શનિવારે નાગપંચમી અને મંગળવારે શ્રીકૃષ્ણ જન્મોત્સવ મનાવાશે

તા.૧૧મી ઓગસ્ટથી જન્માષ્ટમીના પર્વોનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે બહુલા ચતુર્થી-બોળ ચોથની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને આ દિવસે વાછરડા સહિત ગાયનું પૂજન કરવામાં આવ્યુ હતું. જ્યારે કાલે નાગપંચમીની ઉજવણી કરવામાં આવશે. રવિવારે રાંધણ છઠ છે અને સોમવારે શીતળા સાતમની ઉજવણી થશે. જ્યારે મંગળવારે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આમ, આ સમગ્ર દિવસો શ્રદ્ધાળુઓ માટે ખૂબ જ આનંદમય બની રહેશે. ખાસ કરીને અનેક શ્રદ્ધાળુઓ શનિવાર-રવિવાર દરમિયાન ડાકોર, દ્વારકા, સોમનાથ વગેરે તીર્થધામોની મુલાકાત માટે પણ જશે. જ્યારે અનેક લોકો સૌરાષ્ટ્રના મેળામાં પણ ભાગ લેશે.

તા.૧૧મી ઓગસ્ટથી જન્માષ્ટમીના તહેવારોનો પ્રારંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત શુક્રવારે બહુલા ચતુર્થી-બોળ ચોથનાં રોજ વાછરડાં સહિત ગાયની પૂજન થાય છે. ભારતીય પરંપરામાં ગાયનું સવિશેષ મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. ગાયમાં ૩૩ કરોડ દેવોનો વાસ હોવાથી અનેક જન્મનાં પાપોનો નાશ થાય છે. નાગપાંચમના દિવસે નાગદેવનું સવિશેષ પૂજન કરવામાં આવે છે. આ દિવસે નાગદેવને કુલેર ધરાવવામાં આવે છે. નાગને દેવાધિદેવ મહાદેવજીનું આભૂષણ કહેવાય છે. માટે જ તેમનાં પૂજનનું પણ શ્રાવણ મહિનામાં સવિશેષ મહત્ત્વ છે અને માટે જ છત્ર શિવલિંગ ઉપર હોય છે. ખાસ કરીને રાંધણ છઠના બહેનો છ પ્રકારના રસયુક્તથી રસોઈ બનાવીને રસોઈ સ્થાને પૂજન પણ કરે છે. શ્રાવણ વદ સપ્તમીના રોજ કે જેને શીતળા સાતમ કહેવાય છે અને શીતળા માતાનું સ્મરણ કરવામાં આવે છે અને રસોઈ સ્થાને અગ્નિ પ્રદીપ્ત કરી શકાતો નથી. તેમણે કહ્યું કે જ્યારે જન્માષ્ટમીના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. આ દિવસે મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કીનો જયઘોષ થશે. સાથે જ મટકી ફોડ, શોભાયાત્રા સહિતનું આયોજન થશે. જ્યારે સાેમવારે તા.૧૪મી શ્રાવણનો સોમવાર આવી રહ્યો છે ત્યારે આ દિવસે પણ મહાદેવજીની કૃપા મેળવવા માટે ઓમ્ નમ: શિવાયના જાપ સાથે શિવાલયમાં જઈને જળાભિષેક કરવો જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.