બોર્ડની પરીક્ષાના ગુજરાતી, નામાનાં મુળતત્વો અને ફિઝીકસનું પ્રશ્ર્નપત્ર સહેલું નિકળતા વિદ્યાર્થીઓ ગેલમા
કાલે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજી, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન અને ધો.૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાનનું પેપર
ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાનો પ્રારંભ ગુરુવારથી થયો છે ત્યારે પ્રથમ દિવસે ધો.૧૦માં ગુજરાતીનું પેપર ખુબ જ સરળ રહ્યું હોવાથી વિદ્યાર્થીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. આજે વાંચન માટે ધો.૧૦ તેમજ ધો.૧૨ સાયન્સના વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે. આવતીકાલે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજીનું પેપર તેમજ ધો.૧૨ સાયન્સમાં રસાયણ વિજ્ઞાનનું પેપર રહેશે.
ઉલ્લેખનીય છે કે ધો.૧૦માં ગુજરાતીનું પ્રથમ પેપર ખુબ જ સરળ નિકળતા વિદ્યાર્થીઓ ગેલમાં આવી ગયા હતા. બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં નામાનાં મુળતત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ફિઝીકસનું પેપર પણ સહેલું નિકળ્યું હોવાનું જાણવા મળ્યું છે. ફિઝીકસ અને નામાનાં મુળતત્વોના પેપરમાં પાંચેક જેવા એમસીકયુ અલગ તારવીને પુછયા હોય આ સિવાયનું આખું પેપર ખુબ જ સરળ રહ્યું છે. ગઈકાલના ત્રણેય પેપર સહેલા નિકળતા વિદ્યાર્થીઓનો હવે પરીક્ષા દેવાનો ઉત્સાહ બેવડાયો છે.
ગઈકાલે ધો.૧૦ની પરીક્ષા દરમિયાન રાજકોટ જિલ્લાના ૫૮૫ જેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા અને ધો.૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહ સહિત કુલ ૪ હજારથી પણ વધારે વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અગાઉની જેમ વિદ્યાર્થીઓ પરીક્ષા તણાવથી દેતા હતા તેને બદલે હવે વિદ્યાર્થીઓ પરીક્ષાનો સ્પર્ધાની જેમ લુપ્ત ઉઠાવીને પરીક્ષા આપી રહ્યા છે.
ધો.૧૦ અને ધો.૧૨ના કુલ ૬૨ દિવ્યાંગો પણ પરીક્ષા આપી રહ્યા છે.
આ ઉપરાંત ૩૫થી વધારે જેલના કેદીઓ પણ ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષા આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ધો.૧૦ અને ધો.૧૨નું પ્રથમ પેપર પૂર્ણ થઈ ગયા બાદ આજે ધો.૧૦ અને ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને વાંચન માટે રજા આપવામાં આવી છે. જયારે ધો.૧૨ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ આજે આંકડાશાસ્ત્રનું પેપર આપશે. જયારે આવતીકાલે ધો.૧૦માં વિજ્ઞાન અને ટેકનોલોજી, ધો.૧૨ સામાન્ય પ્રવાહમાં તત્વજ્ઞાન અને ધો.૧૨ સાયન્સ પ્રવાહમાં રસાયણ વિજ્ઞાનનું પેપર રહેશે. વિદ્યાર્થીઓને એક દિવસ રજા હોવાથી વાંચન માટે આતુર બન્યા છે અને સમગ્ર સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં પરીક્ષાનો માહોલ છવાયો છે.