીરાંબાઈ ચાંનુએ 87 કિલોગ્રામ વેઇટ ઉઠાવીને ભારતને પ્રથમ સિલ્વર મેડલ જીતાડયો છે. જેના પર હાલ સમગ્ર દેશ ગર્વ અનુભવી રહ્યો છે. જેના માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ટ્વિટરના માધ્યમથી શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે. મીરાંબાઈ ચાનુએ પ્રથમ સિલ્વર જીતાડવાની સાથે જ ટોક્યો ઓલમ્પિકમાં ભારતનું મેદલમાં ખાતું ખુલ્યું છે.