આજકાલ ટીનએજ માં પ્રવેશતા ની સાથે જ ફેશનની દુનિયામાં ફરવા લાગતા છોકરા છોકરીઓ યુવાન થતા સુધીમાં વ્યસનના વમળમાં ફસાઈ જાય છે. ફિલ્મના હીરો હિરોઈનને આદર્શ માનતા આજના યુવાનો, તેના જેવા વસ્ત્રો આભૂષણ પહેરે છે અને તેમની નકલ કરે છે. “નકલમાં અક્કલ ન હોય”!
ફિલ્મ સ્ટારની શરાબ કે સિગારેટ પીવાની સ્ટાઈલથી અંજાઈ જનારો યુવા વર્ગ નકલ કરવામાં માહેર છે. તેમાંય સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ, પછી તો વાત જ શું કરવી? અત્યારની યુવા પેઢી હુક્કો પીવાને ફેશન માને છે. ફેશનના પોઝ આપતા આપતા ફેશનની લતમાં ફસાઈ જાય છે, અને આ ફેશન આગળ જતા વ્યસનને વળગાડી દે છે.ફેશન દિવસે ને દિવસે બદલાયા કરે છે, તેથી ફેશન કરતી વ્યક્તિની કમાણી નો મોટો ભાગ તેની પાછળ જ વેડફાઈ જાય છે. દરરોજ નીત નવી વસ્તુ વાપરતી વ્યક્તિ ક્યારેક, કોઈક મોંઘી ચીજ વસ્તુ ન લઈ શકતા તેનો અસંતોષ ભડકે બળે છે. જેથી તે પોતે તો દુ:ખી થાય જ છે સાથે સાથે તેના ઘર પરિવારના લોકોને પણ દુ:ખી કરે છે.
બહારથી ગ્લેમર દેખાતી વ્યક્તિ અંદરથી હલબલેલી હોય છે. ફેશનથી સુંદર દેખાતી વ્યક્તિનું જીવન મલિન અને ગંદુ જ હોય છે. દેખાદેખીની આ દુનિયામાં એકબીજાથી ચઢીયાતું દેખાવા પાછળ ખૂબ પૈસા ખર્ચવા પડે છે, અને આ ખર્ચો ઉપાડવા ખોટા કામ કરવા પડે છે. ખોટા કામ ક્યારેય શાંતિ આપી શકે નહીં, પરિણામે અશાંત મનને શાંત કરવા વ્યક્તિ વ્યસન નો ગુલામ બની જાય છે.
ફેશનનું દુષ્પરિણામ આજે આપણે સૌ કોઈ જોઈ રહ્યા છીએ. સંસ્કારી સમાજ નો પહેરવેશ જ બગડી ગયો છે. દરેક ઘરમાં દેખાદેખી વ્યાપી ગઈ છે, દરેક વ્યક્તિ પોતાના જીવનમાં સમાધાન કરીને જીવી રહી છે, અંદરથી અસંતોષી મન ઉછાળા મારે છે. ફેશન અને વ્યસનમાં દુનિયા બરબાદ થઈ રહી છે. બધાથી સારું દેખાવાની હોડમાં, સારા બનવાનો પ્રયાસ પણ કરવામાં આવતો નથી.
થોડા વર્ષો પહેલા યુવાનો વ્યસનમાં અને યુવતીઓ ફેશનમાં ફસાયેલ જોવા મળતાં હતાં. પરંતુ અત્યારે પુરુષોમાં વ્યસન અને સ્ત્રીઓમાં ફેશન આ વિચાર જૂનો થઈ ગયો છે. અત્યારે સ્ત્રી પુરુષ સમોવડી બની ગઈ છે. સમાનતા નો અધિકાર તો તેને પણ છે, તો પછી વ્યસનમાં સ્ત્રી કેમ પાછી પડે? આ આંધળી દોટ માં સ્ત્રીઓ પણ પુરુષોને હંફાવવા લાગી છે.
અત્યારની યુવતીઓ ડ્રગ લેતી અને સિગારેટ પીતી થઈ ગઈ છે. પુરુષો સાથે કદમથી કદમ મિલાવતી સ્ત્રીઓ કોલેજ, કોર્પોરેટ ઓફિસ વગેરે જગ્યાએ નશો કરેલ હાલતમાં જોવા મળે છે. બીયર પીવું એ તો સ્ત્રીઓ માટે ફેશન બની ગઈ છે. કીટી પાર્ટી હોય કે ગેટ ટુ ગેધર હોય, તેમાં મોટા શહેરોની મોર્ડન સ્ત્રીઓ માટે “બીયર” સામાન્ય વાત થઈ ગઈ છે.યુવા પેઢી શરાબના શીપ અને સિગારેટ ની કશ લેવામાં પોતાની શાન સમજે છે. મિત્રોને પણ ટેન્શન અને સ્ટ્રેસ દૂર કરવા માટે આ અજમાવવાની સલાહ આપે છે. પરેશાનીઓથી બચવા શરાબનું સેવન કરે છે, નશાથી થોડીવાર મગજ શાંત રહે છે.પરંતુ સમસ્યા તો જેમની તેમજ રહે છે. શું શરાબ કે સિગારેટ પીવાથી સમસ્યાઓનું સમાધાન થઈ શકે ખરું? અને ગુટકા પાન મસાલા તો જાહેરમાં એવી રીતે ખાય કે, જાણે ભગવાનનો પ્રસાદ હોય !
વ્યસની વ્યક્તિની શારીરિક, માનસિક અને આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે કથળતી જાય છે. વ્યસની વ્યક્તિનું બાહ્ય જીવન ભલે રૂપકડું દેખાતું હોય, પરંતુ તે પોતે ભાર લઈને જીવન જીવે છે, તેનું હાસ્ય નાટકમય હોય છે, તેના શબ્દો અર્થ હીન હોય છે, તેનું પૂરું જીવન દંભમાં જ પસાર થાય છે. અંતે વ્યસન પાછળ પૈસા પૂરા થઈ જવાથી વ્યક્તિનો વિવેક શૂન્ય થઈ જાય છે. પરિણામે વ્યસની વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે.
પાન મસાલા, ગુટકા, તંબાકુ, સિગારેટ, શરાબ, ગાંજો, ચરસ, અફીણ, ડ્રગ્સ, વગેરે વિનાશકારી વ્યસન છે. યુવા પેઢીએ આ ખોટી આદતોથી બચવું જોઈએ. જે લોકો આ ખોટી આદતથી બચશે નહીં તેનું જીવન બરબાદ થતાં કોઈ બચાવી શકશે નહીં.
સાદગી જ જીવનની સાચી શોભા છે. અત્યાર સુધીના મહાપુરુષો સાદગીને જ વરેલા છે. કોઈ ફેશનેબલ વ્યક્તિ મહાન થઈ હોય એવું એક પણ ઉદાહરણ જોવા નહીં મળે.
આટલું જો આજની યુવા પેઢી સમજી જાય તો પોતાના ઘર પરિવારથી લઈને સમાજ અને રાષ્ટ્રનો ઉદ્ધાર થઈ જાય.