બપોરે ૩ના ટકોરે પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની ચૂંટણીનું ચિત્ર થશે સ્પષ્ટ: અપક્ષ ઉમેદવારોનો ધાણવો ઉતરવાની સંભાવના.
બીજા તબકકાની ૯૩ બેઠકમાં સોમવાર સુધી ફોર્મ સ્વીકારાશે: ૪ દિવસમાં ૧૬૦ ઉમેદવારી નોંધાઈ.
રાજકોટ જિલ્લાની આઠ બેઠક સહિત પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર આજે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. આજે ઉમેદવારી પત્ર પાછુ ખેંચવાનો અંતિમ દિવસ છે. ત્યારે આજે અપક્ષ ઉમેદવારોનો ધાણવો ઉતરે તેવી સંભાવના જણાય રહી છે.કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, નર્મદા, ભ‚ચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આમ કુલ ૧૯ જિલ્લાઓની ૮૯ વિધાનસભા બેઠકની સામાન્ય ચૂંટણી ૯મી ડિસેમ્બરે યોજાનાર છે. ઉમેદવારી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આજે ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખ છે. આજે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ઉમેદવારો પ્રચાર પ્રસાર માટેની વ્યૂહરચના ઘડશે ૮૯ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોએ બહોળી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી છે. જે મુખ્ય રાજકીય પક્ષો માટે શીરદર્દ સમાન બની રહ્યું છે. આફતરૂપ બને તેવા અપક્ષ ઉમેદવારોને ફોર્મ પાછુ ખેંચાવવા મુખ્ય રાજકીય પક્ષો સામ,દામ, દંડ, ભેદની નીતિ અપનાવી રહ્યા છે. રાજકોટ જિલ્લાની આઠ બેઠકોની સ્થિતિ જોઈએ તો ૬૯ રાજકોટ પશ્ર્ચિમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને શહેર કોંગ્રેસ પ્રમુખ ઈન્દ્રનીલ રાજયગૂરૂ મુખ્ય રાજકીય પક્ષ તરફથી આમને સામને છે. વધુમાં આ બેઠક પર અપક્ષ ઉમેદવારોએ પણ બહોળી સંખ્યામાં ઉમેદવારી નોંધાવી દબદબો જાળવી રાખ્યો છે. હાલ આઠેય બેઠકમાં રાજકીય માથાઓ આફતરૂપ અપક્ષ ઉમેદવારોને હટાવવા મથામણ કરી રહ્યા છે. પ્રથમ તબકકાની ૮૯ બેઠકોનું ચૂંટણી ચિત્ર બપોરે ૩ના ટકોરે સ્પષ્ટ થવા જઈ રહ્યું છે. ત્યારે લોકો તેની મીટ માંડીને બેઠા છે.
બીજા તબકકામાં અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, આણંદ, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુર મળી કુલ ૧૪ જિલ્લાની ૯૩ વિધાનસભા બેઠકોમાં ૨૦મીથી ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયાનો પ્રારંભ થઈ ચૂકયો છે.
ચાર દિવસમાં ૧૬૦ જેટલી ઉમેદવારી નોંધાઈ છે. ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ સોમવાર છે. ત્યારબાદ ૨૮મીએ ફોર્મની ચકાસણી થશે અને ૩૦મી સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે. બીજા તબકકાની ૯૩ બેઠકોની સામાન્ય ચૂંટણી ૧૪મીએ યોજાનાર છે. હાલમાં ૯૩ બેઠકોનું રાજકારણ પણ ગરમાયું છે.
રાજકોટ જીલ્લાની આઠ બેઠકોમાં ગઈકાલે વધુ ચાર ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પાછા ખેંચ્યા છે. ૬૯ રાજકોટ પશ્ર્ચિમ બેઠકના અપક્ષ ઉમેદવાર પ્રકાશભાઈ ખીમજીભાઈ ગરે ફોર્મ પરત ખેંચ્યું છે. આ ઉપરાંત જસદણ બેઠકમાં એનસીપીના ઉમેદવાર પંક્જ લાખાભાઈ વઘાસીયા અને અપક્ષ ઉમેદવાર દિલીપ વશરામભાઈ રાદડીયાએ ઉમેદવારી ફોર્મ પરત ખેંચ્યું છે. વધુમાં અગાઉ ગોંડલમાંથી પણ એક ઉમેદવારે ફોર્મ પાછુ ખેંચ્યું હતુ જયારે ૬૮ રાજકોટ પૂર્વ, ૭૦ રાજકોટ પશ્ર્ચિમ, ૭૧ રાજકોટ ગ્રામ્ય, જેતપૂર અને ધોરાજી બેઠકમાં એક પણ ફોર્મ ખાચુ ખેંચાયું નથી.