20 વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી
રાજકોટમાં સ્વ સહાય જૂથોને ચેક અને નિમણુંક પત્રોનું કરાયું વિતરણ
રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે ’વિશ્વાસથી વિકાસ યાત્રા’ અન્વયે જિલ્લા વહીવટી તંત્ર તથા જિલ્લા પંચાયતના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ સહાય જૂથોને ચેક વિતરણનો કાર્યક્રમ રાજ્યકક્ષાના વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી અરવિંદભાઈ રૈયાણીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ કાર્યક્રમમાં પ્રતિનિધિ તરીકે આવેલા 19 બહેનોને ચેકનું વિતરણ, 5 બહેનોને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના કાર્ડનું વિતરણ તથા 3 બહેનોને પી.આર.પી. (પ્રોફેશનલ રિસર્ચ પર્સન)ના નિમણુંક પત્રો અર્પણ કરવામાં આવ્યા હતાં. ઉલ્લેખનીય છે કે કુલ 1824 સ્વ સહાય જૂથોની 18,240 મહિલાઓને કુલ રૂ. 11.21 કરોડની રકમના લાભો મંજૂર કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિનની શુભેચ્છા પાઠવી પ્રાર્થના કરી હતી કે ઈશ્વર તેમને નિરામય જીવન તેમજ જનતાની સેવા કરવાનો અવસર આપે.નરેન્દ્રભાઈ મોદીએ દેશમાં ગુજરાત રાજ્યને રોલ મોડેલ તરીકે રજૂ કર્યું છે, જે આપણા માટે ગૌરવની વાત છે. દેશની પ્રગતિ માટે આપણે સૌ ખભેખભો મિલાવીને કામ કરીએ તો જ ’સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ’ સૂત્ર ખરાં અર્થમાં સાર્થક થશે.
આજની આત્મનિર્ભર નારી શક્તિનું શ્રેષ્ઠ પ્રતીક છે.જેનું ઉત્તમ દ્રષ્ટાંત આર્થિક રીતે પગભર બનેલી ગામડાની સખીમંડળની મહિલાઓ છે. તેઓના સર્વાંગી વિકાસની જવાબદારી સરકારે નિભાવી છે. શહેરમાં ઉપલબ્ધ હોય,તેવી સુવિધાઓ ગુજરાતના ગામે-ગામે પહોંચાડવા સરકાર દ્વારા નિર્ણાયક પગલાંઓ લેવામાં આવ્યા છે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ તકે સાંસદ રામભાઈ મોકરીયાએ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના બાળપણના સંસ્મરણો વાગોળ્યા હતા. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હૈયામાં છેવાડાના માનવીનું હિત સમાયેલું છે. આથી, તેઓ ગુજરાતના મુખ્યમંત્રી પદે હતા, ત્યારે તેમણે વાવેલું સખી મંડળનું બીજ આજે વટવૃક્ષ બનીને ખીલ્યું છે. તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે પ્રાસંગિક ઉદ્બોધનમાં સખી મંડળની સફળતાને બિરદાવી હતી.
આ કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી થયા બાદ મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેકટર તથા જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. બેડી ગ્રામ સખી સંઘના પ્રમુખ દક્ષાબેન મકવાણા તથા જીયાણા ગામના પાયાલબેન છાસિયાએ પ્રતિભાવ રજૂ કરી સરકારનો આભાર માન્યો હતો. તેમજ સૌએ રાજયકક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ નિહાળ્યો હતો.
આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનીસિપલ કમિશનર એ. કે. સિંઘ, પ્રાદેશિક નગરપાલિકા નિયામક ધીમંત વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર. એસ. ઠુમ્મર, જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, અગ્રણીઓ નાગદાનભાઈ ચાવડા, મનીષભાઈ ચાંગેલા, મનસુખભાઈ રામાણી તેમજ સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.