એસપીએલમાં બંને ટીમો આક્રમક બેટસમેનથી ભરપુર હોય રનોનું રમખાણ થવાની સેવાતી સંભાવના
ઝાલાવાડમાં ચેતેશ્વર ઉપરાંત શેલ્ડન, પ્રેરક, સમર્થ જેવા બેટધરો તો જય ચૌહાણ, દેવાંગ, વિપુલ સહિતનાં બોલરો મેદાનમાં ઉતરશે
સોરઠમાં કપ્તાન સાગર ઉપરાંત ચિરાગ જાની, તરંગ ગોહેલ સહિતનાં ધૂંઆધાર બેટસમેનો અને ધર્મેન્દ્ર જાડેજા, ચેતન સાકરીયા સહિતનાં ધુંઆધાર બોલરો પોતાનું કૌવત દેખાડશે
આજે આક્રમક કહી શકાય તેવી ચેતેશ્વરની ઝાલાવાડ અને સાગર જોગીયાણીની સોરઠ ટીમ વચ્ચે મુકાબલો થશે. જેમાં રનોનું રમખાણ ખેલાશે તેવી સંભાવના દેખાઈ રહી છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રવાસીઓ જેની આતુરતાથી રાહ જોઈને બેઠા હતા તે સૌરાષ્ટ્ર પ્રિમીયર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ ચુકયો છે અને એક મેચ પણ રમાઈ ચુકયો છે. પ્રથમ મુકાબલામાં અર્પિત વસાવડાની આગેવાનીવાળી હાલાર હિરોઝે જયદેવ ઉનડકટની ટીમ કચ્છ વોરિયર્સને માત આપી જીતથી અભિયાનનો પ્રારંભ કર્યો છે.દરમિયાન આજે સાંજે ૭:૩૦ વાગ્યે પણ હાઈવોલ્ટેજ મુકાબલો રમવા જઈ રહ્યો છે જેમાં ચેતેશ્ર્વર પુજારાની ટીમ ઝાલાવાડ રોયલ્સ અને સાગર જોગીયાણીની સોરઠ લાયન્સની વચ્ચે કાંટે કી ટકકર થશે. બંને ટીમોની વાત કરવામાં આવે તો બન્ને આક્રમક બેટધરો, ફિરકી બોલરો, ફાસ્ટ બોલરો સહિતનાથી ભરપુર હોય મેચ સુપરડુપર થવાની પુરી સંભાવના રહેલી છે.
ઝાલાવાડ રોયલ્સમાં કેપ્ટન ચેતેશ્વર પુજારા ઉપરાંત શેલ્ડન જેકશન, પ્રેરક માંકડ, સમર્થ વ્યાસ જેવા ધમાકેદાર બેટસમેનો છે જેમણે સૌરાષ્ટ્રવતી ક્રિકેટમાં અનેક નોંધનીય ઈનિંગ રમી ટીમને જીત અપાવી છે. આ ઉપરાંત જય ચૌહાણ, સુનિલ યાદવ, દેવાંગ કરમટા, જયોત છાંયા, કિશન કુગશીયા જેવા બોલરો પણ છે જેઓ મેચનું પાસું ગમે ત્યારે પલટી નાખવાની ક્ષમતા ધરાવે છે.
આ ઉપરાંત આ ટીમમાં વિશાલ જોષી, હર્નિશ ત્રિવેદી, તરંગ છત્રોલ, કરણ પટેલ, સચિન મેવાડા, વિપુલ મકવાણા, પ્રશમ રાજદેવ, અનિરુઘ્ધ ચતુર્વેદી સહિતના ખેલાડીઓને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આટઆટલા પ્રતિભાશાળી ખેલાડી હોવાને કારણે કોચ અને ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવન નકકી કરવામાં ખાસી મહેનત કરવી પડી શકે છે.બીજી બાજુ સોરઠ લાયન્સની વાત કરવામાં આવે તો કપ્તાન સાગર જોગીયાણી ઉપરાંત ટીમમાં ચિરાગ જાની, તરંગ ગોહેલ, દિવ્યરાજ ચૌહાણ સહિતના બેટધરો છે જેમને સિનિયર ટુર્નામેન્ટ રમવાનો ખાસ્સો અનુભવ છે.
આ ઉપરાંત બોલિંગ ડિપાર્ટમેન્ટમાં ધર્મેન્દ્ર જાડેજા, ચેતન સાકરીયા સહિતના ધારદાર બોલેરો છે જે હરિફ ઝાલાવાડ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે. આ ઉપરાંત ટીમમાં દિવ્યરાજ ચૌહાણ, આર્યદેવસિંહ ઝાલા, હિમાલયા બારડ, કેવિન જીવરાજાની, દીપરાજ ચુડાસમા, પ્રણવ કારીયા, ધવલરાજ જાડેજા, પ્રભુ સિંધવ, ભવ્યેશ દોંગા, વૈભવ શેઠ, અંકિત પટેલ, સત્યજીત ગોહિલ સહિતનાં ખેલાડીઓને સમાવિષ્ટ કરાયા છે.