ઉત્તર પ્રદેશમાં ત્રણ તબક્કામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે પરિણામ આવી રહ્યા છે. જેમાં પ્રારંભિક વલણમાં ભાજપ આગળ જોવા મળી રહ્યુ છે. ગોરખપુર, ગાઝિયાબાદ, સહારનપુર, અયોધ્યા, વારાણસી, લખનઉ, મથુરા અને મેરઠમાં ભાજપ આગળ જોવા મળી રહ્યુ છે.
યુપીમાં 16 મહાનગર પાલિકા, 198 નગર પાલિકા અને 438 નગર પંચાયતની ત્રણ તબક્કામાં ચૂંટણી થઈ હતી. આજે 75 જિલ્લાના 334 કેન્દ્રો પર મત ગણતરી ચાલી રહી છે. જે સ્થળો પર મત ગણતરી ચાલી રહી છે. ત્યાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે તે સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવી દેવાયેલા છે. તેમજ સઘન સુરક્ષા પણ જોવા મળી રહી છે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા યુપીના આ ચૂંટણીના પરિણામો ઘણુ મહત્વ રાખે છે. ખાસ કરીને ભાજપ-કોંગ્રેસ યુપીની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જીતના દાવા કરતા રહ્યા છે અને આજ બે પાર્ટીઓ વચ્ચે ગુજરાતમાં પણ ટક્કર છે. તો વળી, 17 વર્ષ બાદ પહેલી વખત પાર્ટી ચિહન્ પર બસપા સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડી રહી છે. યુપીમાં 22 નવેમ્બર, 26 નવેમ્બર અને 29 નવેમ્બર એમ ત્રણ તબક્કામાં મતદાન થયુ હતુ.