નવા કૃષિ કાયદાના વિરોધમાં આજે આંદોલનકારીઓ દ્વારા બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી રેલ રોકો આંદોલનનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું. રેલ રોકો દરમિયાન હિંસા ફાટી નીકળે તેવી ભીતિના પગલે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો હતો. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વધારાના સુરક્ષાદળો ગોઠવ્યા હતા. રેલ રોકો આંદોલનમાં ગામડાના લોકો આગેવાની લઈને ભાગ લીધો હતો. દેશમાં લગભગ ૨૦ હજાર વધારાના જવાનોએ સુરક્ષા માટે તૈનાત કર્યા હતા.
આ આંદોલનમાં શાંતિથી ભાગ લેવા અપીલ કરવામાં આવી હતી. જોકે, કેટલાક સ્થળે છમકલાં થાય તેવી ભીતિ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તારીખ ૨૬ જાન્યુઆરીના રોજ આંદોલનના ઓઠા હેઠળ આંદોલનકારીઓએ હિંસા આચરી હતી. પોલીસ અને સુરક્ષા દળો સાથે આંદોલનકારીઓના ઘર્ષણના બનાવો સામે આવ્યા હતા. દરમિયાન ગત ૬ ફેબ્રુઆરીના રોજ ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આંદોલન શાંતિપૂર્ણ રહે તેવી અપેક્ષાઓ વચ્ચે આજે પણ રેલ રોકો આંદોલન શાંતિપૂર્ણ રહે તે માટે તંત્ર સાબદું બન્યું હતું.