બાલમંદિરથી શરૂ કરીને પ્રાથમિક શિક્ષણ સુધી બાળકોનું ગૃહકાર્ય પ્રોજેકટ વિગેરેમાં મા-બાપ માટે કરે છે: નિશાળે તેડવા મૂકવા સાથે શાળાની વાલી મિટીંગમાં મા-બાપને ભણાવાય છે

આજથી ચાર દાયકા પહેલા બાળકો ખંત ઉત્સાહ સાથે તણાવ મૂકત વાતાવરણમાં ભણતા હતા, ત્યારે વાલીઓ કયાંય ચિત્રમાં હતા જ નહી વિકસતા વિકાસ સાથે શાળાઓનાં નવા રંગરૂપ બદલાયા ને માત્ર 3 વર્ષના ટબુકડા બાળકને શાળાએ મોકલવાનો ક્રેઝ વધ્યો ને નવા શૈક્ષણીક હાટડામાંઓ કેજી, નર્સરી, હાયર કે.જી. જેવા રૂપકડા નામોથી નીત નવા સિલેબસો પોતાની રીતે બનાવીને શિક્ષણના કહેવાતા જ્ઞાન મંદિરો શરૂ થયા રમવાની ઉંમરે મસ મોટા સ્કુલ બેગ સાથે ટબુકડૂં ઘરેથી સ્કુલ સુધી પહોચે ત્યારે બસમાં જ એક કલાકની લાંબી ઉંઘ ખેંચી લે છે. શાળાએથી આવા બાળકોને દરરોજ લેશન પણ અપાય છે. બોલો જે બાળકને પેન્સિલ પકડતા નથી આવડતી તે લેશન કેમ કરે. બસ અહીથી મોટાભાગનાં મા-બાપો સંતાનોનું કામ કરતા કરતા પોતે ભણવા માંડે છે.

education child parents 1

સરકારી નિયમ મુજબ 5 વર્ષ પૂર્ણ બાળક પૂર્ણ કરે ત્યારે ધો.1માં પ્રવેશ આપવો એવો છે. નર્સરી એલ.કે.જી. કે એચ.કે.જી. આવું કયાંય શિક્ષણ વિભાગમાં નિયમ જ નથી હા કોર્પોરેશન સંચાલિત આંગણવાડી ચાલે છે જેમાં બાળકોને જ્ઞાન ગમ્મતથી શાળા વાતાવરણ જોડવાનું કાર્ય કરાય છે. બાલ મંદિરો કે પ્લે હાઉસ હોવા જોઈએ પણ આવડા નાના બાળક માટે શાળાતો ન જ હોવી જોઈએ મા-બાપનો પણ વાંક છે, દેખાદેખીને કારણે બાળકોને મસમોટી ફિ ચૂકવીને પોતે જ મોકલે છે ને પછી પોતે જ પોતાના બાળકના ઢસરડા કરતા જોવા મળે છે.

શાળા પ્રવેશે બાળકોનાં ઈન્ટરવ્યૂની પ્રથા છે જ નહી, પરિપત્ર પણ છે છતાં પણ 3 કે 4 વર્ષના બાળકોના તથા તેના વાલીના ઈન્ટરવ્યૂ લે છે. આતે કેવી શિક્ષણ પધ્ધતી, આવડું નાનકડુ બાળક પહેલીવાર બહાર નીકળે છે. હજી કશું જ આવડતું નથી. ત્યાં અજાણ્યા વ્યકિત સામે કેમ બોલે એ તો તમો વિચારો. અહીથી શિક્ષણમાં બાળકની સાથે મા-બાપ ભણતાં જોવા મળે છે. અમૂક શિક્ષણના યુનિટોતો મા-બાપ અભણ હોય તો બાળકને પ્રવેશ આપતા નથી. આપણાં બંધારણમાં 6 થી 14 વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર છે એ તો વિચારો.

મા-બાપો દેખાદેખીમાં અંગ્રેજી માધ્યમમાં બેસાડે ને પોતાને બરોબર આવડતું નહોય ત્યાં નાનકડા બાળકનું ગજાબહારનું લેશન હોમ વર્ક-ગૃહકાર્ય કે સ્વઅધ્યનપોથી કયાંથી કરાવી શકે એટલા માટે બાળકની સાથે વાલીઓ પણ ભણવા લાગ્યા છે. જે આજના શિક્ષણની દેન છે. પહેલા તો છોકરો કયારે ભણી લેતો તે મા-બાપને ખબર જ ન પડતી શાળાઓ પણ કોઈ દિવસ વાલીઓને બોલાવતા જ નહી આ પ્રથાની તદ્ન વિરૂધ્ધ છાસવારે વાલી મીટીંગનાં ગતકડામાં બાળકની સાથે વાલી પણ ભણવા જાય છે. ઘણા વાલીઓ કહેતા પણ હોય છેકે અમારી વખતે આવું નહતુ છતા અમે ભણ્યા એ પણ વગર ખર્ચે આજે લાખોનાં ખર્ચ કરીએ તો પણ બાળકની સાથે અમારે ભણવું પડે છે.

આજની શાળાઓ અપાતા પ્રોજેકટ વર્ક સ્વાધ્યાય પોથી કે અન્ય સહ અભ્યાસિક વર્ક મા-બાપ જ કરી દેતા હોય છે. છાત્રોને આપતા ગૂરૂજ્ઞાન વાલીઓને પણ લાગુ પડવા લાગ્યા છે. આજના મા-બાપોને તેના સંતાનોની શિક્ષણ ચિંતા એટલી વધી ગઈ છે જેની કોઈ સીમા નથી. આમાં શાળા સાથે બા-બાપનો પણ છે. બાળકને મા-બાપ ઝડપથી હોશિયાર બનાવવાની હોડમાં બંનેના જીવન બરબાદ કરી નાખે છે. એટલું સારૂ શરૂ થયું કે નવી શિક્ષણ નીતિ 2020 આવતા હવે બે ધોરણ સુધી લેશન આપી શકાશે નહી સાથે પ્રારંભીક પાંચ વર્ષના તબકકામાં પ્રારંભીક બાળ શિક્ષણ અને ધો.1/2ને આવરી લેવાશે ધો.5 સુધી તમામ શિક્ષણ હવે માતૃભાષામાં જ અપાશે.

education child parents 2

દૂનિયા આટલી આગળ વધી ગઈ ત્યારે બાળકોનાં શિક્ષણ બાબતે કોઈ નકકર આયોજન થયા નથી. ઘણી શાળાઓમાં કેટલાય અનકવોલીફાઈડ સ્ટાફ બાળકોને ભણાવી રહ્યા છે. ટીચરનાં ખૂદનાં જ એટલા પ્રશ્ર્નો હોય ત્યાં તમારા બાળકને કેમ ભણાવે ધો.7 સુધીનાં બાળકોને પૂરૂ લખતા વાંચતા નથી આવડતુ ત્યાં તે લેશન કેમ કરે, પ્રશ્ર્નોના જવાબો કેમ લખે ત્યારે એ કામ મા-બાપો જ કરીને ગડબડગોટો વાળી દેતા જોવા મળે છે.

બાળકની સ્કુલ બેગ તૈયાર કરે, શાળાએ મીટીંગમાં જાય, પ્રોજેકટ વર્ક સમજે, તેડવા-મૂકવા જાય, બાળક આવે ત્યારે ટીચરની નોંધ વાચે ને તે મુજબ બાળક પાસે કામ કરાવે આવું તો ઘણુ કામ મા-બાપ જ કરતાં જોવા મળે છે. ત્યારે પ્રશ્ર્ન થાય કે બાળક ભણે છે કે મા-બાપ ? બાળકનાં રસ-રૂચી -વલણો કોઈ જોતું નથી ત્યાં બાળક મનોવિજ્ઞાનની વાત કયાં જઈને કરવી આજે તો શાળામાં ગોખણપટ્ટી ચાલી નીકળી છે. દરેક શાળાની જુદી રીતોથી મા-બાપ પણ મુંગા મોઢે સંતાનોનો વિકાસ થાય એવું માનીને ઢસરડા કરતા જોવા મળે છે.

દરેક બાળકમાં ઈશ્ર્વરે છુપી કલા કે શકિત આપેલી હોય છે એ કોઈ જોતું નથી. મા-બાપ પણ પોતાના અધૂરા સ્વપ્નો બાળકમાં જોતા હોવાથી તેને એવો બનાવવા આકાશ-પાતાળ એક કરે છે. સરવાળે બાળક અંગ્રેજી કે ગુજરાતી માધ્યમ કયાંયનું રહેતું નથી. અંગ્રેજી માધ્યમનો બાળક પોતાનું પૂરૂ નામ ગુજરાતીમાં લખી શકતો નથી. આવું શિક્ષણ શું કામનું એ પ્રશ્ર્ન ચિંતા અને ચિંતનનો વિષય છે. શિક્ષણ-શાળા સંકુલો એવા હોવા જોઈએ જેમાં બાળકને ભણવું ગમે ને તે પોતે જાતે ભણતો થાય એ પણ ઉત્સાહથી નહી કે મા-બાપને સથવારે.

આજે તો મા-બાપ બાળકનું 50 ટકા કામ કરી આપે છે. બાળકની સાથે મા-બાપ પણ ભણે છે. એવા દ્રશ્યો 21મી સદીના શાળા મંદિરોના જોવા મળે છે. બાળકના ઘરના વાતાવરણમાંથી ઘણુ બધુ શીખીને શાળાના દાદરા ચડે છે ને વર્ષો સુધી ભણ્યા બાદ ત્યાંને ત્યાં જોવા મળે તો સ્વાભાવિક પ્રશ્ર્ન થાય કે શાળા શું કરે છે. બાળકમાં રહેલી કલાને પ્રોત્સાહન મળે, ધ્યેય આધારીત પ્રગતિ કરે, શ્રેષ્ઠ નાગરિકનું ઘડતર થાય સાથે ગુણવત્તા સભર શિક્ષણ મેળવીને સંર્વાગી વિકાસ કરે એજ સાચુ શિક્ષણ કહેવાય.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.