પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફને સંડોવતા પનામા પેપર કેસ અંગેનો ચુકાદો પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ આજે શુક્રવારે આપશે. આ મામલાથી પાકિસ્તાનનું રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું છે.
શરીફ સામે પનામા પેપર કેસમાં જે આક્ષેપો થયા છે તેનો ફેંસલો આજે પાંચ જજની બનેલી ખંડપીઠ કરશે. ખંડપીઠના વડા જસ્ટીસ આસિફ સઇદ ખોસલા છે. ઉલ્લેખનીય છે કે ર૧મી જુલાઇએ શરીફ સામેના કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. ત્યારે પાંચ જજોની ખંડપીઠે આજની તારીખ અંતિમ ફેંસલો સંભળાવવા માટે મુકરર કરી હતી.પનામા પેપર કેસની તપાસનો અહેવાલ પાકિસ્તાનની જોઇન્ટ ઇન્વેસ્ટીગેશન ટીમે કરી છે.
ર૧મી જુલાઇએ તપાસનીશ ટીમે પાક.ની સુપ્રીમ કોર્ટમાં સબમીટ કરેલા તપાસ રીપોર્ટમાં શરીફને વડાપ્રધાનપદેથી ગેરલાયક ઠરાવવાની ભલામણ કરવામાં આવી હતી. ત્યારે ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. હવે આજે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઇ જશે. નવાઝની શરાફત ઉપર આજે પાક.ની સુપ્રીમ ફેંસલો કરશે.
ઉલ્લેખનીય છે કે પનામા પેપર લીક કેસમાં વિશ્ર્વભરની ઘણી સેલેબ્રીટીઓના નામ ચગ્યા હતા. જેમાં અમિતાભ બચ્ચન, તેમના પુત્રવધુ ઐશ્વર્યા રાયના પણ નામ હતા. પનામા પેપરે તહેલકો મચાવ્યો હતો.