પૃથ્વી પરનું સ્વર્ગ રંગભૂમિ પર
શ્રેષ્ઠ સેટિંગ્સ, લાઇટ્સ સાથે લાગણીશીલ સંવાદોએ દર્શકોના દિલ જીત્યા: આર.ડી.ઇવેન્ટ્સ દ્વારા આયોજીત આ નાટકના ત્રણ શોનું આયોજન કરાયું
કોરોના કાળ બાદ મનોરંજનની દુનિયા સાથે રંગભૂમિનો પદડો ખૂલ્યો છે ત્યારે ફરી નાટકોની વણઝાર રાજકોટ આંગણે યોજાતા નાટ્યપ્રેમી જનતા તેનો ભરપૂર આનંદ માણી રહ્યા છે. આર.ડી.ઇવેન્ટ્સ- પરેશ પોપટ અને નિલેશ શાહ છેલ્લા ઘણા વર્ષોથી ટીવી, સિરીયલ, ફિલ્મોના કલાકારોના અભિનીત નાટકો સાથે દેશના જાણિતા ગાયકોની મ્યુઝિકલ ઇવેન્ટ યોજી રહ્યા છે.
પૃથ્વી પરના સ્વર્ગ સમા કાશ્મીરને સ્ટેજ પર આબેહુબ દ્રશ્યમાન કરીને ‘સફરજન’ નાટક નિર્માણ થયેલ છે, આ નાટક ગુજરાતી તખ્તાનું માઇલસ્ટોન સમું છે. આ નાટકના ત્રણ શોનું આયોજન રાજકોટ આંગણે આર.ડી.ઇવેન્ટે કરેલ હતું. જેનો આજે રાત્રે હેમુગઢવી હોલ ખાતે શો છે. દર્શકોએ માણવા જેવું નાટક ચૂકશો નહી.
સાંપ્રત સમસ્યાને સફરજનના માધ્યમથી રજૂ કરીને અદ્ભૂત સેટિંગ્સ, લાઇટીંગ સાથે લાગણીસભર સંવાદો આ નાટક જોનારને જકડી રાખે છે. ભરત નારાયણદાસ ઠક્કર નિર્મિત, સ્નેહા દેસાઇ લિખિત તથા રાજેશ જોશી દિગ્દર્શીત ‘સફરજન’ નાટકે સમગ્ર દેશમાં ખૂબ ચાહના મેળવી છે. રાજકોટમાં પણ ત્રણ શો હાઉસફૂલ થયા છે.
આ નાટકના કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, વૈભવી ઉપાધ્યાય, આનંદ ગોરડીયા, પરાગ શાહ અને વિક્રમ મહેતાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં નાટક વિશે વાત કરી હતી. બધા કલાકારોએ નાટકની માવજત સાથેના લખલુટ ખર્ચ સાથે સમગ્ર ટીમની મહેનતને કારણે દર્શકો તરફથી મળેલ અપાર ચાહનાની વાત કરી હતી. નાટકનું અદ્ભૂત સંગીત સચીન-જિગરે આપ્યું છે. નાટકની સૌથી મહત્વની વાત તેના અદ્ભૂત સંવાદો છે તે દર્શકોના મન-મગજ સુધી ઉતરી જાય છે. નિર્માતા ભરત ઠક્કરના આ નાટકની ચર્ચા સમગ્ર વિશ્ર્વમાં થઇ રહી છે જે આપણી રંગભૂમિ માટે આનંદની વાત છે.