કાયદા અને દ્વિપક્ષીય કરારનો અનાદર, અનફેર લેબર પ્રેક્ટિસમાં સતત વધારો, કથળતી સ્થિતિ સહિતના મુદ્દે હડતાલનું એલાન અપાયું હતું, યુનિયનની સરકાર સાથે બેઠક સફળ રહેતા હડતાલ પાછી ખેંચાઈ
ખાનગી અને જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા કર્મચારીઓની આડેધડ કરવામાં આવી રહેલી છટણી, આઉટસોર્સિંગથી કર્મચારીઓને હાયર કરવાની કરાઈ રહેલી પ્રવૃત્તિ, કર્મચારીઓની આડેધડ કરવામાં આવી રહેલી બદલીઓના વિરોધમાં આજે બેંક હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું.જો કે ખાનગી બેન્કોના કર્મચારીઓ અને મેનેજમેન્ટ વચ્ચે ગઈકાલે મળેલી બેઠકમાં સમાધાન થતાં આજે એટલે કે શનિવાર 19મી નવેમ્બરે હડતાલ ન પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેંકોમાં ઔધોગિક સંબંધિત બાબતોની કથળતી હાલત અને દેશના કાયદા અને દ્વિપક્ષીય કરારનો અનાદર ,અનફેર લેબર પ્રેક્ટિસમાં સતત વધારો જેવા અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઓલ ઈન્ડિયા બેન્ક એમ્પ્લોયર એસોસિયેશન દ્વારા રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળનું એલાન કરવામાં આવ્યું હતું. પરંતુ દિલ્હીમાં સેન્ટ્રલ લેબર કમિશનરે બેન્ક યુનિયનોની બેઠક બોલાવીને આ મુદ્દે ચર્ચા કરી હતી.
બેન્ક યુનિયનોએ ઊભા કરેલા દરેક મુદ્દા અંગે શ્રમ આયુક્તની કચેરીએ સહમત થઈ હતી. તેથી બેન્ક કર્મચારીઓ યુનિયનો હડતાલ પાછી ખેંચવા તૈયાર થયા છે. બેન્ક ઓફ મહારાષ્ટ્રના મેનેજમેન્ટો ટ્રેડ યુનિયન એક્ટ 1926નો ભંગ કરીને કર્મચારી યુનિયન સાથે ચર્ચા કરવાની ધરાર ના પાડી દીધી હતી. બેન્કમાં યુનિયનને આપવામાં આવેલી જગ્યા પણ ખાલી કરાવવામાં આવી રહી છે.કરન્સી ચેસ્ટની કામગીરી આઉટ સોર્સ કરવાની તૈયારી કરવામાં આવી રહી હોવાની માહિતી મળતા કર્મચારી યુનિયનોએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો. છતાં બેન્કો આ બાબતે ટસની મસ ન થતી હોવાથી હડલાત પાડવાની ફરજ પડી હોવાનું મહાગુજરાત બેન્ક એમ્પ્લોયી એસોસિયેશનના જનક રાવલે જણાવ્યું હતું.