મેળામાં જાહેરાત અને ઈલેકટ્રીક સ્ક્રોલના ટેન્ડરો આવતીકાલે ખુલશે
રાજકોટના સાંસ્કૃતિક લોકમેળામાં પ્લોટ અને સ્ટોલના ફોર્મ વિતરણની આજે છેલ્લી તારીખ છે. ફોર્મની કામગીરી પૂર્ણ થયા બાદ હરરાજીની પ્રક્રિયા શ‚ થશે. અત્યાર સુધીમાં કુલ ૧૧૪૮ ફોર્મ ઈસ્યુ થયા છે. જેમાંથી જૂની કલેકટર કચેરીએથી ૩૭૦ અને ઈન્ડિયન બેંકમાંથી ૭૭૮ ફોર્મનો ઉપાડ થયો છે. ગત વર્ષથી આ સંખ્યા ખુબ ઓછી છે. ગત વર્ષે ૪ હજારથી પણ વધારે ફોર્મનો ઉપાડ થયો હતો. જો કે, ચાલુ વર્ષે યાંત્રીક કેટેગરીથી હરરાજી થવાની હોવાના કારણે અરજદારોએ ગમે તે કેટેગરીમાં ફોર્મ ભર્યું હોય તમામ કેટેગરીની હરરાજીમાં ભાગ લઈ શકશે.
આ ઉપરાંત લોકમેળામાં જાહેરાત અને ઈલેકટ્રીક સ્ક્રોલના ટેન્ડર માટે પણ આવતીકાલે છેલ્લી તારીખ છે. ત્યારબાદ આજ દિવસે ટેન્ડરો ખોલવામાં પણ આવશે. દર વર્ષે યોજાતા જન્માષ્ટમીના મેળામાં ચાલુ વર્ષે પાથરણા કરી પેટીયુ ગુજારતા લોકો માટે ખાસ વ્યવસ્થા કરવાની વિચારણા ચાલી રહી છે. જેથી ‚ા.૧૦ જેવા ટોકન ભાવે તેઓ ચીજ-વસ્તુઓ વેંચી શકશે અને મેળાનો લાભ આ ગરીબ ધંધાર્થીઓને પણ મળી રહેશે. વધુમાં ચાલુ વર્ષે મેળામાં ખાણીપીણીની ગુણવત્તાના ચેકિંગ માટે વધુ ટીમોનો સમાવેશ થયો છે. આ ઉપરાંત સફાઈ કરતા સભ્યોની સંખ્યા પણ વધારવામાં આવી છે. જેથી મેળામાં આવતા લોકોને કોઈપણ જાતની મુશ્કેલી ન પડે.
લોક મેળા બાબતે વધુ નિર્ણયો આગામી લોક મેળા સમીતીની બેઠકમાં લેવામાં આવશે. આગામી સોમવારે સમીતીની બેઠક યોજાય તેવી સંભાવના છે.