આજે શ્રાવણ વદ છઠ્ઠ રાંધણ છઠ્ઠ છે શ્રાવણ મહિનો એટલે તહેવારોનો મહિનો અને તેમા પણ જન્માષ્ટમી પુર્વે રાંધણ છઠ્ઠનો તહેવાર આવે છે. આ તહેવારમા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમા સવારથી સાંજ સુધી રસોડામાં મહિલાઓ મિષ્ઠાન સહિતની વાનગીઓ રસોઈ બનાવી અને ચુલો ઠારવાની પરંપરા નીભાવશે.
રાંધણ છઠ્ઠનો તહેવાર શિતળા સાતમને અનુલક્ષીને મનાવવામાં આવે છે. સાતમના દિવસે રસોઈ બનાવાતા નથી. આથી મહિલાઓ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવે છે.
ચુલાનું પૂજન:- રાંધણ છઠ્ઠના દિવસે બધી રસોઈ બનાવી રાત્રે ચુલો ઠારી બંધ કરી તેના પર ફુલની માળા,રૂ ના નાગલા ચુંદડી કંકુ, ચોખા, ચંદન, અબીલ ગુલાલથી પૂજન કરવું આમ ચુલાનું પૂજન કરવું.
ચુલો ઠારવાનું મુહૂર્ત:- મંગળવારે રાત્રે લાભ ચોઘડિયામાં 8.26 થી 9.52 સુધી છે.
જયોતિષની દ્રષ્ટિએ છઠ્ઠના અધિષ્ઠાતા દેવતા સૂર્ય છે. સૂર્યમા અગ્નિતત્વ રહેલ છે. રસોઈમા પણ અગ્નિ તત્વનું મહત્વ વધારે છે અને રસોઈ ઘરમા માતાજી અન્નપૂર્ણાનો વાસ છે.
આમ તહેવારોમાં રાંધણ છઠ્ઠનું મહત્વ વધારે છે. રાંધણ છઠ્ઠના દિવસે બનાવેલી વાનગી વધારે સ્વાદિષ્ટ થાય છે.
અત્યારના જમાનામા બધાના ઘરે ગેસના ચુલા આવી ગયેલા છે. પરંતુ તેનું પૂજન પણ કરી શકાય છે.
– શાસ્ત્રી રાજદીપ જોશી