સરદાર સાહેબના કદ પ્રમાણે જ પ્રતિમાનું નિર્માણ કરાયું: ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અવસરના સાક્ષી બન્યાં
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણનો દિવસ ઐતિહાસિક છે. અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્ર્વની સૌથી ઉંચી પ્રતિમા બની તે પાટીદારો માટે ગર્વની વાત કહી શકાય. સરદાર સાહેબના કદ પ્રમાણે જ તેમની વિરાટ પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ અવસરના સાક્ષી બનેલા ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલે જણાવ્યું હતું.
કેવડીયા નજીક સાધુ બેટ ખાતે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જાજરમાન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં દિગ્ગજ નેતાઓ સહિત વિવિધ ક્ષેત્રોના મહાનુભાવોની વિશાળ ઉપસ્થિતિ રહી હતી. આ તકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે પણ હાજરી આપી હતી.
લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે લોકાર્પણ થયું છે. આજનો દિવસ ઐતિહાસિક છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી એ અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઉંચી પ્રતિમા છે. આ પ્રતિમા સરદાર વલ્લભભાઈ પટેલના કદ જેટલી જ વિરાટ છે. સમગ્ર દેશને એક તાંતણે બાંધવા માટે સરદાર વલ્લભભાઈ પટેલે સરાહનીય કામગીરી કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પાટીદારો માટે ગર્વની વાત કહી શકાય.
વધુમાં ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલે કહ્યું કે, સમાજના ઘણા લોકો દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાછળ કરાયેલા ખર્ચનો વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ સમાજના ઘણા લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને વધાવ્યુ પણ છે. ખરેખર પાટીદાર સમાજ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ગર્વની વાત છે.