દેશમાં આઝાદી પછી ૧૯૬૮ અને ૧૯૮૬ બાદ હાલ ૨૦૨૦માં નવી શિક્ષણ પઘ્ધતિ આવી પણ આજે પણ લોકો ૬૦ થી ૮૦ વચ્ચેના દાયકાને શ્રેષ્ઠ શિક્ષણ ગણે છે, કારણકે ત્યારે ‘માસ્તર’ હતા ને આજે ‘સર’ છે
કોઈપણ દેશનો વિકાસ તે દેશના શિક્ષણ પરથી આંકી શકાય છે. દેશનું મોટુ બજેટ શિક્ષણ અને આરોગ્ય પાછળ જ ખર્ચાય છે. ભણતર સાથે ગણતર હોવુ જરૂરી છે. આપણા દેશમાં શિક્ષણ ઉપર બહુ જ ઓછુ કામ થયું છે. આઝાદી પછીનાં બે દશકા બાદ ૧૯૬૮માં શિક્ષણમાં પ્રથમ પરિવર્તન કરાયુંને બાદમાં બીજા બે દશકાએ ૧૯૮૬માં શિક્ષણ નીતિમાં બદલાવ આવ્યો. આ ઉપરાંત હાલ ૨૦૨૦માં નવી શિક્ષણનીતિ આવી જોકે તેનો અમલ આવનારા બે વર્ષોમાં થશે. આઝાદી બાદ આપણા દેશમાં બે દશકા સુધી શિક્ષણનો વ્યાપ ખુબ જ ઓછો હતો જોકે બંધારણમાં ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત-ફરજીયાત પ્રાથમિક શિક્ષણની વાત કરી છે. ૧૯૬૮થી બીજા તબકકાના બદલાવમાં લોકોને શિક્ષણની મહતા સમજાઈને લોકો ભણવા લાગ્યા. આ ગાળામાં કલા-વાણિજય અને વિજ્ઞાન જેવા પ્રવાહો અમલમાં હતા જે બાદમાં દેશે પ્રગતિ કરતા ઉલ્ટા થઈ ગયા એટલે કે વિજ્ઞાન-વાણિજય અને કલા થઈ ગયું. જીવન જીવવાની કલા આર્ટસના શિક્ષણથી મળતી હતી. આમ થવાથી ભણતરમાંથી જીવનનું ગણતર નીકળી ગયું. આજે તો ધો.૮નો વિદ્યાર્થી પણ આપણી માતૃભાષામાં કડકડાટ વાંચી નથી શકતો.
સરકારી શાળાઓ જ પહેલા હતી. ધીમે ધીમે ખાનગી શાળાઓનો પગપેસારો થતા શિક્ષણમાં ફિનું આગમન થઈ ગયું. પહેલાના જમાનામાં ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે રમઝમ’ની વાત હતી આજે તો સરકારી પરિપત્ર જ છે કે બાળકોને શિક્ષા ન કરવી. અગાઉ તો નાના ધોરણમાં મૌખિક પરીક્ષાનું મહત્વ હતું ને સંગીત, ચિત્ર, રમતગમતના પણ માર્ક અપાતા હતા. આજે પણ જે લોકો ૧૯૬૦ થી ૮૦ના દાયકા વચ્ચે ભણેલા છે તે બધી જ રીતે હોંશિયાર છે અને એની તોલે આજનો એમબીએનો સ્ટુડન્ટ પણ ન આવે. વગર કોચીંગે બાળક બધી કલામાં પારંગત શાળા વાતાવરણમાં જ થઈ જતો. પહેલાના શિક્ષકો પુરી નિષ્ઠા-લગ્નથી ભણાવતા અને હા ત્યારે તેનો પગાર ૬૦ રૂા. જ હતો. શાબાંત કે મેટ્રીક પાસને એ જમાનામાં આરામથી નોકરી મળી જતી હતી. બાદમાં પી.ટી.સી.ને બી.એડ. બાદ આજે ટીચર ટ્રેનીંગ કોર્ષ આવી ગયો છે. પણ પહેલા જેવી શિક્ષણની પઘ્ધતિ, ભણાવવાની ટેકનીક, સહઅભ્યાસિક પ્રવૃતિ વિગેરેને કારણે ખરાઅર્થમાં બુનિયાદી શિક્ષણ હતું જેમાં બાળકોનો પ્રારંભથી પાયો પાકકો થઈ જતો હતો. માત્ર એકડીયાની ચોપડીમાંથી બાળક ઘણું શીખી જતો હતો. ગણિત જેવા વિષયો કયારેય અઘરા લાગ્યા ન હતા.
આપણો સમાજ પરિવર્તનશીલ છે બદલાતા સમય સાથે શિક્ષણમાં નવી તરાહ ઉમેરાતી ગઈ ૧૧મું મેટ્રીક ગણાતું ને પછી ૧૦ કરની તરાહ ચાલુ થતા ધો.૧૦ બોર્ડ થયું ને ૧૨મું બોર્ડ થયું જેને કોલેજના ચારને બદલે ત્રણ વર્ષ થઈ ગયા છે. આજે ૨૪ વર્ષે ભણી ગણીને બહાર આવે ત્યારે છાત્રો સામે તેના કારર્કિદીના હજારો સવાલો ઉભા જોવા મળે છે. ૧૯૮૦ના દાયકા બાદ અંગ્રેજી શિક્ષણના યુગે જોર પકડયું ને ટકાનું મહત્વ વધી ગયું. આજે ભલે આપને લાગે કે શિક્ષણમાં આમુલ પરિવર્તન આવ્યું છે પણ વાસ્તવિકતા જુદી છે. ગાંધીજીએ કહ્યું છે: ‘ બાળક અથવા મનુષ્યનાં શરીર-મન અને આત્મામાં જે શ્રેષ્ઠ છે તેને બહાર કાઢવું તે શિક્ષણ’ અને આવુ કરી શકે તે સાચો શિક્ષક. જે કૃષ્ણ મૂર્તિ કહે છે ‘સમગ્ર જીવન જીવી શકે એવી સુંસંવાદી વ્યકિતઓ પેદા કરવી એ શિક્ષકનું સર્વોતમ કાર્ય છે. આજના યુગની શાળાઓ, શિક્ષણ, શિક્ષકો જોઈને જુના લોકો સ્કુલ ઈઝ ડેડ જેવા શબ્દો બોલે છે. આજે ચારે કોર શિક્ષણના હાટડા ખુલી ગયા છે. ગોખણીયા જ્ઞાનનો યુગ આવી ગયો છે. ટકા બાદ હવે પી.આર કે ગ્રેડના જંગલમાં છાત્રોને વાલી ખોવાઈ ગયા છે.
પહેલાના જમાનામાં આજના જેવું ભારેખમ દફતર જ ન હતું, પિરીયડ પઘ્ધતિ જ ન હતી છતાં બાળકને બધુ જ આવડતું હતું. એ જમાનામાં ભૌતિક સુવિધા નામે કશુ જ નહીંને આવી ટેકનોલોજી કે અદ્યતન સાધનો પણ નહતા છતાં વિદ્યાર્થીનો સર્વાંગી વિકાસ થઈ જતો. આજે જ્ઞાનનો ભંડાર પણ ઘણીવાર નકામો લાગે છે. ખરાઅર્થમાં જોઈએ તો એજ ભાર વગરનું ભણતર હતું. શિક્ષણનું ટ્રેસ ન હતું કોઈ છાત્ર આપઘાત ન કરતો કારણ આનંદમય-પ્રવૃતિમય શિક્ષણ પઘ્ધતિ હતી.
બહુ જુના સમયમાં બાલમંદિર કે આજના પ્લેહાઉસ જેવું કશું જ ના હતું. આ બધુ છેલ્લા સાડા ત્રણ દાયકામાં આવ્યું. પાંચ વર્ષ પૂર્ણ થયે મા-બાપ ધો.૧માં નામ નોંધાવી દેતા. આજે ૩ વર્ષના બાળકોનાં પ્રવેશમાં મા-બાપ અને બાળકનું ઈન્ટરવ્યુ આપવુ પડે છે, આવા ડિંડક આ યુગમાં ચાલી રહ્યા હોય ત્યાં બાળકના મનોવિજ્ઞાનને કોણ સમજે. મસમોટી ફિનો યુગ આવ્યો પહેલા વાલીઓને આવી કશી ચિંતા ન હતી. પહેલો પ્રાથમિક બપોરેને હાઈસ્કુલ સવારે ભણાવાતીને શનિવારે અડધો દિવસ હોય. વરસની બેજ પરીક્ષા છ માસિક અને વાર્ષિકની સિસ્ટમ હતી. જહોન ડોલ્ટનની સ્વાધ્યાય પઘ્ધતિ અને ગાંધી વિચાર પ્રસારને પરિણામે નઈ તાલિમ તથા બુનિયાદી શિક્ષણ આવ્યું હતું. આ પઘ્ધતિમાં છાત્રોને સર્વ કળાઓનું શિક્ષણ મળી જતુ હતું. શિક્ષણના ગોલ્ડન યુગમાં દફતર હળવું ફુલ હતું ત્યારનાં બચપણનાં દિવસોનો આનંદ, ધિંગા મસ્તી, મુકત હાસ્યની સાથે કયારેય ભણી-ગણીને મોટો થઈ જતા એજ ખબર ના પડતી. આજે તો અંગ્રેજી શાળામાં ભણતા બાળકને માતૃભાષામાં પોતાનું નામ લખતા પણ નથી આવડતું.
શિક્ષણમાં પ્રાર્થનાનું મહત્વ
જુનું શિક્ષણ એથી પ્રથા કે સિસ્ટમમાં શાળા શરૂ થાય એ પહેલા પ્રાર્થનામાં બધા જ ના બાળકોને શિક્ષકો સુંદર પ્રાર્થના કરે. મોટા સાહેબ ભાષણમાં જીવનની વિવિધ વાતો કરતા છાત્રોને પ્રોત્સાહન આપેને સારી સારી વાતો, પ્રસંગો કહે. શનિવારે તો વિદ્યાર્થી પણ બાળગીતો, વાર્તા, ચિત્રો, નાટક જેવી વિવિધ પ્રવૃતિ કરતા કરતા ઘણું જીવન ભાથુ મેળવતા હતા. સાંજે છુટતા પહેલા આખો વર્ગ સમુહમાં કવિતા-બાળગીતો ગાયને વર્ગખંડને સંગીતમય બનાવતા. બાળકો જ સંગીતના વાંજીત્રો વગાડતા હતા ને એ જમાનાના શિક્ષકોને પણ બધુ જ આવડતું હતું. પશુ, પંખી, પર્યાવરણ જેવી વિવિધ વાતો ગીતોમાં વણાતીને ટબુકડા બાળકો શ્રેષ્ઠ નાગરીકતાના ગુણોને સર્વાંગી વિકાસ સાથે ૧૬ કલાઓથી ખીલી ઉઠતા હતા. બધા જ ખાસ દિવસોને તહેવારોની ઉજવણી સમુહમાં કરતા ભાઈચારાનો ગુણ વિકસતો હતો. પ્રાર્થનામાં શિક્ષકો પણ બાળકો સાથે નીચે જ બેસતા હતા.
શિક્ષકના સ્વરૂપો ઉત્તરોતર બદલાયા
પહેલાના જમાનામાં ‘માસ્તર’ને બાદમાં શિક્ષક શબ્દ ચલણમાં આવ્યો. જુના શિક્ષકો ધોતી-ખેંસ અને માળા ધારણ કરીને વર્ગખંડમાં ભણાવતા હતા. બંડીવાળા-થેલાવાળા માસ્તરો હત. સમયના બદલાવ સાથે પેન્ટ-શર્ટના ટીચર કે સર આવ્યાને આજકાલ તો ટાઈ-શુટ-બુટથી સજજ સર જોવા મળે છે. શિક્ષણમાં પણ ટેકનોલોજીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. જુના જમાનામાં માટીની પાટી, પાણી પોતુ, પાણીનો ડબ્બોને થેલીમાં દફતર હતું. બાદમાં પતરા કે ટીનની પેટી આવી હતી. આવા ટાંચા સાધનોમાં આખો વર્ગ હોશિયાર બની જતો ને આજે સ્માર્ટ કલાસરૂમમાં પણ છાત્ર નબળોને નાપાસ થાય છે. એક વાત નકકી છે કે શિક્ષણમાં ૧૯૬૦ થી ૮૦નો દાયકો શ્રેષ્ઠ હતો ત્યારનાં શિક્ષકોની સજજતા ભરપુર હતી. વર્ગખંડમાં બધુ જ આવડી જતુ હોવાથી ટયુશન પ્રથા જ ન હતી. આજે ૨૧મી સદીમાં બધી જ અદ્યતન સુવિધા વાતાનુકૂલિન વર્ગખંડોમાં ભણતો છાત્ર શાળા છુટયા બાદ ટયુશનના ગઘ્ધાવેંતરામાં જોડાય છે એ જમાનાની શનિવારની બાલસભા જ જીવનના બધા ગુણો, મુલ્યો, સંસ્કારો સાથે જીવન કૌશલ્યોનો વિકાસ કરી દેતી હતી.