સોમનાથ દાદાના સાનિધ્યમાં ભાજપ ગુજરાતમાં ૧૫૦+ બેઠકો જીતવાનો સંકલ્પ કરશે: ભરત પંડયા
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૧ અને ૨૨ એપ્રિલના રોજ સોમનાથદાદાના સાનિધ્યમાં ભાજપાની પ્રદેશ કારોબારી પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહની વિશેષ ઉપસ્થિતિ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી ડો.દિનેશજી શર્મા, રાષ્ટ્રીય મહામંત્રી અને નવનિયુકત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોતમભાઈ ‚પાલા, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષજી, મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલની હાજરીમાં યોજાશે.
કારોબારીની વિગતો આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજે પ્રદેશ હોદેદારો, પ્રદેશ મોરચાના પ્રમુખ જીલ્લા/મહાનગરના પ્રભારી અને પ્રમુખની બેઠક યોજાશે. જેમાં કારોબારીના મુસદા તેમજ પ્રસ્તાવો અંગેની ચર્ચા-વિચારણા હાથ ધરાશે. બે દિવસીય પ્રદેશ કારોબારીના પ્રથમ દિવસે સ્વાગત પ્રવચન તથા એક પ્રસ્તાવ રજુ કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે, ૨૨ એપ્રિલના રોજ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ પ્રદેશ કારોબારીમાં ઉપસ્થિત રહીને સમાપન માર્ગદર્શન આપશે તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ-ઉતરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશના પૂર્વ પ્રભારી ડો.દિનેશજી શર્માનું સન્માન તેમજ રાષ્ટ્રીય મહામંત્રી અને પ્રદેશના નવનિયુકત પ્રભારી ભુપેન્દ્રજી યાદવનું સ્વાગત કરવામાં આવશે.
આ બંને દિવસની કારોબારીમાં રાજકીય અને અભિનંદન પ્રસ્તાવ ઉપરાંત સંગઠનાત્મક બાબતો, જીલ્લા/મહાનગરમાં થયેલ કાર્યક્રમોનું રીપોર્ટીંગ અને પક્ષના આગામી કાર્યક્રમોની ચર્ચા-વિચારણા હાથ ધરાશે. સોમનાથ ખાતેની આ પ્રદેશ કારોબારીમાં ૫૦૦ કરતા વધુ સદસ્યો ઉપસ્થિત રહેશે.
ભરતભાઈ પંડયાએ અંતમાં જણાવ્યું હતું કે, આપણુ ગુજરાત સર્વાંગી વિકાસના શિખરે પહોંચે તે માટે ભગવાન સોમનાથદાદાના સાંનિધ્યમાં ૧૫૦+ સીટ ભાજપા જીતે તે માટેનો વિજય સંકલ્પ કરાશે. ગુજરાતએ દેશનું ગ્રોથ એન્જીન છે. આ ચૂંટણી વર્ષ છે. ભાજપા ચૂંટણી માટે કાયમ સજ્જ છે. સોમનાથદાદાના આશીર્વાદ સાથે જનતા જનાર્દનના સમર્થનથી અને અમારી સંગઠન શકિતથી ચૂંટણી લડીને ગુજરાતમાં ૧૫૦+ સીટ ભાજપા જીતશે.