આજની યુવા પેઢી મોબાઈલ, સોશિયલ મીડિયા ઈલેકટ્રોનિક ઉપકરણ આ બધી વસ્તુનો ગુલામ બન્યો
કોઈપણ દેશની સાચી મૂડી તેનું “યુવાધન’ છે. આંખોમાં ઉમ્મીદ, નવી ઉડાન ભરતું મન, કંઈક કરી દેખાડવાની ઘેલછા અને દુનિયાને પોતાની મુઠ્ઠીમાં કરવાની તાકાત જો કોઈનામાં હોય તો તે છે યુવાન.
યુવા પેઢી, યંગ જનરેશન કે યુથ એટલે શું? જે બાળક ધીમે ધીમે પોતાના બાળપણને છોડીને પુખ્ત બનતો જાય, પોતાની જવાબદારી સમજતો જાય તેમજ તેનો ઉત્સાહ વધતો જાય ત્યારે તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો કહેવાય. આ યુવાવસ્થા 21 વર્ષથી લઈને 45 વર્ષ સુધીની હોય છે. ભારતમાં યુવાનોની સંખ્યા લગભગ 65 ટકા જેટલી છે, એટલે એમ કહી શકાય કે આપણું યુવા ધન મજબૂત છે.
આજનો યુવાન આવતી કાલની આશા છે, એમની પાસે જોશ અને ઉમંગ ની કોઈ કમી હોતી નથી. તેઓ હંમેશા હવામાં ઉડવાની અને આકાશને આંબવાની વાતો કરતા હોય છે, એટલે કે સફળતાના શિખર સર કરવાની તમન્ના યુવાનોમાં હોય છે. યુવા અવસ્થા એવી અવસ્થા છે કે જેનામાં ભરપૂર જુસ્સો હોય અને દુનિયાને બદલવાની તાકાત હોય, પરંતુ જો તેઓ તેમનાં જુસ્સા અને તાકાત નો સાચા માર્ગ ઉપર ઉપયોગ કરે અને સકારાત્મક સમાજની રચના કરે તો રાષ્ટ્રને વિકાસલક્ષી બનાવી શકે.આપણા દેશમાં ઘણા પ્રતિભાશાળી અને મહેનતુ યુવાનો છે કે જેમણે સમાજના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું હોય અને દેશને ગર્વ નો અનુભવ કરાવ્યો હોય. વિજ્ઞાન અને ટેકનોલોજી ના ક્ષેત્રમાં પણ ઉપલબ્ધિ પ્રાપ્ત કરીને દેશને ઉજવળ ભવિષ્ય પ્રદાન કર્યું હોય. આજની યુવા પેઢી હિંમત અને નિડરતાની સાથે સાથે કઠિન પરિસ્થિતિનો સામનો કરવાનો દ્રઢ વિશ્વાસ રાખે છે. તર્ક શક્તિ પણ તેમનામાં જોરદાર હોય છે. પરંતુ આત્મવિશ્વાસનો અભાવ અને ધીરજની કમી યુવાનોને નિરાશા તરફ ધકેલી દે છે.આજનું એક સત્ય એ છે કે યુવા વર્ગ પોતાની મનમાની કરે છે, અને કોઈનું સાંભળતાં નથી. અત્યારની યુવા પેઢી પોતાની સ્વતંત્રતાનો ખોટો ફાયદો ઉઠાવીને દિશાહિન સ્થિતિમાં પોતાની ઊર્જાઓ નો નકારાત્મક ઉપયોગ કરીને ભટકી જાય છે. દેખાદેખી ના આ યુગમાં લક્ષ્યહીન યુવાનો ભ્રમિત થઈને સારા નરસાનું ભાન ગુમાવી બેસે છે. જલ્દી પૈસા કમાવવાની વિચાર સરણીમાં ખોટા રસ્તે ચડી જાય છે, પરિણામે પોતાનું તેમજ પરિવારનું સર્વનાશ નોતરે છે. વધુ પડતી લાલચ, કામુકતા, નશો, હિંસા જેવા અવગુણોની ઝપેટમાં આવી જઈને આપણું યુવાધન વેડફાઈ રહ્યું છે, જે ખરેખર ચિંતાનો વિષય છે.
યુવા પેઢીની આ સમસ્યાઓનું મૂળ તેના માતા-પિતા કે પરિવાર જ છે. અત્યારના માતા-પિતા બંને નોકરી ધંધામાં વ્યસ્ત હોય છે, જેથી બાળકને સમય આપી શકતા નથી, સમય હોય તો પણ મોબાઇલમાં પરોવાયેલા હોય છે. પોતાના બાળકમાં ધ્યાન કેન્દ્રિત ન કરી શકવાના કારણે પૂરો પ્રેમ આપી શકતા નથી, પરંતુ તેની જરૂરી કે બિનજરૂરી માંગ પૂરી કરીને બાળકને પંપાળે છે અને મા બાપ હોવાનો ગર્વ અનુભવે છે. મા બાપની પણ ફરજ છે કે જ્યારે બાળક યુવાવસ્થામાં પ્રવેશે તે પહેલા તેને સાચા ખોટા નો ભેદ સમજાવે, જેથી બાળક પોતાના જીવનમાં સાચો નિર્ણય લઈ શકે. આ ઉંમરમાં યુવાવર્ગ અત્યંત ઉત્સુક હોય છે, જિંદગીની દરેક વાત જાણવાની જિજ્ઞાસા હોવાથી તે પ્રયોગ કરતો રહે છે.
આજની યુવા પેઢી મોબાઈલ, સોશિયલ મીડિયા, ઇલેક્ટ્રોનિક ઉપકરણ અને વાહન આ બધી વસ્તુઓની ગુલામ બની ગઈ છે. ટેકનોલોજી યુવા પેઢીને પ્રકૃતિથી દૂર લઈ જઈ રહી છે. પાર્કમાં ફરવાના બદલે મોલમાં ઘૂમવું, સાઈકલ ફેરવવાને બદલે બુલેટ કે કાર વાપરવા, સવારમાં ખુલ્લી હવામાં ચાલવા ને બદલે જીમમાં જવું, પગથીયા ચઢવાને બદલે લીફ્ટ નો ઉપયોગ કરવો અને સગા સંબંધીઓને મળવા ને બદલે ફ્રેન્ડ સાથે જ ફરવું, આ જ એની લાઈફ સ્ટાઈલ બની ગઈ છે. બીજાથી સારા અને સુખી દેખાવાની ઘેલછાએ યુવા વર્ગને ખોટા રસ્તે ભટકાવી દીધો છે. પોતાની જાત ઉપર અંકુશ રાખવાની જવાબદારી સાથે દરેક યુવક યુવતીએ પોતાની અંદરની પ્રતિભા ને ઓળખીને સાચા માર્ગ પર ચાલવું જોઈએ. નિષ્ફળતાથી ગભરાઈને નિરાશ થવાની જરૂર નથી. આજનો યુવાન જ ભારતનું ભવિષ્ય છે. આ યુવાનોમાં જ રાષ્ટ્રને બનાવવાની કે બગાડવાની શક્તિ રહેલી છે.
આપણું યુવાધન સત્યના રસ્તે ચાલીને, અહિંસા ને જીવનમંત્ર બનાવીને, વ્યસન મુક્તિ અપનાવીને, પોતાની પ્રતિભામાં જુસ્સો ઉમેરીને રાષ્ટ્રીય ભાવના કેળવશે તો રાષ્ટ્રને વિશ્વ સત્તા બનાવતા કોઈ નહીં રોકી શકે.