- આજથી ચાર દાયકા પહેલા માનવી પોતાની સરળ જીવનશૈલીમાં તાણ વગર આનંદીત જીવન જીવતો હતો: રહન-સહન સાથે સામાજીક જીવન અને સાત્વીક આહારથી તંદુરસ્તી સારી રહેતી હતી
- બદલાયેલા નવા યુગ સાથે 21મી સદીની લાઇફ સ્ટાઇલે માનવીના જીવનમાં ઘણું નુકશાન કર્યું છે: આજે માનવી-માનવી સાથે નહી પણ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ સાથે વધુ એડજસ્ટ થઇને આનંદ લઇ રહ્યો છે
આજથી ચાર દાયકા પહેલાની જીવનશૈલી ઘણી સારી હતી તેમ આજના યુગમાં સિનિયરો અને ઘણા લોકો કહી રહ્યા છે. પહેલાની જીવનશૈલીમાં માનવી પરિવાર સાથે અને માનવ સમુદાય સાથે પુરતો સમય આપીને હળી-મળીને ટ્રેસમુક્ત જીવન આનંદથી જીવતો હતો. ટીવી-મોબાઇલ કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ વગર ખુશખુશાલ જીવન જીવી રહ્યો હતો. આ ગાળામાં દરેક માનવીની જીવનશૈલી એટલી સરળ હતી સાથે જરૂરિયાત ઓછી હોવાથી મુશ્કેલી વગર ઓછી આવકમાં પણ મસ્ત-મસ્ત ફકીરી જેવું જીવન જીવતો હતો. એ ગાળાનું સામાજીક જીવન સૌથી શ્રેષ્ઠ હોવાથી અને સાત્વિક ખોરાક માનવી લેતો હોવાથી રોગો સો ગાવ દૂર રહેતા હતા.
બદલાયેલા વિકાસના પગલે માનવી તેની દોડવા લાગતા અને વિદેશી કલ્ચરનું આંધણું અનુકરણ કરતો થયો. નવા યુગની તમામ ભૌતિક સુખ-સગવડો માણવા તે લલચાવા લાગતા, દેખા-દેખીને કારણે તે દેણા કરીને પણ પોતાનો માભો બતાવવામાં જીવનનો આનંદ ગુમાવી બેઠો છે. દિવસ-રાત પૈસા પાછળની દોટમાં ટ્રેસવાળું જીવન અને પરિવારો સાથેના સંબંધો વિનાનું જીવન તેને આ તમામ સુવિધા વચ્ચે એકલો પાડી દીધો છે. આજે માનવીએ પોતાની જીવનશૈલી બદલીને પોતાના પગ પર કુહાડો માર્યો છે.
આજનો માનવી સમજતો હોવા છતા પ્રવર્તનમાન લાઇફ સ્ટાઇલમાં જીવવા લોન-દેણા કે અન્ય કોઇપણ રીતે તે ભોગવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. નાના કે મોટા આજે સૌ કોઇ ગેઝેટ્સ સાથે એડજસ્ટ થયા છે, જુના પરિવાર સાથેના જીવન જેવું આજે કોઇને ગમતું નથી. સુવા-ઉઠવાની ક્રિયામાં ધરખમ ફેરફારો કરતાં પેટના રોગો, કબજીયાત સાથે ઘણી શારીરીક સમસ્યાનો શિકાર બની ગયો છે. સૌથી વધુ ફેરફાર ખાન-પાનમાં કરતાં બીપી, ડાયાબીટીસ, કેન્સર, હાર્ટએટેક જેવા વિવિધ રોગોને માનવીએ સામેથી આમંત્રણ આપ્યું છે.
આજનું બાળક કે મોટા મહેમાન આવે કે સારા-માઠા પ્રસંગોમાં પરિવાર સાથે એડજસ્ટ થઇ શકતો નથી પણ મોબાઇલ સાથે તે સંપૂર્ણ એડજસ્ટ થઇને સમય વ્યતિત કરે છે. જંકફૂડનું દૂષણ આજે બાળકોમાં એટલું બધુ વધી ગયું છે કે ઘરના રોટલા ભાવતા નથી. વધુ મોબાઇલ વપરાશ સાથે સોશિયલ મીડિયામાં રચ્યા-પચ્યા રહેતા વિદ્યાર્થીઓમાં દર 100માંથી 33 છાત્રોને આજ કારણે ચશ્માના નંબર આવી ગયા છે, જો કે તેમાં લીલા શાકભાજી ખાવાનો અભાવ પણ કારણભૂત ગણાય છે. હાલના યુગમાં માનવી પોતાના જાતે મશીન બની ગયો છે, માતા-પિતાને કારણે તેને જોઇને તેના સંતાનોએ પણ આજ રાહ પકડી છે.
પહેલા માનવી નિયત સમય મર્યાદામાં કામ કરીને જે મળે તેમાં સંતોષ માનતો હોવાથી હાર્ટની ટ્રબલ જોવા મળતી ન હતી, આજે એથી સાવ ઉલ્ટી જીંદગી જીવતા લોકો જીવન પ્રત્યે સતત અસંતોષને કારણે નાની વયે જ તેનો શિકાર બની જાય છે. આજના યુગમાં 100માંથી 70 વ્યક્તિને કંઇકને કંઇક શારીરીક મુશ્કેલીઓ હોય જ છે જે આજની લાઇફ સ્ટાઇલ અને ખોરાકને કારણે જોવા મળે છે. સંયુક્ત કુટુંબની મજા સાવ નિરાળી હતી, થોડામાં ઘણું કહેવતને સાર્થક કરીને માનવી જીવન શ્રેષ્ઠ પળ સાથે વર્તમાનની તમામ ક્ષણો, તહેવારો, પ્રસંગો જેવા વિવિધ અવસરો માણતો હતો જે આજે ક્યાંય જોવા મળતું જ નથી, આજે લોકોના ચહેરા ઉપર હાસ્ય જ જોવા મળતું નથી.
આજના યુગમાં લોકોની જરૂરીયાતો વધતા તે દુ:ખી થયો છે. એકવાત નક્કી છે કે જેટલી ઓછી જરૂરીયાત તેટલું જીવન સરળ અને સુખી. આજના ઇન્ફરમેશન ટેકનોલોજીના શોધકથી માનવીની ભલાઇ અને સરળતા માટે જે શોધ થઇ તેનો આપણે અતિરેક સાથે તેને આદી જીવન બનાવી દેતા સૌથી વધુ નુકશાન આપણને જ થયું છે. આજે તો હવે માનવી પોતે જાતે સમજે તો જ આ ચુંગલમાંથી બહાર નીકળી શકશે. પહેલાની પેઢી કરતા આજની ડીઝીટલ યુગની પેઢી પુરપાટ મુશ્કેલી માર્ગ પર દોડી રહી છે જે પોતાને પણ ખબર નથી.
આજના યુગની પેઢીને ભણેલા-ગણેલા મા-બાપો મળ્યા હોવા છતાં તેનામાં સ્વછંદીપણુ, ગુસ્સો, વિદેશી સંસ્કૃતિની અસર, જેન્ડર બાયસ જેવા અનેક ખરાબ પાસા જોવા મળી રહ્યા છે, એનું એકમાત્ર કારણ વડીલોના અંકુશ વગરનું તેમનું જીવન છે જે આડે પાટે ચડી રહ્યું છે. આજના સંતાનો મા-બાપ સાથે તાલ-મેલ મિલાવી શકતા જ નથી. ગુગલ, મોબાઇલ, ઇન્ટરનેટ અને વિવિધ એપને કારણે લોકોના દિમાગ તેજ થયા હશે પણ તેનું સામાજીક જીવન તો શુન્ય થઇ ગયું છે. આજે બધાને મોજમજા વાળી જીંદગી ગમે છે અને જીવવી પણ છે. સૌથી મહત્વનો સાથી પરિવાર કે મા-બાપ કે ભાઇ-બહેન નહી પણ ‘મોબાઇલ’ છે.
માત્ર પાંચ દાયકામાં આજનો યુગ જે આપણે સૌ જીવી રહ્યા તેમાં જો આ દશા હોય તો આગામી દશકા પછીનું વાતાવરણ કે જીવનશૈલી કેવી હશે તેની કલ્પના પણ ધ્રુજારી લાવે છે. પહેલા બાળ ગુનેગારો હતા જ નહી આજે તો નાની ઉંમરના બાળ ગુનેગારોથી તેના સ્પેશિયલ હોમ ઉભરાય રહ્યા છે જેની પાછળ આજની જીવનશૈલી જ જવાબદાર છે. આજના સંતાનો મા-બાપના કહ્યામાં જ નથી હોતા ત્યારે મા-બાપોને જુના દિવસો યાદ આવતા તે રડી પડે છે.
પહેલા છોકરાને ધોકાવી નાંખતા જે આજના યુગમાં લાડ-પ્યારને કારણે મા-બાપ ન કરતાં હોવાથી પોતે જ પોતાના સંતાનનું જીવન બગાડી રહ્યા છે.
જાણિતા કવિ પ્રદિપના ગીતના શબ્દો ‘દેખ તેરે સંસાર કી હાલત, કિતના બદલ ગયા ઇન્સાન’ યાદ આવે છે. જુનો જમાનો ગોલ્ડન જ હતો. કંઇ સુવિધા ન હતી પણ તે અસુવિધા વચ્ચે પણ માનવી સુખી હતો, સંતાનો સુખી હતા ને પરિવાર પણ સુખી હતો.
જુના વિચારો, વ્યવસ્થા અને લોકોના સ્વભાવ સામે આજનો યુવા વર્ગ ફીટ બેસી શકતો નથી !!
આજે પહેલા કરતાં ઘણું સારૂ છે, શિક્ષણનો વ્યાપ વધ્યો છે પણ ગણતર વગરનું ભણતર છે એ નક્કી. આજે ભૌતિક સુખ-સગવડો વચ્ચે માનવી એકલો પડી ગયો છે. માનવીના ડગલેને પગલે સોશિયલ મીડીયાના અતિરેકે પગ પેસારો કરતાં માનવી માનસિક અને સામાજીક બન્ને રીતે ખલાસ થઇ ગયો છે. લાગણીઓ અને સંબંધો ભૂલીને માનવ પોતે જ પોતાનાથી દૂર થઇને એક મશીન બની ગયો છે.
પહેલાના જમાનાની રમતો આજે લુપ્ત થઇ ગઇ છે. આજે તો નાના ટબૂકડાથી શરૂ કરીને યુવા વર્ગોને મા-બાપ બધા જ સોશિયલ મીડીયાના વ્યસની બની ગયા છે. આજના હૃદ્ય રોગીઓનું પ્રમાણ વધવાના કારણોમાં આજની જીવનશૈલીએ મહત્વનો ભાગ ભજવ્યો છે. અત્યારનો સમય સાવધ રહેવાનો છે. વોટ્સએપ કે અન્ય માધ્યમો દ્વારા અશ્લીલ વીડિયો, જોક્સ અને ગંદા સાહિત્યનો પ્રસાર કરીને લાખો યુવાનોના જીવન બરબાદ કરી રહ્યા છે. આજે કોઇ સોશિયલ મીડિયા ન વાપરતું હોય તો લોકોને તેને ગમાર કે પથ્થર યુગનો ગણે છે. આજની જીવનશૈલીમાં લાઇક, વ્યૂ અને શેર-ફોલોનું મહત્વ વિશેષ છે. આ બધી કુટેવોને કારણે આવનારા દિવસોમાં આ સંદર્ભેના વિવિધ રોગો વકરશે. જેમાં બાળકો, છાત્રો, યુવાવર્ગ જેવાને સીધી અસર થશે. આજે સમજુ લોકો કહે છે કે “કોઇ લૌટા દે…..મેરે બીતે હુએ દિન”