પાટીદારોના એપી સેન્ટર મોરબીમાં મોદીની સભા: સોમનાથ શીશ ઝુકાવી રાહુલનો ચૂંટણી પ્રચાર
વડાપ્રધાન મોદીની જંગી જાહેરસભાઓ અને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના જંજાવતી ચૂંટણી પ્રચાર તથા પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલની સભાના કારણે સૌરાષ્ટ્રમાં ચૂંટણી માટે આજે અહમ દિવસ છે. આજે વડાપ્રધાન મોદી મોરબીમાં હજારો લોકોને સંબોધી રહ્યાં છે. ત્યારે રાહુલ ગાંધીએ પણ સોમનાથ મંદિરે શીશ ઝુકાવી સૌરાષ્ટ્રને ધમરોળવાનું શ‚ કર્યું છે.
પાટીદારોના એપી સેન્ટર મોરબીમાં વડાપ્રધાન મોદીની જાહેરસભામાં મેદની ઉમટી પડી છે. બીજી તરફ મોદીની લોકપ્રિયતા ખાટવા તેમજ તેમની સામે બાથ ભીડવા હાર્દિક પટેલે મોરબીથી ૩૨ કિ.મી.દૂર ખાખરેચીમાં રેલીની તૈયારી કરી છે. પરિણામે સૌરાષ્ટ્રમાં આજનો દિવસ ખરાખરીનો બની ગયો છે. હાર્દિકની રેલી અંગે મોરબી કલેકટરે કહ્યું છે કે, પોલીસના સુચનથી હાર્દિકની રેલી માટે મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાનના કાર્યક્રમથી રેલીનું સ્થળ ૪૦ કિ.મી. દૂર છે. સુરક્ષા માટેના પુરતા બંદોબસ્ત કરવામાં આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમીતીના સભ્યોએ કહ્યું હતું કે, કિશાન અધિકાર સંમેલનના માધ્યમથી સરકાર ઉપર હાર્દિક પ્રહારો કરશે.
વડાપ્રધાન મોદી સીવાય રાહુલ ગાંધી પણ આજથી સૌરાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટે લોકોને સંબોધશે. તેઓ સોમનાથ મહાદેવ ખાતે શીશ ઝુકાવી પ્રાચીમાં રેલી યોજી રહ્યાં છે. પાલીતાણા અને નવસારીમાં પણ મહાકાય રેલીનું આયોજન કરાયું છે. વડાપ્રધાન મોદી વિધાનસભાના ૨૫ મત ક્ષેત્રોમાં વિશાળ જાહેરસભાઓને સંબોધવાના છે. બીજી તરફ રાહુલ ગાંધી પણ હાજથી સૌરાષ્ટ્રનો બીજો પ્રચાર શ‚ કરી રહ્યાં છે.
અગાઉ રાહુલ ગાંધીએ સપ્ટેમ્બરમાં દ્વારકાથી ચોટીલા સુધીની નવસર્જન યાત્રા કરી હતી. હવે રાહુલ ગાંધી ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ, ભાવનગર સહિતના જિલ્લાઓમાં બે દિવસ સુધી લોક સંપર્ક કરશે. આ ઉપરાંત તેઓ સોમનાથ, વિસાવદર, તાલાલા, સાવરકુંડલામાં જાહેરસભાઓને સંબોધશે. ૩૦મીએ અમરેલીથી ભાવનગર રોડ-શો કરશે જેમાં લાઠી, ઢસા, ગઢડા, બોટાદ, બાવળા, વલ્લભીપુર સહિતના વિસ્તારોને આવરી લેશે.
એકંદરે આજે મોદી અને રાહુલ તેમજ હાર્દિકનો પ્રચાર પ્રસાર સૌરાષ્ટ્ર માટે અહમ બની રહેશે. આ ત્રણ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જામનગર, રાણાવાવ અને પોરબંદરમાં જાહેરસભાને સંબોધશે.