- કોર્પોરેશનના 49 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર મુખ્યમંત્રીએ ઝોન કચેરીની લીધી મુલાકાત: શહેરના વિકાસકામો માટે ઝોન વાઇઝ બેઠક
- મેયર ચેમ્બરમાં 10 મિનિટનો સમય વિતાવ્યો: ભાજપના કોર્પોરેટરોએ મુખ્યમંત્રી પર કરી હોંશભેર પુષ્પવર્ષા
- કુમકુમ તીલક,રાસ-ગરબા અને તરણેતરની છત્રી સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું શાહી સ્વાગત: 31 ટીપરવાન અને બે ટ્રકને ફ્લેગ આપી લોકાર્પણ કરાયું
રાજકોટ મહાનગરપાલિકાના 49 વર્ષના ઇતિહાસ આજે આજની ઘડી ઐતિહાસિક બની રહી હતી. પ્રથમવાર રાજ્યના મુખ્યમંત્રીએ કોર્પોરેશનની ઝોન કચેરીની મુલાકાત લીધી હતી અને વિકાસકામો માટે એક નહીં પરંતુ ઝોન વાઇઝ અલગ-અલગ ત્રણ બેઠકો યોજી હતી. મુખ્યમંત્રીને આવકારવા માટે કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરીમાં લાલ જાજમ બિછાવવામાં આવી હતી. કુમકુમ તીલક, રાસ-ગરબાની રમઝટ અને તરણેતરની છત્રી સાથે મુખ્યમંત્રીનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. ખૂદ સીએમ પણ ભાવવિભોર બની ગયા હતા.
નિર્ધારિત સમય કરતાં અંદાજે એક કલાક મોડા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ આવ્યા છતા તેઓએને આવકારવા માટે કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓના ઉત્સાહમાં રતિભાર પણ ઓટ આવી ન હતી. સૌપ્રથમ મુખ્યમંત્રીને મેયર ડો.પ્રદિપ ડવ અને મ્યુનિ.કમિશનર અમિત અરોરા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપરાંત શહેર ભાજપના સંગઠનના હોદ્ેદારોએ હોંશભેર આવકાર્યા હતા. તેઓના લલાટે કુમકુમ તીલક કરી ઉમળાભેર મીઠ્ઠો આવકાર આપવામાં આવ્યો હતો. ગુજરાતની આગવી પરંપરા મુજબ તેઓનું રાસ-ગરબા સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. તરણેતરની છત્રીએ ભારે જમાવટ કરી હતી. મુખ્યમંત્રીના હસ્તે આજે કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખાના ઉપયોગ માટે 31 મીની ટીપરવાર અને બે બંધ બોડીના ટ્રકનું મુખ્યમંત્રીના હસ્તે ફ્લેગ ઓફ આપી લોકસેવામાં અર્પણ કરવામાં આવી હતી.
ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ મેયર ચેમ્બરમાં પધાર્યાં હતાં. અહીં મુખ્યમંત્રી ઉપરાંત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, રાજકોટના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી અને અરવિંદભાઇ રૈયાણીને કઠોળના પેકેટ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે સાંસદ મોહનભાઇ કુંડારીયા, રામભાઇ મોકરીયા, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઇ રાઠોડ, શાસક પક્ષના નેતા વિનુભાઇ ઘવા સહિતના આગેવાનોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું.
મેયર ચેમ્બરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે 10 મિનિટથી વધુ સમય વિતાવ્યો હતો. દરમિયાન તેઓ મ્યુનિ.કમિશનર વિભાગના કોન્ફરન્સરૂમમાં મિટીંગ ભાગ લેવા માટે જઇ રહ્યા હતા ત્યારે મેયર ઓફિસથી કોન્ફરન્સ હોલ સુધીના રસ્તામાં રેડ કાર્પેટ બિછાવવામાં આવી હતી. ભાજપના કોર્પોરેટરો અને સંગઠનના હોદેદારોએ મુખ્યમંત્રી પર પુષ્પવર્ષા કરી હતી. સામાન્ય રીતે મુખ્યમંત્રી કે અન્ય વિભાગના મંત્રીઓ જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે સમીક્ષા બેઠક યોજતા હોય છે ત્યારે માત્ર એક જ મિટીંગ રાખવામાં આવતી હોય છે. પરંતુ આજે પ્રથમ વખત કોર્પોરેશનની મુલાકાતે આવેલા ભુપેન્દ્રભાઇ પટેલે ઝોન વાઇઝ અલગ-અલગ ત્રણ બેઠકો યોજી હતી અને તમામ વોર્ડમાં ચાલતા વિકાસકામો અંગે વાકેફ પણ થયા હતા.
વિકાસકામોને વેગ આપવાની કોર્પોરેટરોને હૈયાધારણા આપતા મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે રાજકોટ મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોન કચેરીની મુલાકાત લીધી હતી. તેઓએ સૌપ્રથમ ઇસ્ટ ઝોન હેઠળ આવતા અલગ-અલગ વોર્ડના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્ેદારો સાથે બેઠક યોજી હતી ત્યારબાદ વેસ્ટ ઝોન અને છેલ્લે સેન્ટ્રલ ઝોનના કોર્પોરેટરો અને સંગઠનના હોદ્ેદારો સાથે તબક્કાવાર બેઠક યોજી હતી. મ્યુનિ.કમિશનર અમિત અરોરા દ્વારા વિકાસકામોનું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું અને મનપાના પ્રગતિ હેઠળના વિકાસકામોની માહિતી મુખ્યમંત્રીને આપી હતી. જેમાં શહેરના અલગ-અલગ વિસ્તારોમાં હાલ ટ્રાફીકની સમસ્યા હલ કરવા માટે બની રહેલા પાંચ ઓવરબ્રિજ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટના રોબસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ, અટલ સરોવર, ડીજીટલ હાઇવે પ્રોજેક્ટ ઉપરાંત રૈયાધાર અને જેટકો ચોકડીએ નિર્માણાધીન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર રી-સોર્સિંસ, આવાસ યોજના, લાઇટ હાઉસ પ્રોજેક્ટ, અર્બન પ્રોજેક્ટ, મેગા વોટ સોલાર પાવર પ્લાન્ટ, ઇડબલ્યૂએસની કામગીરી, પ્રોપર્ટી ટેક્સની રેકોર્ડબ્રેક કામગીરી સહિતની માહિતી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી. મુખ્યમંત્રીએ પણ નગરસેવકોની વિકાસકામોને લગતી રજૂઆતો સાંભળી હતી અને તેનો તાત્કાલીક ઉકેલ લાવવાની ખાતરી આપી હતી.
વિકાસકામોની પ્રગતિથી મુખ્યમંત્રી ખુશખુશાલ
કોર્પોરેશનમાં ચાલતા વિવિધ વિકાસકામોની આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. તેઓએ ઝોન વાઇઝ કોર્પોરેટરો અને સંગઠનના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કોર્પોરેશન દ્વારા રજૂ કરવામાં આવેલા પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન નિહાળી વિકાસકામોની પ્રગતિ અંગે ખુશાલી વ્યક્ત કરી હતી. તમામ પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થાય તે માટે પદાધિકારીઓને ખાસ કાળજી લેવા પણ તાકીદ કરી હતી. સાથોસાથ તેઓએ તમામ કોર્પોરેટરોને પોતાના વોર્ડમાં ચાલતા વિકાસકામો અને પ્રાથમિક સુવિધાના કામો લોકોની જરૂરીયાત અને અપેક્ષાના કામોને અગ્રતાના ધોરણ આગળ ધપાવવા માટે તાકીદ કરી હતી. તેઓએ મહાપાલિકાના ઇતિહાસમાં પ્રથમ વખત નગરસેવક અને અધિકારીઓ સાથે ઝોન વાઇઝ બેઠક યોજી હતી.
મુખ્યમંત્રી-પૂર્વ મુખ્યમંત્રી મહાપાલિકાની મુલાકાતે આવ્યા તે ઐતિહાસિક પ્રસંગ: જીતુભાઇ વાઘાણી
રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ પ્રાંસગિક ઉદ્બોધન કરતા જણાવ્યું કે રાજ્યના કોઇ મુખ્યમંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી એકસાથે રાજકોટ મહાનગર પાલિકાની મુલાકાતે આવ્યા હોય તેવો આ પ્રથમ અને ઐતિહાસિક પ્રસંગ છે. સૌરાષ્ટ્રમાં ચાલી રહેલા વિકાસ કામોની સમીક્ષા કરવાના સિલસિલાના આરંભ રાજકોટ ખાતેથી થઇ રહ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે. એક પ્રભારી તરીકે હું ગર્વ અનુભવું છું.
સોલિડ સંકલન મુખ્યમંત્રી આફરીન ચૂંટણી વર્ષમાં ખાસ ધ્યાન રાખવા ટકોર
રાજકોટ હમેંશા ભાજપનું અડીખમ ગઢ રહ્યું છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ કોર્પોરેશનની મુલાકાતે આવ્યા હતા. તે વેળાએ શહેર ભાજપના સંગઠનના હોદેદારો અને કોર્પોરેશનના પદાધિકારીઓ વચ્ચેના સોલીડ સંકલનને નિહાળી તેઓ આફરીન થઇ ગયા હતા. તમામ વિકાસકામો અંગે પણ તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો. સાથોસાથ વિધાનસભાની ચૂંટણીનો વર્ષ હોય કોઇ મુદો ઉપસ્થિત ન થાય તે માટે તમામ કાર્યકરો અને હોદેદારોને ખાસ ધ્યાન રાખવા માટે ટકોર કરી હતી. આજે તેઓએ ઝોન વાઇઝ બેઠક યોજી હતી અને તમામ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી હતી.