સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હિટવેવના કારણે અનેક શહેરોમાં કાળઝાળ ગરમી: લોકો અકળાયા
ઉનાળાના આરંભે જ સુર્યનારાયણ કાળઝાળ બની આકાશમાંથી અગ્નવર્ષા વરસાવી રહ્યા છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હીટવેવની આગાહી આપવામાં આવી હોય આજે સૌરાષ્ટ્રના આકાશમાંથી અગ્નિવર્ષાની સંભાવના છે. અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રી આસપાસ પહોંચી જાય તેવી સંભાવના પણ હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ આજે આકરા તડકા પડશે.
ચાલુ સાલ શિયાળાની સીઝન ખુબ જ લાંબી રહેવા પામી હતી. ગાત્રો થ્રીજાવતી ઠંડીએ લોકોને ધ્રુજવી દીધા હતા. ગ્લોબલ વોર્મિંગ અને વેસ્ટ ડિર્સ્ટબન્સની અસરતળે ચાલુ માસે કમોસમી વરસાદ પણ વરસ્યો હતો હવે ઉનાળાનો વિધિવત આરંભ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા એકાદ સપ્તાહથી રાજયમાં આકરા તડકા પડી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં મંગળવાર અને બુધવારે હીટવેવની આગાહી આપવામાં આવી હતી. ગઈકાલે અનેક શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને લગોલગ પહોંચી ગયો હતો. આજે સૌરાષ્ટ્રમાં ગરમીનું જોર વધે તેવી પ્રબળ સંભાવના છે. બપોરના સુમારે આકાશમાંથી સુર્યનારાયણ અગ્નિવર્ષા કરે તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં તાપમાનનો પારો ૪૦ ડિગ્રીને વટાવે તેવી આગાહી વ્યકત કરવામાં આવી છે.
ગઈકાલે રાજકોટનું મહતમ તાપમાન ૩૯.૩ ડિગ્રી સેલ્શીયસ નોંધાયું હતું. આ ઉપરાંત સુરેન્દ્રનગરનું તાપમાન ૩૯.૩ ડિગ્રી, પોરબંદરનું તાપમાન ૩૯.૩, વલસાડનું તાપમાન ૩૯.૯ ડિગ્રી, મહુવાનું તાપમાન ૩૯.૮ ડિગ્રી, ભુજનું તાપમાન ૩૯.૬ ડિગ્રી સેલ્શીયસ રહેવા પામ્યું હતું. આજે દરિયાકાંઠા વિસ્તારમાં વધુ ગરમીનો અહેસાસ થાય તેવી પણ સંભાવના વ્યકત કરાઈ છે.