જામનગર મહાનગર પાલિકાના બહુચર્ચીત શૌચાલય કૌભાંડમાં જામ્યુકોના ત્રણ અધિકારી સહિત નવ સામે એસીબીએ ગુન્હો નોંધ્યો છે. જેમાં તત્કાલીન ડે. ઈજનેરે આગોતરા જામીન મેળવવા હાઈકોર્ટમાં અરજી કરતા અદાલતે તેને આગોતરા આપ્યા છે.

રાજ્ય સરકારના સ્વચ્છ ગુજરાત અભિયાન હેઠળ શૌચાલય વિહોણા પરિવારને શૌચાલય બાંધી આપવાના શરૃ કરાયેલી કાર્યવાહી અંતર્ગત વર્ષ-૨૦૧૪ થી ૨૦૧૭ સુધીમાં જામનગર મહાનગર પાલિકાએ જુદા જુદા ૧૬,૧૨૮ લાભાર્થીઓને શૌચાલય બાંધી આપ્યા હતાં અને જામ્યુકોએ ૧૦૦% ટારગેટ પ્રાપ્ત કર્યો હોય રાજ્ય સરકાર દ્વારા જામ્યુકોને રૃા. પાંચ લાખનું ઈનામ પણ આપવામાં આવ્યું હતું.

ઉપરોક્ત શૌચાલય બાંધકામમાં શહેરના વોર્ડ નં. ૬માં ૪૦૫ શૌચાલય જુદા જુદા કોન્ટ્રાક્ટરે બાંધ્યા હતા ત્યારે જાગૃત નાગરિકે વોર્ડ નં. ૬માં શૌચાલનું બાંધકામ કરવામાં આવ્યું ન હોવા છતાં તેના બીલ રજુ કરી એકથી વધુ વખત પૈસા મેળવી લેવાયા હોવાની અરજી એસીબીમાં કરતા એસીબીએ ખાનગી રાહે તપાસ કર્યા પછી પીઆઈ એ.ડી. પરમારે ખુદ ફરિયાદ બની ગઈ તા. ૧૨ના દિને જામ્યુકોની સ્લમ શાખાના બે એન્જિનિયર એચ.વી. બેરા, મદદનીશ ઈજનેર કૌશલ ચૌહાણ, વર્ક આસી. દીપ વેકરીયા, બે પ્રજાજન અને ચાર કોન્ટ્રાક્ટર સામે રૃા. ૭૮,૬૦૦ની સરકારી નાણાની ઉચાપત કરવા અંગે ફરિયાદ નોંધાવી હતી. ત્યારપછી બે એન્જિનિયર એચ.બી. બેરાએ આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી ફગાવી દેવાતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જ્યાં બન્ને પક્ષે કરેલી દલીલો સાંભળ્યા પછી હાઈકોર્ટે તેઓની અરજી મંજુર રાખી છે. તેઓ તરફથી વકીલ વી.એચ. કનારા રોકાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.