શાંતિનો સુરજ ઉગશે!!!
ગત લાંબા સમયથી ભારત અને ચીનનો સરહદી પ્રશ્ન ખુબ મોટુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતો જાય છે ત્યારે આ પ્રશ્નને લઈ ભારત અને ચીન બન્નેની સરકારે ચીંતીત છે. તેવા સમયમાં રશિયા ભારત અને ચીનના સરહદી પ્રશ્ર્નોમાં મધ્યસ્થિ કરવા આગળ આવ્યું છે. જેના ભાગરૂપે આજે એસસીઓની બેઠક મોસ્કોમાં યોજાનારી છે. જેમાં ભારત અને ચીન બન્નેના વિદેશ મંત્રીઓ હાજર રહેનાર છે. આ બેઠકમાં ભારત-ચીન સરહદી પ્રશ્ન અંગે રશિયાની મધ્યસ્થીથી મહત્વપૂર્ણ નિર્ણય આવશે તેવી પ્રબળ શકયતાઓ સેવાઈ રહી છે.
હાલના તબક્કે જે પ્રમાણે બેઠક અંગે વાતચીત થઈ રહી છે તે પ્રમાણે ભારત અને ચાઈના બન્ને સરહદી વિસ્તારોમાંથી સૈન્યને પાછુ ખસેડે તેવું લાગી રહ્યું છે. ભારતીય વિદેશ પ્રધાન એસ.જયશંકર અને ચાઈનીઝ વિદેશ પ્રધાન વાંગ યીની મોસ્કો ખાતે આજે મીટીંગ યોજાનારી છે. જો કે, સુત્રો અનુસાર જે વાત સામે આવી રહી છે. તે મુજબ ચાઈનાએ ભારત અને ચીનની બેઠક અંગે કોઈ નિવેદન નથી આપ્યું તેવું વાંગ યીએ કહ્યું છે.
ચાઈના હાલ સુધી એક જ રટણ કરીને બેઠુ છે કે, ભારત સતત એલએસી ખાતે ગોળીબારી કરી ઘુસણખોરી કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ભારતે પેંગોગ તળાવના સરહદી વિસ્તારમાં સતત ફાયરીંગ ચાલુ રાખ્યું છે. જેના કારણે અમે પણ અમારી સેનાને તૈયાર કરી રહ્યાં છીએ. આજની ભારત-ચાઈનાની બેઠકમાં રશિયાના વિદેશ પ્રધાન સેરજી લેવરોન મધ્યથી કરશે અને બેઠક પૂર્વે જ ભારત અને રશિયાના વિદેશ પ્રધાનો સાથે બપોરનું જમવાનું લેશે જેથી અગાઉથી રણનીતિ ઘડી કાઢવામાં આવે તો નવાઈ નહીં.
મહત્વપૂર્ણ બાબત છે કે જે રીતે હાલ રશિયાના વિદેશ પ્રધાન એવું કહી રહ્યાં છે કે, અમે ભારત-ચાઈનાની બેઠક અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પરંતુ અગાઉ ચાઈનાએ જ બેઠક અંગે ભલામણ કરી હતી. જેનો મહત્વપૂર્ણ સાક્ષી રશિયા રહ્યું છે જેથી ફલીત થાય છે કે, ચાઈના પણ ભારત સાથે બેઠક યોજી વાતચીતથી મામલો થાળે પાડવા ઈચ્છતું હોય જેથી આ બેઠક ભારત-ચાઈનાના સરહદી પ્રશ્ર્નો માટે ખુબ મહત્વપૂર્ણ રહેશે. મામલામાં રશિયાએ મધ્યસ્થી કરતા કહ્યું હતું કે, જો ભારત-ચીન વાતચીતથી તેમના પ્રશ્ર્નો ઉકેલે તો સારામાં સારી બાબત રહેશે. પરંતુ જો વાતચીતથી નિવેડો નહીં આવે તો રશિયા હરહંમેશ માટે ભારતની પડખે ઉભુ રહેશે.
ભારત અને ચાઈનાના વિદેશ પ્રધાનોની બેઠકમાં બે પ્રકારના નિર્ણયો આવવાની શકયતા છે. વાતચીત સ્વરૂપે જો વાટાઘાટો કરીને સુખદ રીતે સમસ્યાનું નિરાકરણ આવશે તો બન્ને દેશો માટે હિતાવહ સાબીત થશે. અન્યથા તો યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થઈ શકે છે. જેથી ઈન્ડિયા અને ચાઈના તેમજ રશિયા ત્રણેયનો એજ પ્રયાસ રહેશે કે, આ બેઠકમાં ભારત-ચીન સરહદી પ્રશ્ર્નોનો સુખદ અંત આવે.
કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહો: ભારતીય સેનાનું આહ્વાન
જે રીતે આજે મોસ્કો ખાતે ભારત-ચીનના વિદેશ પ્રધાનોની બેઠક યોજાવા જઈ રહી છે. તેમાં જે નિર્ણય આવશે તે બન્ને દેશ માટે નિર્ણાયક સાબિત થશે. જો સુખદ અંત આવે તો બન્ને દેશોના સૈન્ય પીછેહટ કરશે અને જો વાતચીતથી અંત નહીં આવે તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર થવાની પણ શકયતા રહેલી છે. જેથી ભારતીય સેનાએ ભારત-ચીન સરહદ પર તૈનાત સૈનિકોને આહવાન આપતા કહ્યું છે કે, કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેશે. આગામી ૨૪ કલાકમાં કંઈ પણ થઈ શકે છે. સાથો સાથ સેનાએ એવું પણ આહવાન આપ્યું છે કે, સરહદી વિસ્તારોમાં અનુશાસન લાવવાની પણ જરૂરીયાત છે. ભારતીય સેના કોઈપણ ભોગે અનુશાસન ભંગ કરશે નહીં.