મોરબી નગરપાલિકાના તમામ કર્મચારીઓ હડતાળમાં જોડાતા લાઈટ,પાણી,સફાઈ વ્યવસ્થા ઠપ્પ કરશે
મોરબી સહિત રાજ્યની ૧૬૫ નગરપાલિકાના કર્મચારીઓ આગામી તારીખ ૧૧ ઓક્ટોબરથી ૧૩ ઓક્ટોબર દરમિયાન સજ્જડ હડતાલ પર જશે અને પાણી,લાઈટ તેમજ સફાઈ સહિતની વ્યવસ્થા ખોરવી નાખશે.
જાણવા મળતી વિગતો મુજબ રાજ્યની નગરપાલિકાઓ કર્મચારીઓ દ્વારા પોતાના સાતમા પગારપંચની માંગ,અલગ નગરપાલિકા બોર્ડની રચના કરવી સહિતના પડતર પ્રશ્ને છેલ્લા ઘણા સમયથી લડત ચલાવતા હોવા છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ જ પ્રતિભાવ આપવામાં ન આવતા અંતે આગામી તારીખ ૧૦ એટલે કે બુધવાર સુધીમાં કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવા અલ્ટીમેટમ આપી ૧૧ થી ૧૩ ઓક્ટોબર હડતાલ પર ઉતરી જવા ચીમકી આપવામાં આવી છે.
વધુમાં અખિલ ગુજરાત નગર પાલિકા કર્મચારી મંડલ અને ગુજરાત નગર પાલિકા કર્મચારી મહા મંડળના આદેશ અન્વયે કર્મચારીઓ દ્વારા પોતાના પરિવારના હિતમાં આ આંદોલન ચલાવી રહ્યા હોવાનું જણાવી મોરબી નગરપાલિકાના સાતધીશોને આગોતરી જાણ કરી દીધી છે.
મોરબી નગરપાલિકા કર્મચારી યુનિયનના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા મુજબ મોરબી પાલિકા દ્વારા કર્મચારીઓના હિતમાં બોર્ડમાં ઠરાવ પણ કરી દીધેલ છે પરંતુ સરકાર દ્વારા કર્મચારીઓના હિતમાં કોઈ નિર્ણય ન કરતા આ હળતાલનો માર્ગ અખત્યાર કર્યો હોવાનું જણાવ્યું હતું.
વધુમાં આ જળતાલને પગલે મોરબી પાલિકામાં લાઈટ,પાણી અને સફાઇ સહિતની કામગીરી ત્રણ દિવસ સુધી ઠપ્પ કરી દેવામાં આવનાર હોવાનું જણાવી કર્મચારીઓ દ્વારા શહેરીજનોને પોતાની લડતમાં સાથ સહકાર આપવા વિનંતી કરી હતી.