જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સિંગાપોર સહિતના દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર ચાલવા ભારત તૈયાર પરંતુ ચીનના માલના ડમ્પીંગથી સ્થાનિક ઉધોગને બચાવવાની રણનિતી
સિંગાપોરમાં ૧૬ દેશો વચ્ચે ફ્રી ટ્રેડ (મુકત વ્યાપાર) મામલે અગત્યની બેઠકમાં વૈશ્વિક વેપારનું ભવિષ્ય ઘડાવવા જઈ રહ્યું છે જોકે બેઠકના નિર્ણયો ભારત માટે એક તરફ ખાઈ એક તરફ કુવા જેવી પરિસ્થિતિ ઉભી કરે તેવી દહેશત છે. ફ્રી ટ્રેડના ઓઠા હેઠળ ભારતમાં ચીન અનેક વસ્તુઓ ઠાલવી રહ્યું છે. જે સ્થાનિક ઈન્ડસ્ટ્રીઝને મરણતોડ ફટકો આપે છે ત્યારે ફ્રી ટ્રેડ ભારતીય વસ્તુઓને વિદેશની બજારમાં વેચવાનું મહત્વનું પાસુ છે જેથી જો ફ્રી ટ્રેડની તરફેણ કરવામાં આવે તો સ્થાનિક ઉધોગને મુશ્કેલી પડે અને ફ્રી ટ્રેડને નજર અંદાજ કરવામાં આવે તો વૈશ્વિક સ્તરે વેપાર વિનીમયમાં ભારતને મસમોટો ફટકો પડે.
આજની બેઠકમાં મંત્રી સુરેશ પ્રભુની અધ્યક્ષતામાં નિષ્ણાંતોનું પ્રતિનિધિ મંડળ હાજર રહેશે. રિઝનલ કોમ્પ્રેહેન્ડસીવ ઈકોનોમીક પાર્ટનરશીપ (આર.સી.ઈ.પી) હેઠળ આ બેઠક મળશે. જેમાં કુલ ૧૬ સભ્યો ભાગ લેશે. જેમાંથી ૧૦ સભ્યો આશિયન સંગઠનના છે. આ તમામ દેશો વચ્ચે આજે ફ્રી ટ્રેડના લાભાલાભ અને મુશ્કેલીઓ બાબતે ચર્ચા-વિચારણા થશે.
અહીં ઉલ્લેખનીય છે કે, જાપાન, સાઉથ કોરિયા, ચીન સહિતના આશિયન સંગઠનના દેશો વચ્ચે ભારતને ફ્રી ટ્રેડના કરાર થઈ ચુકયા છે. જોકે હવે ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સાથે પણ વેપાર વિનીમય વધારવાના પ્રયાસ ચાલુ છે. અલબત ફ્રી ટ્રેડને ભારતીય સ્થાનિક બજારને નુકસાન થતું હોવાની કાગરોળ મચે છે. સ્ટીલ સહિતના ઉધોગોમાં ભયંકર પ્રમાણમાં ડમ્પીંગ ભારતમાં થાય છે. જેની સામે લડવા ભારતે એન્ટી ડમ્પીંગ ડયુટી સહિતના નિર્ણયો પણ લીધા છે જોકે તેનાથી વધુ પ્રમાણમાં ફરક પડયો નથી.
ભારત ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર ફેરફાર કરવા માંગે છે પરંતુ ફ્રી ટ્રેડના ઓઠા હેઠળ ચીન દ્વારા ઠલવાતા ગુણવતા વગરના માલથી થતા નુકસાનને સહન કરવા તૈયાર નથી. હાલ ફ્રી ટ્રેડમાં અન્ય દેશોની સાથે છે પરંતુ ચીન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર ચાલવામાં નુકસાન છે. અહીં ઉલ્લેખનીય છે કે, ચીન, ભારત, સાઉથ કોરીયા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિતના દેશો ૪૦ ટકા વૈશ્વિક જીડીપી ધરાવે છે અને ૪૨ ટકા વસ્તી ધરાવે છે ત્યારે આજની બેઠકમાં આ તમામ દેશના પ્રતિનિધિઓની હાજરી વૈશ્વિક વ્યાપારની નવી દિશા અને દશા નકકી કરશે.