૧૫મી માર્ચથી સૌની યોજના અંતર્ગત આજી ડેમમાં નર્મદાના નીર ઠાલવવાનું શરૂ કરવા સરકારમાં કોર્પોરેશનની આજીજી: ન્યારી ડેમ મે સુધી ખેંચી લેશે
મહાપાલિકામાં ખુરશી સંભાળતાની સાથે જ નવા પદાધિકારીઓ માટે પાણી સૌથી મોટો પડકાર બની રહેશે. શહેરની જીવાદોરી સમાજ આજી ડેમ હવે માત્ર એક મહિનાનો જ મહેમાન છે. જો ૧૫ માર્ચથી આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા નર્મદાના નીર ઠાલવવામાં નહીં આવે તો એપ્રીલથી શહેરની પાણી વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવી મહાપાલિકા માટે મોટી મુશીબત બની રહેશે. ન્યારી ડેમ હજુ મે માસ સુધી ખેંચી લેશે. જ્યારે ભાદરમાં રાજકોટને ચોમાસા સુધી ચાલે તેટલો જળ જથ્થો ઉપલબ્ધ છે. પાણી પ્રશ્ર્ન નવા પદાધિકારીઓનું સ્વાગત કરવા માટે બારણે ટકોરા મારીને વાટ જોઈ રહ્યો છે. ગત વર્ષે ચોમાસામાં મેઘરાજાએ અનરાધાર મહેર વરસાવી હતી અને શહેરની જળ જરૂરીયાત સંતોષતા તમામ જળાશયો એક મહિના સુધી ઓવરફલો થયા હતા. પરંતુ રાજકોટની વસ્તી અને વિસ્તાર જે રીતે વધી રહ્યો છે તેની સરખામણીએ જળાશયોની સંખ્યા વધતી નથી. જેના કારણે હાલ રાજકોટ સંપૂર્ણપણે નર્મદાના નીર પર આધારીત છે.
આજી ડેમમાં હાલ ૩૨૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે અને રોજ વિતરણ વ્યવસ્થા માટે ૫ એમસીએફટી પાણી ઉપાડવામાં આવી રહ્યો છે. ટૂંકમાં ૩૧ માર્ચ સુધી ચાલે તેટલો જળ જથ્થો હાલ આજીમાં ઉપલબ્ધ છે. કારણ કે તળીયાનું ૧૫૦ એમસીએફટી પાણી ડેડ વોટર હોવાના કારણે તે પીવા માટે ઉપયોગમાં લઈ શકાતું નથી. બીજી તરફ ૩૧મી જુલાઈ સુધી અર્થાત ચોમાસાની સીઝનમાં જળાશયોમાં માતબર પાણીની આવક ન થાય ત્યાં સુધી વિતરણ વ્યવસ્થા ટકાવી રા ખવાના આયોજન સાથે કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકાર પાસે આજી ડેમમાં સૌની યોજના અંતર્ગત ૬૦૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માંગણી કરવામાં આવી છે. આગામી ૧૫મી માર્ચથી નર્મદાના નીર ઠાલવવા માટે પણ આજીજી કરવામાં આવી છે. બીજી તરફ ન્યુ રાજકોટની જળ જરૂરીયાત સંતોષતા ન્યારી-૧ ડેમની સ્થિતિ સારી છે અને ડેમમી ૬૮૫ એમસીએફટી પાણી સંગ્રહિત છે અને રોજ ડેમમાં ૪ એમસીએફટી પાણી ઉપાડવામાં આવે છે. ન્યારી ડેમ મે માસ સુધી ખેંચી જાય તેવું લાગી રહ્યું છે. જો કે, જુલાઈ સુધી વિતરણ વ્યવસ્થા પર અસર ન પડે તે માટે ન્યારી ડેમમાં પણ ૧૫૦ એમસીએફટી નર્મદાના નીર ઠાલવવાની માગણી કરવામાં આવી છે અને આ પાણી ૧લી મેથી આપવામાં આવે તેવું જણાવવામાં આવ્યું છે. જ્યારે ભાદમાં રાજકોટને એક વર્ષ ચાલે તેટલું પાણી સંગ્રહિત છે. નવા પદાધિકારીઓ ખુરશી પર બેસતાની સાથે જ તેઓ માટે સૌથી મોટો પડકાર પાણીનો રહેશે. કારણ કે, ઉનાળાના આરંભે જ શહેરની જીવાદોરી સમાન આજી ડેમ ડુકી રહેશે. આવામાં નવા પદાધિકારીઓ સતત સરકારમાં ફોલોઅપ લઈ ૧૫ થી ૨૦ માર્ચ સુધીમાં આજીમાં સૌની યોજના અંતર્ગત નર્મદાનું પાણી ઠાલવવાનું શરૂ થઈ જાય તે કામ કરવાનું રહેશે.