સૌરાષ્ટ્રની ૭ લોકસભા બેઠકમાં ૧૫૧ ઉમેદવારો: સાંજે ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થઈ ગયા બાદ ચૂંટણી તંત્ર ઈવીએમની તૈયારીમાં લાગી જશે
સૌરાષ્ટ્રની ૭ લોકસભા બેઠકમાં ૧૫૧ ઉમેદવારો ચૂંટણી લડવા મેદાને ઉતર્યા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે મોટી સંખ્યામાં આજે અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચે તેવી સંભાવના સેવાઈ રહી છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ આજે સાંજે તમામ બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે. ઉપરાંત આજે સાંજથી જ ચૂંટણી તંત્ર ઈવીએમની તૈયારીમાં લાગી જવાનું છે.
લોકસભા ચૂંટણી માટે ગત તા.૨૮થી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા શરૂ થઈ હતી જે તા.૪ના રોજ પૂર્ણ થઈ હતી આ દરમિયાન સૌરાષ્ટ્રની રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં ૨૨૪ ઉમેદવારોએ નામાંકન પત્ર રજૂ કર્યા હતા. તા.૫ના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવી હતી. જેમાં ૭૩ ફોર્મ રદ થતા ૧૫૧ઉમેદવારો મેદાનમાં રહ્યા હતા.
આજરોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે ૧૫૧ ઉમેદવારોમાંથી અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાની ઉમેદવારી પાછી ખેંચે તેવી શકયતા સેવાઈ રહી છે. વધુમાં આજે સાંજે ઉમેદવારી પત્ર પરત ખેંચાયા બાદ લોકસભા બેઠકનાં ફાઈનલ ઉમેદવારો નકકી થઈ જવાના છે. આમ સાંજે તમામ બેઠકો પર કેટલા ઉમેદવારો ચૂંટણી લડવાના છે.તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જવાનું છે.
બીજી તરફ સાંજે ઉમેદવારોની ફાઈનલ યાદી તૈયાર થઈ જતા ચૂંટણી તંત્ર પણ ઈવીએમ મશીન સહિતની તૈયારીઓ શરૂ કરી દેશે નોંધનીય છે કે રાજકોટ લોકસભા બેઠક ઉપર ૧૬, જામનગર બેઠકમાં ૩૪, જૂનાગઢ બેઠકમાં ૧૩, અમરેલી બેઠકમાં ૧૩, પોરબંદર બેઠકમાં ૧૮, ભાવનગર બેઠકમાં ૧૪ જયારે સુરેન્દ્રનગર બેઠકમાં ૪૩ ઉમેદવારો છે. આજે સાંજે આ ઉમેદવારો પૈકી ફાઈનલ ઉમેદવારોની યાદી તૈયાર થઈ જવાની છે. આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. ત્યારબાદ આગામી ૨૩મીએ મતદાન પ્રક્રિયા યોજાવાની છે. જયારે ૨૩મેએ મતગણતરી હાથ ધરવામાં આવનાર છે.