સુરેન્દ્રનગર ૪૪.૩, રાજકોટ ૪૪.૧, અમરેલી ૪૨.૯ અને ભાવનગર ૪૧.૪ ડિગ્રી સાથે કાળઝાળ ગરમીમાં ધગ્યા: બે દિવસ પછી હિટવેવથી થોડી રાહત મળશે
ઉતર રાજસ્થાનમાંથી ફુંકાઈ રહેલા ગરમ પવનોનાં કારણે સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે. આજે પણ રાજયભરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાં આજે સિવિયર હિટવેવની સંભાવના વ્યકત કરવામાં આવી છે. આજે પણ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીને લગોલગ પહોંચે તેવી પ્રબળ સંભાવના વ્યકત કરવામાં આવી છે.
ગઈકાલે સુરેન્દ્રનગરનું તાપમાન ૪૪.૩ ડિગ્રી, રાજકોટનું તાપમાન ૪૪.૧ ડિગ્રી, અમરેલીનું તાપમાન ૪૨.૯ ડિગ્રી, ભાવનગરનું તાપમાન ૪૧.૪ ડિગ્રી, ભુજનું તાપમાન ૪૧.૮ ડિગ્રી, કંડલા એરપોર્ટનું તાપમાન ૪૪.૮ ડિગ્રી, ગાંધીનગરનું તાપમાન ૪૪.૮ ડિગ્રી, વડોદરાનું તાપમાન ૪૦.૬ ડિગ્રી, અમદાવાદનું તાપમાન ૪૪ ડિગ્રી અને ડિસાનું તાપમાન ૪૩.૨ ડિગ્રી નોંધાયું છે. આજે પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, અમરેલી અને રાજકોટમાં આજે પણ તાપમાનનો પારો ૪૪ ડિગ્રી આસપાસ રહેશે. દરમિયાન બે દિવસ બાદ ગરમીમાં રાહત મળે તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે.