ભારતીય ફિલ્મ જગતના ઇતિહાસમા અનેક અભિનેતાઓ આવ્યા… પ્રસિધ્ધી પણ મેળવી… લોક પ્રિય પણ થયા, કોઇને એવરગ્રીન તો કોઇને સદાબાહાર તો કોઇને સુપરસ્ટારનુ બિરૂદ મળ્યુ.પરંતુ સદીના મહાનાયકનુ બિરૂદ તો અમિતાભજીને મળ્યુ જે આજે પણ યથાવત છે. ફિલ્મ જગતમા આશરે છેલ્લા ૪૮વર્ષથી એમનો દબદબો યથાવત જણાય છે.
૧૧ મી ઓકટોબર ૧૯૪૨ના રોજ સાંજે ઉત્તર પ્રદેશના ઇલ્હાબાદ ખાતે અમિતાભનો જન્મ… પિતાનુ નામ હરિવંશ રાય, કે જેઓ હિન્દી જગતમા મશહુર કવિ હતા. જયારે માતાનુ નામ તેજી બચ્ચન. જયારે નાના ભાઇનુ નામ અજીતાભ બચ્ચન
”અમિતાભ” નો અર્થ થાય છે એક એવો પ્રકાશ જે કયારેય ઓલવાશે નહી. અને જાણે આ અર્થ સાચો સાબિત થઇ રહ્યો છે… આમ તો એમની અટક શ્રીવાસ્તવ છે. પરંતુ તેમના પિતાની કવિતાઓ પ્રકાશીત કરનારાઓ એ આપેલ ઉપનામ ”બચ્ચન”ને જ અટક તરીકે લખાવી અને આજેપણ તેઓ અને તેમનો પરીવાર બચ્ચન પરીવાર તરીકે જ ઓળખાય છે.
અમિતાભ ભણવામાં પ્રારંભ થીજ હોશિયાર હતા. નૈનીતાલની શેરવુડ કોલેજ પછી આગળનો અભ્યાસ દિલ્હીની કીરોરીમલ કોલેજ થી કર્યો, અને એમ.એ.ની પદવી મેળવી.
અભ્યાસ બાસ તેમણે કલકત્તાની હિલ્જર્સ નામની કંપનીમાં કામ શરૂ કર્યુ. અહિં એમનો માસીક પગાર હતો રૂ.૫૦૦ હતો. નોકરીની સાથે સાથે તેમનો થીયેટરનો તેમજ રંગભુમિનો શોખ પણ ચાલુજ હતો. ૧૯૬૫ના વર્ષમા એમચર્સ નામની નાટક કંપનીમાં જોડાયા. અને અહી વિવિધ ભુમિકાઓ ભજવી… સમય આગળ ધપતો ગયો અને એમનો અભિનય પણ ધારદાર બનતો ગયો. અંદરનો કલાકાર જીવ કાંઇક અલગ જ કહેવા લાગ્યો. અને અમિતાભે નિર્ણય લીધો ફિલ્મ લાઇનમા ઝપલાવવાનો.
૧૯૬૮માં અમિતાભે કલકત્તાને અલવિદા કરી મુંબઇ પહોંચ્યા. અને શરૂ થયો ખરો સંઘર્ષ… એક દુબળો, પતલો અને લાંબો છોકરો શું કરી શકશે…? એમના અવાજ ને પણ રીજેકટ કરાયો હતો. કેટલા કે તો તેમને સલાહ પણ આપી કે ઘરે પરત ફરી જા… ખુદ અમિતાભ પણ હિંમત હારી રહ્યા હતા.
આ દરમ્યાન ખ્વાજા અહમદ અબ્બાસ સાહેબ ”સાત હિન્દુસ્તાની” ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા હતા. એમને અમિતાભે પોતાના ફોટા મોકલાવ્યા. મથામણ બાદ આખરે અમિતાભની પસંદગી થઇ અને તેમને મુશ્લીમ યુવકનો રોલ મળ્યો, આ ફિલ્મના મહેનતાણા રૂપે અમિતાભને મળ્યા રૂ.૫૦૦૦…! ફિલ્મ ”સાત હિન્દુસ્તાની” રિલીઝ થઇ અને જેમા મિનાકુમારી સહિતના કલાકારોએ અમિતાભના અભિનય ને વખાણ્યો. પરંતુ હજુ અમિતાભનો સંઘર્ષ પુરો થયો ન હતો.
ત્યાર બાદ કેટલીક ફિલ્મો મા અમિતાભ ને તક મળી પરંતુ તે ફિલ્મો ખાસ સફળ ના થઇ શકી. આ દરમ્યાન ૧૯૭૩મા ફિલ્મ નિર્માતા પ્રકાશ મહેરાએ પોતાની ફિલ્મ જંજીરમાં ઇન્સ્પેકટર વિજય ખન્નાની ભુમિકાનો રોલ આપ્યો…
”યે પુલિસ સ્ટેશન હૈ તુમ્હારે બાપ કા ઘર નહી” અમિતાભ છવાઇ ગયા, આ ફિલ્મ થી અમિતાભના જીવનમા એક વળાંક આવ્યો… એક પછી એક હીટ ફિલ્મો આપવા લાગ્યા… કોઇ પણ રોલ હોય… કોઇપણ અભિનેત્રી હોય બોક્ષ ઓફિસમા અમિતાભનુ નામ ગુંજવા લાગ્યું. એટલુજ નહિ લોકો તેમને વન મેન ઇન્ડસ્ટ્રીઝ કહેવા લાગ્યા.
જંજીર ફિલ્મની અભિનેત્રી જયા ભાદુરી સાથે ૩મી જુન ૧૯૭૩ના રોજ બંગાળી વિધી વિધાન અનુસાર લગ્ન ગ્રંથી થી જોડાઇ દાંમપત્ય જીવનની શરૂઆત કરી. એટલું જ નહીં બન્ને એ સાથે અભિનય કરી ઘણી હીટ ફિલ્મો પણ આપી. અમિતાભ અને જયાના દાંમપત્ય જીવનમાં અભિષેક નામે પુત્ર અને શ્વેતા નામે પુત્રી પ્રાપ્ત થયેલ છે.
સફળતાના આ દોર વચ્ચે એક દશકા બાદ ફરી આવ્યો વળાંક ૨૬ મી જુલાઇ ૧૯૮૨ના રોજ ફિલ્મ ”કુલી” ના શુટીંગ દરમ્યાન અભિનેતા પુનિત ઇસ્સારના અમિતાભને એક મુક્કો મારવાના એક સીનમા ઇજા પહોંચતા અમિતાભની સ્થિતી ગંભીર બની હતી. દેશભરના લાખો ચાહકોમા ચીંતાનુ મોજુ હતું. પરંતુ બધાની પ્રાથનાઓથી અમિતાભ સારા થઇ ગયા. પરંતુ ત્યાર બાદ તેમને એવુ લાગ્યુ કે તેઓ હવે ફિલ્મોમાં કામ નહિ કરી શકે. આ વેળાએ તેમણે રાજકારણમાં ઝપલાવ્યુ.
૮મી લોકસભાની ચુંટણીમા પોતાના વિસ્તારની અલાહાબાદ બેઠક પરથી ચુંટણી લડયા અને ભવ્ય જીત પણ મેળવી. પરંતુ રાજકીય આલમ તેમને બહુ ફાવ્યો નહી. અને ફરી ફિલ્મ જગતમા આવી ગયા.
ત્યાપ પછીનો સમય તેમના માટે કપરો સાબિત થયો. અમિતાભે ૧૯૯૫ પોતાની પ્રોડકશન કંપની એબીસીએલ શરૂ કરી અને ત્રણેક ફિલ્મો પ્રોડ્યુસ કરી પરંતુ જોઇએ તેવી સફળતા ના મળી.

થોડા સમય માટે તો અમિતાભ હતાશ થઇ ગયા હતા. પરંતુ ફરી ભાગ્યા એ સાથ આપ્યો મિત્રોની ત્યારે પ્રસિધ્ધ ટીવી શો ”કૌન બનેગા કરોડપતી”મા હોસ્ટની શું ભુમિકા ભજવી. ફરી પાછા એક વખત દર્શકો મા છવાઇ ગયા. કોમ્યુટરજી… લોક કીયા જાયે… ઘર ઘરમાં ગુંજવા લાગ્યુ.
જાણે ફરી અમિતાભનો યુગ શરૂ થયો. અમિતાભે પણ ભારે આપી ને કહ્યુ હતું. ”ક્રીકેટની જેમ જ જીવનમા પણ બીજો દાવ આવે છે.” ૨૦૦૦ના વર્ષમાં આવેલી તેમની ફિલ્મ ‘મહોબ્બતે’માં અમિતાભના અભિનયે આલોચકોના મોં બંધ કરી દીધા. આ ફિલ્મમાં અમિતાભે એક કડક ગુરૂકુળ હેડમાસ્ટર નારાયણ શંકરની અદ્ભૂત ભુમિકા ભજવી. ફરી શરૂ થયો અમિતાભની હીટ ફિલ્મનો દોર. એક પછી એક ફિલ્મમાં અમિતાભની વિવિધ ભૂમિકાઓમાં અભિનય અદ્ભૂત રહ્યો. આજે પણ કૌન બનેગા કરોડપતિનું હોસ્ટએ જ જોશ અને જુસ્સાથી સંભાળી રહ્યા છે.
માત્ર ભારત જ નહિ વિશ્વભરના લાખો ચાહકોના દિલોમાં રાજ કરનાર અમિતાભ બચ્ચન યાને કી અમિતજી યાને કી બચ્ચન સાબ યાને કી બીગ બી આજે ૧૧મી ઓકટોબર ૨૦૧૭ના રોજ યશસ્વી કારકિર્દીના ૭૫ વર્ષ પૂર્ણ કરી ૭૬માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. આ વેળાએ અમિતજીને ફરી એકવાર જન્મદિને હાર્દિક શુભેચ્છાઓ….

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.