વિશ્ર્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાઘવ રેડ્ડીને ગોઠવવા માટે સંઘના પ્રયાસ
સરકારની સમકક્ષ ગણાતા સંઘમાં પણ તોગડિયા વિરુધ્ધ અવાજ
વિશ્ર્વ હિન્દુ પરિષદના સુપ્રીમો તોગડીયા ઉપર સકંજો વધુ કસાતો જાય છે. પ્રવિણ તોગડીયાને હવે વિશ્ર્વ હિન્દુ પરિષદની જવાબદારીેમાંથી મુકત કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આર.એસ.એસ. આ સમગ્ર મુદ્દે તોગડીયાથી કોપાયમાન હોવાનું કહેવાય છે. તોગડીયા હિન્દુઓના ટેકાથી સરકાર ઉપર દબાણ લાવવા અનેક પ્રયત્નો કરી ચુકયા છે પરંતુ હવે આ પ્રયત્નો વધુ સફળ થઈ શકે તેમ ન હોવાનું માનવામાં આવે છે.
પ્રવિણ તોગડીયાએ મીડિયા સમક્ષ કરેલા ડ્રામાથી અનેક હિન્દુઓના દીલ દુભાયા છે. તોગડીયાની એન્કાઉન્ટર મામલે થયેલા આક્ષેપબાજીથી અનેક પ્રશ્ર્નો ઉઠયા છે. તોગડીયાએ એક રીતે સુરક્ષા તોડી છે. ભાજપને વિધાનસભાની ચૂંટણીમાં હરાવવા પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે. માટે માઠા પરિણામો તોગડીયા ભોગવી રહ્યાં છે. વિશ્ર્વ હિન્દુ પરિષદના તોગડીયાએ તાજેતરમાં સરકાર ઉપર કરેલી આક્ષેપબાજીથી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ નારાજ છે. તેમણે તોગડીયાને પાઠ ભણાવવાનો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.
ફેબ્રુઆરી મહિનામાં નવા પ્રેસીડેન્ટ માટે ચૂંટણી છે. જેમાં તોગડીયાને બદલીને તેમના સ્થાને રાઘવ રેડ્ડીને મુકવામાં આવે તેવી શકયતા છે. વિશ્ર્વ હિન્દુ પરિષદના આગામી આંતરરાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાઘવ રેડ્ડી હોય તેવી ઈચ્છા આર.એસ.એસ.ની છે. તોગડીયાએ સંઘની વિચારસરણીથી પરે જઈને આક્ષેપો કરતા હવે તેમની સામે વધુ કાર્યવાહી થઈ શકે છે. તોગડીયાએ લીધેલા પગલાથી અનેક લોકો નારાજ થયા છે. સરકાર બાદ હવે સરકારની સમકક્ષ ગણાતા સંઘમાં પણ તોગડીયા વિરુધ્ધ અવાજ ઉભો થયો છે. જેના પરિણામો તોગડીયા માટે માઠા હોઈ શકે તેવી શકયતા છે.