માત્ર ૧૬ વર્ષેની વયે ભારતીય ટીમમાં સામેલ થઇ જનાર સચિન તેંડુલકર  બે દાયકાથી પણ વધારે સમય ક્રિકેટ વિશ્વના મેદાનમાં રાજ કર્યું

એક સમયે તો શેન વોર્ને કહ્યું કે સચિન મને સપનામાં આવે છે

સચિન તેંદુલકર વિશે કોણ નથી જાણતું? પરંતુ આવા મહાન ખેલાડી વિશે જેટલું જાણીએ તેટલું ઓછું છે બરોબરને? સચિનનું વ્યક્તિત્વ જે એટલું વિશાળકાય છે અને તેની ૨૪ વર્ષોમાં ફેલાયેલી લાંબી કારકિર્દીની એટલી બધી વાતો અને હકીકતો છે કે ઘણીવાર એનાં વિશે જાણવાનું રહી પણ જાય એવું પણ બને.  આજે સચિન વિશે એ તમામ જરૂરી માહિતીનો ખજાનો લઈને આવ્યું છે, જેના વિશે આપણને કાયમ ઉત્સુકતા રહેતી હોય છે, તો ચાલો આજે મન ભરીને માણીએ આપણા તેંડલ્યા ને!

M Id 438014 Sachin Tendulkar૨૪ એપ્રિલ, ૧૯૭૩ના દિવસે મધ્યમવર્ગીય મહારાષ્ટ્રીયન પરિવારમાં જન્મેલા સચિન તેંદુલકરના પિતા રમેશ તેંદુલકર એક જાણીતા લેખક હતાં અને માતા રજની તેંદુલકર એક ઇન્શ્યોરન્સ કંપની સાથે જોડાયેલા હતા. પિતા રમેશ તેંદુલકરે સચિનનું નામ તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનની યાદગીરીમાં રાખ્યું હતું. સચિનને ત્રણ ઓરમાન ભાઈ-બહેન છે. નીતિન, અજીત અને સવિતા. મુંબઈના બાંદ્રા ઇસ્ટના સાહિત્ય સહવાસ કો-ઓપ હાઉસિંગ સોસાયટીમાં સચિનનું બાળપણ વીત્યું હતું.

image 20121226091513સચિનને ક્રિકેટ સાથે ઓળખાણ તેના ભાઈ અજીતે કરાવી હતી. ૧૯૮૪માં શિવાજી પાર્ક દાદરમાં કોચ રમાકાંત આચરેકરની નિશ્રામાં સચિનને ક્રિકેટ શીખવા માટે મૂકવામાં આવ્યો. સચિનમાં રહેલી પ્રતિભાથી પ્રભાવિત થયેલા આચરેકરે અજીત તેંદુલકરને સચિનને શારદાશ્રમ વિદ્યા મંદિરમાં મૂકવાનું કહ્યું, કારણ કે આ સ્કૂલમાં ક્રિકેટ તરફ વિશેષ ધ્યાન આપવામાં આવતું હતું. કોચ આચરેકર સચિનને નેટમાં સખત પરિશ્રમ કરાવતા અને જ્યારે એમ લાગતું કે સચિન થાકી ગયો છે, ત્યારે તે બોલરોને સ્ટમ્પ ઉપર મૂકેલા એક રૂપિયાના સિક્કાને ઉડાવીને સચિનને આઉટ કરવાનું કહેતાં, જો બોલરો આમ કરવામાં નિષ્ફળ જાય તો એ સિક્કો સચિન પોતાને ઘરે લઇ જતો. કહેવાય છે કે સચિન પાસે આવાં ૧૩ સિક્કાઓ છે.

Sachin 1508319783402આ જ શારદાશ્રમ સ્કૂલ તરફથી રમતા સચિને વિનોદ કાંબલી સાથે મળીને હેરીસ શિલ્ડ ઇન્ટર સ્કૂલ મેચમાં સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલ સામે ૧૯૮૮માં ૬૬૪ રનની રેકોર્ડ પાર્ટનરશિપ બનાવી હતી. આ પાર્ટનરશિપમાં સચિને એકલાએ નોટ આઉટ રહીને ૩૨૬ રન બનાવ્યા હતા. આ રેકોર્ડ છેક ૨૦૦૬ની સાલ સુધી અકબંધ રહ્યો હતો. આ પાર્ટનરશિપે કેટલાંય લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જો કે ૧૯૮૭-૮૮ની રણજી સિઝનમાં સચિનને મુંબઈની ટીમમાં સિલેક્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ આ આખીએ સિઝનમાં તેને એક પણ મેચ રમવા મળી ન હતી, પરંતુ ત્યાર પછીના વર્ષે ૧૧ ડિસેમ્બર ૧૯૮૮ના દિવસે સચિને ગુજરાત સામે ફર્સ્ટક્લાસ ડેબ્યુ કર્યો હતો અને આ મેચમાં સેંચુરી પણ બનાવી હતી. ત્યાર પછી તો રણજી ટ્રોફી હોય કે દુલીપ ટ્રોફી કે પછી દેવધર ટ્રોફી સચિન એક પછી એક સેંચુરીઓ બનાવવા લાગ્યો અને ભારતીય સિલેક્ટરોનું ધ્યાન સતત તેની તરફ આકર્ષતો રહ્યો.

IndiaTv6a6eb4 sachinઆમ તો સચિન પોતાની પહેલી ટેસ્ટ સિરીઝ વેસ્ટ ઇન્ડિઝ સામે રમત, પરંતુ ભારતીય સિલેક્ટરો એ તે સમયે સારી એવી ધાર ધરાવતી વેસ્ટ ઇન્ડિયન બોલિંગ સામે સચિનને રમાડવાનું યોગ્ય ન માન્યું, પરંતુ એ જ વર્ષે પાકિસ્તાન સામે માત્ર ૧૬ વર્ષ અને ૨૦૫ િદવસની ઉંમરે સચિને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ કરાચી ખાતે રમી. ઇમરાન ખાન, વસીમ અકરમ અને વકાર યુનિસ (તેની પણ આ ડેબ્યુ સિરીઝ હતી) જેવા બોલરો ધરાવતી પાકિસ્તાની બોલિંગ સામે સચિન જાજુ કશું કરી ન શક્યો, પરંતુ તેનામાં રહેલી ટેલેન્ટનો તમામને ખ્યાલ જરૂર આવી ગયો હતો.

પેશાવર ખાતે એક પ્રદર્શન મેચમાં સચિને માત્ર ૧૮ દડામાં ૫૩ રન બનાવ્યા હતા, જેમાં અબ્દુલ કાદિરની એક ઓવરમાં તેણે ચાર સિક્સર અને એક ફોર મારીને ૨૮ રન બનાવ્યા હતા. કાદિરે પોતે આ મેચ બાદ સચિનના વખાણ કર્યા હતાં. ત્યાર બાદ ન્યુઝિલેન્ડમાં રમાયેલી સિરીઝમાં પણ સચિનનો દેખાવ સામાન્ય રહ્યો હતો, પરંતુ તેણે સિલેક્ટરોનો વિશ્વાસ બિલકુલ ગુમાવ્યો ન હતો. ઓલ્ડ ટ્રેફોર્ડ માન્ચેસ્ટરમાં ઇંગ્લેન્ડ સામે રમતા ૧૪ ઓગસ્ટ ૧૯૯૦ના દિવસે સચિને તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય સેંચુરી બનાવી અને આમ કરતાં તે સદી બનાવવાનાં મામલામાં વિશ્વનો તે સમયનો સહુથી નાની ઉંમરનો ક્રિકેટર બની ગયો હતો. બસ, સચિનની ખરેખરી સફર અહીંથી શરૂ થઇ.

જે અવિરતપણે કુલ ૨૪ વર્ષ ચાલુ રહી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સચિને કુલ ૩૪,૩૫૭ રનનો પહાડ ખડો કરી દીધો. માન્ચેસ્ટર ટેસ્ટ પછી સચિને બીજી ૯૯ આંતરરાષ્ટ્રીય સદીઓ પોતાનાં ખાતામાં જમા કરાવી જે એક એવો રેકોર્ડ છે, જે કદાચ ક્યારેય નહીં તૂટે. આટલું ઓછું હોય તેમ સચિન વન-ડે ક્રિકેટમાં બેવડી સદી બનાવનાર પ્રથમ ક્રિકેટર બન્યો હતો.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.