રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે ખેંચતાણ ચાલુ રહેતા, જયારે છત્તીસગઢમાં એક કરતા વધારે દાવેદાર હોય કોંગ્રેસ હાઈકમાન્ડ મુખ્યમંત્રી પદ માટે સર્વસંમતિ નકકી કરી શકયું નહી; આજ સાંજ સુધીમાં બંને રાજયોનાં મુખ્યમંત્રીના નામો જાહેરાત થવાની સંભાવના

તાજેતરમાં યોજાયેલી પાંચ રાજયોની વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસે હિન્દી પટ્ટાના ત્રણ મહત્વના રાજયોમાં ભાજપ સરકારનેપછડાટ આપીને પાતળી બહુમતીથી વિજય મેળવ્યો હતો. પરંતુ આ વિજય બાદ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદ મેળવવા માટે પાર્ટીના મહત્વના નેતાઓમાં ખેંચતાણ ચાલી હતી જેથી,પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગઈકાલે ત્રણેય રાજયોનાં મુખ્યમંત્રીપદના દાવેદારોને નવી દિલ્હી બોલાવીને તેમની સાથે મેરેથોન બેઠક યોજી હતી જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદ માટે કમલનાથનું નામ નકકી થઈ શકયું હતુ જયારે રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રી પદનું કોકડુ ગુંચવાયેલું રહ્યું હતુ.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષરાહુલ ગાંધીના નિવાસસ્થાને ગઈકાલે ત્રણેય રાજયોના મુખ્યમંત્રી પદના દાવેદારો સાથે પાર્ટીના વરિષ્ઠ આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પદના દાવેદારો વચ્ચેની બેઠકમાં સરળતાથી નિર્ણય આવી ગયો હતો. રાહુલની સમજાવટ બાદ જયોતિરાદિત્ય સિંધીયાએ પોતાનો દાવો જતો કરીને પાર્ટીના હાઈકમાન્ડના નિર્ણય મુજબ કમલનાથના નામ મંજૂરી આપી હતી. જેથી મોડી રાત્રે ભોપાલમાં મળેલી કોંગ્રેસના નવનિયુકત ધારાસભ્યોની બેઠકમાં કમલનાથને પાર્ટીના નેતા તરીકેચૂંટી કાઢવામાં આવ્યા હતા.

આજે કમલનાથ રાજયપાલ આનંદીબેન પટેલને મળીને તેમની નિમણુંકનો પત્ર રજૂ કરશે જે બાદ તેમની બપોરે કે મોડી સાંજે શપથવિધિ કરવામાં આવશે.

રાજસ્થાનમાં પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને યુવા નેતા સચિન પાયલોટ મુખ્યમંત્રી પદના બે મુખ્ય દાવેદારો છે. આ બંને દાવેદારો સાથે રાહુલ, સોનિયા સહિતના પાર્ટી હાઈકમાન્ડના વરિષ્ઠ નેતાઓએ બેઠક યોજી હતી. પરંતુ બંને નેતાઓ પોતાનો દાવો જતો કરવા માંગતા ન હોય મુખ્યમંત્રીપદનું નામ ફાયનલ થઈ શકયું નહતુ રાજસ્થાનમાં સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ સાથે તેમના સમર્થકો દ્વારા ઠેર ઠેર હિંસક પ્રદર્શનો કરવામાં આવી ર્હ્યા છે. આ પ્રદર્શનોની પાર્ટી હાઈકમાન્ડે નોંધ લેતા પાયલોટે તેમના સમર્થકોને શાંતિજાળવવા તથા હાઈકમાન્ડનો જે નિર્ણય આવશે તે પોતાને માન્ય હોવાનું નિવેદન કરવું પડયું.

આ ઘટનાક્રમ દરમ્યાન ગઈકાલે રાત્રે દિલ્હીથી જયપૂર પરત ફરનારા અશોક ગેહલોતને પાર્ટી હાઈકમાન્ડે રોકાઈ જવા સુચના આપી હતી. જેથી તેઓએ દિલ્હીમાં પોતાના રોકાણને લંબાવ્યું હતુ રાહુલ અને સોનિયા ગાંધીની આગેવાની વાળુ પાર્ટી હાઈકમાન્ડ આજે પણ આ મુદે બંને દાવેદારો સાથે બેઠકો કરીને બપોર બાદ મુખ્યમંત્રી પદનું નામ જાહેર કરે તેવી સંભાવના છે.

જયારે, છત્તીસગઢમાં મુખ્યમંત્રી પદના દાવેદારો ભુપેશ બધેલ, ટી.એસ.સિંહ દેવ, નામ્રધ્વજ શાહુ,ચરણદાસ મહંત, સહિતના આગેવાનો પણ ગઈકાલે દિલ્હી પહોચી ગયા હતા પાર્ટી હાઈકમાન્ડના વિવિધ નેતાઆએ તેમની સાથે બેઠકો યોજીને સર્વસંમતિથી મુખ્યમંત્રી પદના નામ નકકી કરવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ,તેમાં પણ બધા નેતાઓ વચ્ચે મુખ્યમંત્રી બનવાની હોડ હોય ગઈકાલ રાત્રી સુધી મુખ્યમંત્રી પદ માટે આખરી નામ નકકી થઈ શકયું નહતુ જે આજે બપોર બાદ કે સાંજે નકકી થઈ જશે તેવું માનવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.