કર્મચારીઓ લડી લેવાના મૂડમાં, સરકાર નમતું નહિ મૂકે તો અરજદારોનો મરો થઈ જશે: કલેક્ટર કચેરી બહાર કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કર્યા, મંડળના પૂર્વ પ્રમુખે હાજરી આપી કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો
મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલનો આજે બીજો દિવસ છે. વહીવટી કામગીરીની મુખ્ય કડી ગણાતા નાયબ મામલતદારો અને ક્લાર્ક સતત બે દિવસથી કામથી અળગા રહ્યા હોવાથી વહીવટી કામને ભારે અસર પહોંચી છે. આજે કલેક્ટર કચેરી ખાતે કર્મચારીઓએ બમણા ઉત્સાહ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા.
ગુજરાત રાજ્ય મહેસુલ કર્મચારી મહામંડળે ૧૭ જેટલા પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી છે. આ હળતાલમાં મહામંડળના રાજ્યભરના ૧૦ હજારથી વધુ કર્મચારીઓ જોડાયા છે. આ કર્મચારીઓ દરેક જિલ્લા કલેક્ટર કચેરીના પટાંગણમાં સુત્રોચ્ચાર અમે ધરણાના કાર્યક્રમો યોજીને વિરોધ પ્રદર્શિત કરી રહ્યા છે. રાજકોટ ખાતે પણ જિલ્લા સેવા સદનના પટાંગણમાં આજે સતત બીજા દિવસે ૩૫૦થી વધુ કર્મચારીઓએ ધરણા કર્યા હતા.અને પોતાના હક્ક માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ વેળાએ રાજકોટ જિલ્લા કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ એમ.ડી. માંજરિયાએ પધારીને સૌ કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ઉલ્લેખનીય છે કે નાયબ મામલતદાર અને ક્લાર્ક વહીવટી કામગીરીમા મુખ્ય ભૂમિકા બજાવતા હોય છે. તેઓની સતત બે દિવસથી ચાલતી હડતાલને પગલે વહીવટી કામગીરીને ભારે અસર પહોંચી છે. વધુમાં આ કર્મચારીઓ પોતાના હક્ક માટે લડી લેવાના મૂડમાં છે ત્યારે જો સરકાર નમતું નહિ મૂકે તો અરજદારોનો મરો થશે તે નક્કી છે.